પનામા પેપર લીક કેસમાં સોમવાર, 20 ડિસેમ્બરના રોજ ઐશ્વર્યા રાય બચ્ચનની ED (ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ)એ સાત કલાક પૂછપરછ કરી હતી. એશને તેની કંપનીઓ તથા બેંક અકાઉન્ટ્સ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે EDએ ઐશ્વર્યાને સવાલ કર્યો હતો કે 50 હજાર ડૉલરમાં ખરીદેલી કંપનીને માત્ર 1500 ડૉલરમાં કેમ વેચી દીધી. અમિતાભ બચ્ચનની વહુ બન્યા બાદ કંપનીઓ બંધ કેમ કરી દેવામાં આવી? ઉલ્લેખનીય છે કે એશે 20 એપ્રિલ, 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા.
EDએ સોમવારના રોજ દિલ્હીના લોકનાયક ભવનમાં એશની પૂછપરછ કરી હતી. EDના અધિકારીઓ પહેલેથી જ ઐશ્વર્યા રાયને જે સવાલો પૂછવાના હતા એની યાદી તૈયાર કરીને રાખી હતી. એશ સાંજે સાડાસાત વાગે ED ઓફિસમાંથી રવાના થઈ હતી. એશે EDને કેસ અંગેના કેટલાક દસ્તાવેજો પણ આપ્યા હતા.
પનામા પેપર્સમાં 500 મોટાં નામ
પનામા પેપર્સ કેસમાં ભારતના અંદાજે 500 લોકો સામેલ હોવાની વાત સામે આવી હતી, જેમાં નેતા, અભિનેતા, સ્પોર્ટ્સ પર્સન, બિઝનેસમેનનાં નામ હતાં. આ લોકો પર ટેક્સની હેરાફેરીનો આરોપ છે.
મહિના પહેલાં અભિષેક બચ્ચનની પણ પૂછપરછ થઈ હતી
પનામા પેપર્સ કેસની તપાસ લાંબા સમયથી ચાલે છે. EDના અધિકારીઓએ દેશની અનેક જાણીતી હસ્તીઓની તપાસ કરી છે. એક મહિના પહેલાં અભિષેક બચ્ચનની પણ પૂછપરછ કરવામાં આવી હતી. અભિષેકે પણ કેટલાક દસ્તાવેજો EDને આપ્યા છે. સૂત્રોના મતે, અમિતાભને પણ ED સમન્સ પાઠવી શકે છે.
બચ્ચન પરિવારનું નામ કેમ?
વર્ષ 2016માં બ્રિટનમાં પનામાની લૉ ફર્મના 1.15 કરોડ ટેક્સ ડોક્યુમેન્ટ્સ લીક થયા હતા, જેમાં વિશ્વભરના દિગ્ગજ નેતા, બિઝનેસમેન તથા મોટી હસ્તીઓના નામ સામે આવ્યા હતા. ભારતમાંથી 500 લોકોનાં નામ હતાં.
એક રિપોર્ટ પ્રમાણે, અમિતાભને ચાર કંપનીના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ બહામાસમાં હતી અને એક વર્જિન આઇલેન્ડ્સમાં હતી. તેમને 1993માં ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. કંપનીની મૂડી પાંચ હજારથી લઈ 50 હજાર ડૉલરની હતી, પરંતુ આ કંપનીઓ કરોડોની કિંમતની શિપ્સનો બિઝનેસ કરતી હતી.
ઐશ્વર્યાને પહેલાં એક કંપનીની ડિરેક્ટર બનાવવામાં આવી હતી અને પછી કંપનીની શેર હોલ્ડર ડિક્લેર કરવામાં આવી હતી. કંપનીનું નામ અમિક પાર્ટનર્સ પ્રાઇવેટ લિમિટેડ હતું. હેડક્વાર્ટર વર્જિન આઇલેન્ડ્સમાં હતું. ઐશ્વર્યા ઉપરાંત તેના પિતા કે રાય, માતા વૃંદા રાય તથા ભાઈ આદિત્ય રાય કંપનીમાં પાર્ટનર્સ હતાં. આ કંપની 2005માં બનાવવામાં આવી હતી અને ત્રણ વર્ષ બાદ એટલે કે 2008માં બંધ કરી દેવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.