બોલિવૂડમાં ફરીથી કોરોના:વેક્સિનના બબ્બે ડોઝ લીધા પછીયે ફરાહ ખાન કોરોના પોઝિટિવ થઈ, કોમેડી શૉમાં એની જગ્યાએ મિકા સિંહ આવવાની ચર્ચા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરાહ ખાને જાતે જ સોશિયલ મીડિયા પર પોતાના કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી છે
  • ફરાહ ખાને તાજેતરમાં ઘણા રિયાલિટી શો માટે શૂટિંગ કર્યું હતું
  • ગયા અઠવાડિયે ડિરેક્ટર રુમી જાફરીને પણ વેક્સિનના બંને ડોઝ લીધા પછી કોવિડનો ચેપ લાગ્યો હતો

બોલિવૂડની ફેમસ કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાનનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ફરાહે કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે અને તેમ છતાં તેને કોરોનાનો ચેપ લાગ્યો છે. ફરાહ હાલમાં ઝી ટીવી પર આવતા કોમેડી શોમાં જજની ભૂમિકામાં જોવા મળી રહી છે. હવે કોવિડ થતાં ફરાહ ખાનને કોમેડી શોમાંથી ફરજિયાત બ્રેક લેવો પડ્યો છે. મીડિયા વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર ફરાહની જગ્યાએ હવે શોમાં મિકા સિંહ જોવા મળશે.

બધા ડબલ વેક્સિનેટેડ લોકો સાથે કામ કર્યું હોવા છતાં ચેપ લાગ્યો
ફરાહ ખાને ઈન્સ્ટા સ્ટોરી પર પોતાને કોરોના હોવાની જાણકારી આપી છે. તેણે પોસ્ટમાં લખ્યું- મને ખબર નથી કે મેં કાળું ટપકું નહોતું કર્યું એટલે આવું થયું કે કેમ, પણ મેં વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા અને ડબલ વેક્સિન લીધી હોય તેવા લોકો સાથે જ મેં કામ ર્યું હતું, તેમ છતાં હું કોરોના પોઝિટિવ થઈ છું. જે લોકોના સંપર્કમાં હું આવી છું તે લોકોને મેં જાણકારી આપી દીધી છે. તેમ છતાં જો હું (મારી વધતી ઉંમર અને ઘટતી યાદશક્તિને કારણે) કોઈને માહિતી આપવાનું ભૂલી ગઈ હોઉં તો તેમણે પોતાનો ટેસ્ટ કરાવી લેવો. આશા છે કે હું જલ્દી સ્વસ્થ થઈ જઈશ.’

ફરાહ ખાને તાજેતરમાં ઘણા રિયાલિટી શો માટે શૂટિંગ કર્યું હતું. ફરાહ ખાન ‘સુપર ડાન્સર 4’માં શિલ્પા શેટ્ટીની સાથે શૂટિંગ કર્યું હતું. 30 ઓગસ્ટના રોજ ફરાહ શોના સેટ પર ગઈ હતી. ફરાહ ‘કૌન બનેગા કરોડપતિ 13’ માટે એક સ્પેશિયલ એપિસોડ પણ શૂટ કર્યો છે.આ એપિસોડમાં તે દીપિકા પાદુકોણની સાથે જોવા મળશે, જેનું શૂટિંગ થોડા સમય પહેલા જ કર્યું હતું.

હવે કોરોના પોઝિટિવ બાદ ફરાહ ખાને તમામ લોકોને સાવધાની રાખવાનું કહ્યું છે. ફરાહના કોમેડી શોમાં હવે સિંગર મિકા સિંહને ફરાહને સ્થાને રિપ્લેસ કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સ્વાભાવિક રીતે જ થોડા દિવસ સુધી ફરાહ ખાન શોમાં જોવા નહીં મળે. એક મહિના પહેલા જ ફરાહે કોમેડી શો માટે શૂટ કરવાનું શરૂ કર્યું હતું.

રૂમી જાફરીને પણ બંને ડોઝ પછી ચેપ લાગ્યો હતો
તાજેતરમાં જ અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ ‘ચેહરે’ આપનારા ડિરેક્ટર રુમી જાફરીને પણ 15 ઓગસ્ટના રોજ કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમણે પણ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા. તેમણે જાહેર કર્યું હતું કે હૈદરાબાદ ખાતે પોતાની દીકરીનાં લગ્નમાં હાજરી આપ્યા બાદ તેમને કોવિડનો ચેપ લાગ્યો હતો. આ કારણોસર જ તેઓ પોતાની જ ફિલ્મના પ્રમોશનમાં ભાગ લઈ શક્યા નહીં.

‘ચેહરે’ના ડિરેક્ટર રુમી જાફરીને 15 ઓગસ્ટે કોરોનાનો ચેપ લાગ્યો હતો
‘ચેહરે’ના ડિરેક્ટર રુમી જાફરીને 15 ઓગસ્ટે કોરોનાનો ચેપ લાગ્યો હતો

ડિરેક્ટર રૂમી જાફરીની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘ચેહરે’ 27 ઓગસ્ટે દેશભરનાં થિયેટરોમાં રિલીઝ થઈ હતી, જેને દર્શકો તરફથી ઠંડો પ્રતિસાદ મળ્યો હતો.