રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નને બે દિવસ થઈ ગયા છે, પરંતુ કપલની તસવીરો ને વીડિયો સો.મીડિયામાં છવાયેલા છે. હવે બંનેના વાસ્તુ અપાર્ટમેન્ટ સ્થિત ઘરની બહારનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ત્રણ કિન્નર જોવા મળે છે. આ ત્રણેય ન્યૂલીવેડ રણબીર-આલિયાને આશીર્વાદ આપવા તથા પૈસા લેવા આવ્યા હતા.
ગેટની બહાર જોવા મળ્યા
વીડિયોમાં જોવા મળે છે કે કિન્નરો વાસ્તુ બિલ્ડિંગના ગેટની બહાર ઊભા હોય છે. તેમની આસપાસ ગાર્ડ્સ હોય છે. તેઓ ડાન્સ કરે છે અને રણબીર-આલિયાને આશીર્વાદ આપે છે.
કિન્નરોએ પૈસા માગ્યા
વાઇરલ વીડિયોમાં કિન્નર કોઈ વ્યક્તિ સાથે વાત કરે છે. એમ લાગે છે કે તેમણે શુકનની રકમ અંગે વાત કરી હતી. 'ઇટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, રણબીર કપૂરે ચોક્કસ અમાઉન્ટ ઑફર કરી હતી, પરંતુ કિન્નરોએ ત્રણ ગણી રકમ માગી હતી. તેથી રણબીરના સિક્યોરિટી ગાર્ડ્સ પૈસાનું કવર પરત લઈ ગયા હતા. રણબીર કપૂરે 30 હજાર રૂપિયા આપ્યા હતા. જોકે, કિન્નરોએ આ રકમ લેવાની ના પાડી હતી. રણબીરે 90 હજાર રૂપિયા પછી આપ્યા હતા.
પરિવાર-નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન
રણબીર તથા આલિયાએ વાસ્તુ અપાર્ટમેન્ટના 11મા માળે લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર નિકટના પરિવારજનો તથા મિત્રો હાજર રહ્યા હતા. 38 મહેમાનોની વચ્ચે બંનેએ લગ્ન કર્યાં હતાં. આલિયાએ લગ્નની તથા મહેંદી સેરેમનીની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સિંગર રાહુલ વૈદ્ય તથા ટીવી એક્ટ્રેસ દિશા પરમારે લગ્ન કર્યા પછી તેમના ઘરે કિન્નરો આવ્યા હતા. તેમણે દિશાની આરતી ઉતારીને સવા લાખ રૂપિયા તથા એક સોનાનું ઘરેણું માગ્યું હતું. રાહુલ તથા દિશાએ ગયા વર્ષે 16 જુલાઈના રોજ લગ્ન કર્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.