મની લોન્ડરિંગ કેસમાં EDનો દાવો:સુકેશે જેકલિન માટે શ્રીલંકામાં ઘર ખરીદ્યું હતું, બહરીન-મુંબઈમાં બંગલો લેવા માટે એડવાન્સ આપ્યા હતા

મુંબઈ3 મહિનો પહેલા

200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસની ચાર્જશીટમાં EDએ ઘણા જ ઘટસ્ફોટ કર્યા છે. મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરે એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝને માત્ર ઘોડો, બિલાડી તથા જ્વેલરી જ ગિફ્ટ નહોતી કરી, પરંતુ શ્રીલંકામાં ઘર પણ ખરીદીને આપ્યું હતું. બહરીન તથા મુંબઈમાં પણ ઘર લેવા માટે એડવાન્સ રૂપિયા આપ્યા હતા. બહરીનમાં જેકલિનના પેરેન્ટ્સ રહે છે.

EDએ પોતાની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે જેકલિનને ખ્યાલ હતો કે સુકેશ ઠગ છે અને તેની વિરુદ્ધ કેસ ચાલે છે. જેકલિને એ વાત કબૂલી હતી કે સુકેશે તેને શ્રીલંકામાં ઘર ખરીદવા અંગે જાણ કરી હતી. જોકે તે એ ઘરમાં ક્યારેય ગઈ નહોતી. આ પ્રૉપર્ટી શ્રીલંકાના વેલીગામામાં હોવાનું કહેવાય છે. આ શ્રીલંકાનું લોકપ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે.

આ ઉપરાંત જુહુમાં બંગલો બુક કરાવ્યો હતો. આટલું જ નહીં, બહરીનમાં જેકલિનના પેરેન્ટ્સને એક ઘર ગિફ્ટ કર્યું હતું. સુકેશની સાથી પિંકી ઈરાનીએ આ પ્રૉપર્ટી ખરીદી હોવાનું કહ્યું હતું. પિંકીએ જ સુકેશ તથા જેકલિન વચ્ચે મિત્રતા કરાવી હતી. સુકેશે આ બદલ પિંકીને કરોડો રૂપિયા આપ્યા હતા.

EDએ કહ્યું- બધું જ ખબર હોવા છતાં જેકલિન ગિફ્ટ લેતી હતી
આ પહેલાં જેકલિને કહ્યું હતું કે તેને સુકેશની સાચી ઓળખની ખબર નહોતી. તે સુકેશને શેખરના નામથી ઓળખતી હતી. તેના મતે શેખર જાણીતા રાજકીય પરિવારમાંથી આવે છે. હવે EDનો આરોપ છે કે એક મહિનામાં જ જેકલિનને વિવિધ સમાચારો પરથી ખ્યાલ આવી ગયો હતો કે તે સુકેશ ચંદ્રશેખર જ છે. જાણ હોવા છતાં જેકલિન મોંઘી ગિફ્ટ્સ લેતી હતી.

પટિયાલા કોર્ટમાં 17 ઓગસ્ટના રોજ ફાઇલ કરવામાં આવેલી ચાર્જશીટમાં જેકલિને સુકેશ પાસેથી 5.71 કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. EDએ એમ પણ કહ્યું હતું કે સુકેશ પાસેથી ગિફ્ટ લેવાના કેસમાં જેકલિન પોતાને વિક્ટિમ બતાવી રહી છે, જ્યારે તેને સુકેશના કામની ખબર હતી. EDએ જેકલિનને પણ સહ આરોપી ગણાવી છે.

ચાર્જશીટ પ્રમાણે, સુકેશે જેકલિન જ નહીં, પરંતુ તેનાં ભાઈ-બહેનની ટ્રિપના પણ પૈસા આપ્યા હતા. ED પ્રમાણે, સુકેશે જેકલિનની બહેનને એક લાખ અમેરિકન ડૉલર (અંદાજે રૂ. 79,42,000) તથા ભાઈને 26,740 ઓસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે રૂ. 14,79,267) ગિફ્ટમાં આપ્યા હતા.

26 સપ્ટેમ્બરે જેકલિનને કોર્ટમાં હાજર થવું પડશે
બુધવાર, 31 ઓગસ્ટે દિલ્હીની પટિયાલા કોર્ટે એક્ટ્રેસને સમન્સ પાઠવીને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યું છે. હાલમાં જ EDએ આ કેસમાં જેકલિનને આરોપી બનાવી હતી. 12 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસ પણ એક્ટ્રેસની પૂછપરછ કરશે.

સુકેશે જેક્લિનને 9-9 લાખ રૂપિયાની બિલાડી આપી
EDની પૂછપરછમાં જેકલિને સુકેશ સાથેના રિલેશન સ્વીકાર્યા હતા. પૂછપરછમાં જેકલિને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ મળી હોવાનું કહ્યું હતું. સુકેશે ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હોવાનું પણ કહ્યું હતું.

સુકેશે જેકલિનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જિમ વેર, એક જોડી લૂઇ વિટોનના શૂઝ, બે જોડી હીરાની ઇયરિંગ્સ, માણેકનું બ્રેસ્લેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસ્લેટ, 15 જોડી ઇયરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં, સુકેશે જેકલિનની માતાને પોર્શ કાર આપી હતી.

પ્રાઇવેટ તસવીરો પુરાવા તરીકે રાખવામાં આવી
જેકલિન તથા સુકેશ રિલેશનમાં હતાં. તેમની પ્રાઇવેટ તસવીરો પણ સો.મીડિયામાં વાઇરલ થઈ હતી. ત્યાર બાદ EDએ જેકલિનની પૂછપરછ કરી હતી. બંનેની તસવીરો પુરાવા તરીકે રાખવામાં આવી છે.

200 કરોડના મની લોન્ડરિંગનો કેસ શું છે?
તિહાડ જેલમાં જ રહેતા સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી. એના માટે તેમની પત્ની સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી. તે ખુદને ક્યારેક PM ઓફિસ અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો અધિકારી ગણાવતો. તેની આ છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પૉલ પણ આરોપી છે. તેમના પર આરોપ છે કે તેણે રકમની ચેન્નઈની એક કંપની દ્વારા હેરફેર કરાવી હતી.