ટોલિવૂડ ડ્રગ્સ કેસ:EDએ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ, ચાર્મી કૌર, રવિ તેજા-રાણા દગ્ગુબાતીને સમન્સ પાઠવ્યું, 2017ના ડ્રગ્સ કેસમાં કાર્યવાહી થઈ

મુંબઈ2 મહિનો પહેલા
ડાબેથી, રાણા દગ્ગુબાતી, રકુલ પ્રીત સિંહ, રવિ તેજા
  • 6 સપ્ટેમ્બરના રોજ રકુલની, 8 સપ્ટેમ્બરે રાણા દગ્ગુબાતીની તથા 9 સપ્ટેમ્બરે રવિ તેજાની પૂછપરછ થશે.

ચાર વર્ષ જૂના હૈદરાબાદના ટોલિવૂડ ડ્રગ્સ કેસમાં એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ, ચાર્મી કૌર, રવિ તેજા-રાણા દગ્ગુબાતી સહિત 10 કલાકારોને પૂછપરછ માટે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે રકુલ પ્રીત સિંહની સુશાંત મોત કેસમાં ડ્રગ્સ એંગલમાં તપાસ કરતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે પણ પૂછપરછ કરી હતી. જોકે, આ કેસમાં રકુલને આરોપી બનાવવામાં આવી નથી.

સૂત્રોના મતે, 6 સપ્ટેમ્બરના રોજ રકુલને, 8 સપ્ટેમ્બરે રાણા દગ્ગુબાતી તથા 9 સપ્ટેમ્બરે રવિ તેજાને હૈદરાબાદ સ્થિત EDની ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. EDએ ટોલિવૂડના ટોચના ડિરેક્ટર પુરી જગન્નાથને 31 ઓગસ્ટે બોલાવ્યા છે. આ ઉપરાંત રવિ તેજાના ડ્રાઇવિર શ્રીનિવાસ તથા F ક્લબના GM (જનરલ મેનેજર)ને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમને 2થી 22 સપ્ટેમ્બર સુધી હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

NCBએ ગયા વર્ષે રકુલની પૂછપરછ કરતી હતી, NCBની ઓફિસમાં રકુલ
NCBએ ગયા વર્ષે રકુલની પૂછપરછ કરતી હતી, NCBની ઓફિસમાં રકુલ

ક્લીન ચિટ આપનારા અધિકારીઓની પણ પૂછપરછ થશે
ED આ કેસની તપાસ કરનારા આબકારી વિભાગના અધિકારીઓની પણ પૂછપરછ કરશે. નવાઈની વાત એ છે કે આબકારી વિભાગની વિશેષ તપાસ ટીમ (SIT)એ પુરાવાના અભાવે ટોલિવૂડ કલાકારો વિરુદ્ધ કાર્યવાહી કરી નહોતી. જોકે, તમામની પૂછપરછ કરવામાં આવી હતી. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પરોક્ષ રીતે તેમને ક્લીન ચિટ આપીને તેમની વિરુદ્ધ કોઈ ચાર્જશીટ ફાઇલ કરી નહોતી.

11 કેસમાં આબકારી વિભાગે ચાર્જશીટ ફાઇલ કરી છે
2017માં તેલંગાણા આબકારી તથા નિષેધ વિભાગે 30 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યા બાદ 11 કેસ ફાઇલ કર્યા હતા. આ કેસમાં અનેક ડ્રગ્સ પેડલર અરેસ્ટ થયા હતા, જેમાં 11 કેસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 8 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમા મોટાભાગના ડ્રગ્સ આપનારા ડિલિવરી બોય હતા. પછી પૈસાની ગેરકાયદેસર લેવડદેવડની માહિતી મળતા EDની એન્ટ્રી થઈ હતી અને મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

62 લોકોના વાળ તથા નખના સેમ્પલ લેવામાં આવ્યા હતા
આ કેસમાં તપાસ કરનારી SITએ 2017માં જુલાઈમાં ટોલિવૂડ હસ્તીઓ સહિત 62 શંકાસ્પદોના વાળ તથા નખના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા, પરંતુ SITએ આ કેસમાં કંઈ જ માહિતી આપી નહોતી. આ કેસમાં દક્ષિણ આફ્રિકાના નાગરિક રાફે એલેક્સ વિક્ટ વિરુદ્ધ મુંબઈથી હૈદરાબાદમાં કોકેનની હેરફેર તથા હૈદરાબાદમાં વેચવાના આરોપમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. રાફેલની ઓગસ્ટ, 2017માં ધરપકડ કરવામાં આવી હતી.