તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ શૂટિંગમાં લોકેશન બન્યું મુસીબત:દેશ અનલૉક થયો તોપણ ફિલ્મનું શૂટિંગ શરૂ થવામાં 2 મોટાં સંકટ, વિદેશમાં નો એન્ટ્રી અને દેશમાં વરસાદ

મુંબઈ2 મહિનો પહેલાલેખક: હિરેન અંતાણી
  • મોટા ભાગના દેશમાં હાલમાં ટ્રાવેલ બૅન છે, મેકર્સ નવું તથા સરળ લોકેશનની શોધમાં

દેશ ફરી એકવાર અનલૉક તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ બોલિવૂડની ગાડી પાટે ચઢતાં ખાસ્સો સમય લાગી શકે છે. આઉટડોર શૂટિંગ હજી પણ શક્ય નથી. આનાં મુખ્ય બે કારણ છે, પહેલું- અત્યારે ભલે અનેક રાજ્યમાં અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ હોય, પરંતુ પહેલાં જેવી નોર્મલ સ્થિતિ બનવી અત્યારે અશક્ય છે. બીજું- કારણ કે દેશમાં વરસાદની સીઝન શરૂ થવાની છે. આ બંને કારણોને લીધે અનેક ફિલ્મનાં શૂટિંગ તથા રિલીઝ પ્લાન બગડી શકે છે.

મુંબઈમાં એપ્રિલના સેકન્ડ વીકથી શૂટિંગ બંધ છે. ગોવા તથા હૈદરાબાદમાં ઘણી સિરિયલ્સનાં શૂટિંગ શિફ્ટ થયાં હતાં, પરંતુ ત્યાં પણ કોરોનાના કેસમાં વધારો થતાં બૅન મૂકવામાં આવ્યો હતો. દુનિયાના ઘણા દેશમાં હાલમાં ભારતીયોને ટ્રાવેલ કરવા પર બૅન છે, આથી હાલમાં દેશ કે વિદેશનાં લોકેશન પર શૂટિંગ કરવું શક્ય નથી.

ઘણીવાર વર્ષ પહેલાં શૂટિંગનું પ્લાનિંગ થાય છે
ઈન્દ્ર કુમાર તથા અજય દેવગન પ્રોડક્શન સહિત અનેક પ્રોડ્યુસર્સની ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર દિલીપ મિસ્ત્રીએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે અનલૉક બાદ તરત જ આઉટડોર શૂટિંગ શરૂ કરવું શક્ય નથી. આઉટડોર શૂટમાં લાંબું પ્લાનિંગ થાય છે. સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે, આ પ્લાનિંગ બે-ત્રણ મહિનાથી લઈ એક વર્ષ એડવાન્સમાં થાય છે, જેમાં ટેક્નિકલ બાબતો, લોકલ લેબર તથા ત્યાં શૂટિંગની પરવાનગી સહિતની ઘણી વ્યવસ્થા કરવાની હોય છે.

હવે શરૂ થશે એડજસ્ટમેન્ટ
આ પરિસ્થિતિમાં હવે ઈન્ડસ્ટ્રીમાં એડજસ્ટમેન્ટ શરૂ થશે. જે મેકર્સની ફિલ્મનું થોડુંક જ શૂટિંગ બાકી છે તેઓ શૂટિંગ કન્ટિન્યુ કરશે, સેટ બનીને તૈયાર છે, એ માટે તેમણે એડવાન્સ આપવા પડશે, ડેટ્સ શિડ્યૂલ થશે. ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવી પડશે. આજકાલ બિગ સ્ટાર્સ પણ પ્રોડ્યુસર્સ છે, આથી તેઓ એકબીજાની પરિસ્થિતિ સમજે છે.

વરસાદ પણ મુશ્કેલીરૂપ બનશે
દિલીપ મિસ્ત્રીએ કહ્યું હતું કે આ બધું જ નક્કી થઈ જાય તોપણ સૌથી મોટું ફેક્ટર વરસાદ છે, જેમ કે અજય દેવગનની ફિલ્મ માટે આર્ટિફિશિયલ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. ત્યાં વરસાદને કારણે શૂટિંગ શક્ય બનશે નહીં. વરસાદમાં જંગલ બંધ થઈ જશે, ત્યાં ઓક્ટોબર સુધી શૂટિંગ શક્ય નથી. કોઈ હિલ સ્ટેશન પર પણ શૂટિંગ શક્ય બનશે નહીં.

કુદરતી આફતોથી જો સેટને નુકસાન થાય છે કે પછી કોઈ ટેક્નિશિયન કે આર્ટિસ્ટને મુશ્કેલી પડે છે તો એના માટે ઈન્શ્યોરન્સની વ્યવસ્થા પ્રોડક્શન હાઉસ કરે છે. કોરોનાને કારણે શૂટિંગ અટકી પડતાં એને કારણે જે નુકસાન થયું એનો કોઈ ઈન્શ્યોરન્સ નહોતો.

કાલે શું થશે કોને ખબર
વધુમાં મિસ્ત્રીએ કહ્યું હતું કે સૌથી મહત્ત્વની વાત એ છે કે અનલૉક જે પણ થશે, જેવી રીતે પણ થશે, પરંતુ કોઈ એ ના કહી શકે કે આગામી એક-બે મહિના પછી પરિસ્થિતિ શું હશે. છેલ્લા દોઢ વર્ષથી ઈન્ડસ્ટ્રીને ઘણું જ નુકસાન થયું છે. મોટા સ્ટાર્સને પણ ફટકો પડ્યો છે. હવે બધા જ એક પગલું પણ વિચારીને ભરે છે. સિરિયલનાં શૂટિંગ તો કોઈ રિસોર્ટમાં સ્ક્રિપ્ટમાં ફેરફાર કરીને કરી શકાય છે, પરંતુ ફિલ્મ આવી રીતે બનાવી શકાય નહીં.

વિદેશી પ્રોડ્યુસર ભારતને બદલે થાઈલેન્ડ ઊપડ્યા
ફિલ્મ લોકેશન સર્વિસ કંપની ફિલ્મેપિયાના ડિરેક્ટર બેન્જામિન જેકબે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે અત્યારે માત્ર બિગ બજેટ ફિલ્મ જ નહીં, એડ કમર્શિયલ, ડોક્યુમેન્ટ્રીના શૂટિંગ પણ બંધ છે. અમેરિકા, યુરોપ તથા ઇંગ્લેન્ડના પ્રોડક્શન હાઉસ તથા બ્રાન્ડ્સે ભારતમાં શૂટિંગ કરવાનું આયોજન કર્યું હતું એ પોસ્ટપોન કર્યું છે અથવા તો તેઓ થાઈલેન્ડ જેવી જગ્યાએ ગયા છે.

એપલ ટીવી પ્લેસની સિરીઝ 'શાંતારામ'નું શૂટિંગ ભોપાલમાં થતું હતું, પરંતુ લૉકડાઉન બાદ શૂટિંગ થાઈલેન્ડમાં શરૂ કરવામાં આવ્યું. આઉટડોર શૂટિંગ પણ એક ઈન્ડસ્ટ્રી છે, જ્યાં શૂટિંગ થાય છે ત્યાં લાંબા સમય સુધી અનેક કમર્શિયલ એક્ટિવિટી થાય છે. કેટરિંગ, ટ્રાન્સપોર્ટ, ટેન્ટ, ગ્રાઉન્ડ, સપોર્ટ ટીમ, ટેક્નિશિયન, ઈક્વિપમેન્ટ રેન્ટલ સર્વિસનું કામ ઠપ છે.

અમેરિકા અનલૉક થયું, પરંતુ બોલિવૂડને શું ફાયદો
આપણા દેશમાં શૂટિંગ શક્ય નથી, એ જ મુશ્કેલી નથી, પરંતુ અમેરિકા, ઇંગ્લેન્ડ જેવી અનેક જગ્યા અનલૉક થઈ ચૂકી છે, જોકે એનાથી બોલિવૂડને કોઈ ફાયદો નથી. ત્યાં ભારતીય ટ્રાવેલ પર બૅન છે. હવે ભારતીય પ્રોડ્યુસર અન્ય ફોરેન લોકેશન પર જાય ેવી શક્યતા છે.

ભારતીય ફિલ્મજગતમાં લોકેશન-ગુરુ તરીકે જાણીતા ચેન્નઈના કે. આર. નટરાજન 'બાહુબલી' સહિત અનેક બિગ ફિલ્મના લોકેશન-કન્સલ્ટન્ટ રહી ચૂક્યા છે. હાલમાં માત્ર તેઓ વિદેશનાં લોકેશનની કન્સલ્ટન્સી કરે છે. નટરાજને કહ્યું હતું કે અત્યારે વિદેશમાં શૂટિંગ અંગે તેઓ ઘણા કન્ફ્યુઝ છે. એક પછી એક ઘણા દેશે ભારતીય ફ્લાઈટ્સ પર બૅન મૂક્યા છે. અત્યારે કન્ટેન્ટની ડિમાન્ડ વધી છે. લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર પણ વેબ સિરીઝ તથા ફિલ્મ જુએ છે. આવામાં પૂરી ઈન્ડસ્ટ્રી બાઉન્સ બેક કરશે એ નક્કી છે.

બોલિવૂડનું ફેવરિટ ગોવા અત્યારે સૂમસામ
ગોવામાં આઉટડોર શૂટિંગ એક્સપર્ટ સલીલ કાકડેએ કહ્યું હતું કે મુંબઈમાં શૂટિંગ બંધ થતાં ઘણી સિરિયલ્સનાં શૂટિંગ ગોવામાં શિફ્ટ થયાં હતાં, જોકે ગોવામાં પણ લૉકડાઉન થતાં બધું જ બંધ છે. ગોવા હિંદી ફિલ્મનું ફેવરિટ લોકેશન છે. સામાન્ય દિવસોમાં સાઉથ ગોવામાં ક્યાંક ને ક્યાંક શૂટિંગ થતું જ હોય છે.

ગોવામાં વરસાદની સીઝન શરૂ થશે, આથી જ હવે અહીં આઉટડોર શૂટિંગ શક્ય નથી. આમ પણ આખું રાજ્ય ટૂરિઝમ ઈકોનોમી પર ચાલે છે, જેમાં ફિલ્મ શૂટિંગનો હિસ્સો બહુ મોટો છે. હોટલ, રેસ્ટોરાં, ટેક્સી, જનરેટર અને અનેક વસ્તુઓના વેન્ડર્સને રેગ્યુલર કામ મળતું હતું.

અત્યારના ઓપ્શનઃ ઈન્ડોર શૂટિંગ જ શક્ય
જેકબના મતે ભારતીય ફિલ્મ ઉદ્યોગ આવી પરિસ્થિતિમાં બેસી રહેવાને બદલે અનેક ઓપ્શન વિચારે છે. એવી સ્ક્રિપ્ટ પર કામ કરે છે, જેમાં આઉટડોર શૂટની જરૂર ના હોય અથવા તો રિસોર્ટ કે ફાર્મહાઉસમાં શૂટિંગ થઈ શકે એવું પ્લાનિંગ કરે છે. બાયો બબલમાં શૂટિંગ કરવાનું વિચારે છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સલામતી તથા સુવિધાના હિસાબે ઉત્તર ભારતના રિમોટ લોકેશન શોધે છે.

પોઝિટિવ વાત એ છે કે હવે દરેક રાજ્ય સરકારને ખ્યાલ છે કે શૂટિંગને કારણે લોકલ ઈકોનોમીને બૂસ્ટ મળે છે, આથી સરકાર નક્કી કરેલી ગાઈડલાઈન્સ પ્રમાણે શૂટિંગ કરવાની પરવાનગી આપે છે. કોરોના ક્યાં સુધી રહેશે એ ખ્યાલ નથી, તેથી દરેક પ્રોડક્શન કંપનીએ એક હાઈજીન ઓફિસરની નિમણૂક કરવી જોઈએ. આ ઓફિસર દરેક પ્રકારના કોરોના પ્રોટોકોલને ફોલો કરાવી શકે છે. ભારતમાં આવું નથી, પરંતુ જો આવી પરિસ્થિતિ લાંબા સમય સુધી રહી તો આ ફોલો કરવું જ પડશે.