કોરોનાની અસર:એપ્રિલ 2022 સુધીમાં 14 ફિલ્મ રિલીઝ થવાની હતી; 2100 કરોડ દાવ પર, પણ ત્રીજી લહેરે પાણી ફેરવ્યું

મુંબઈ10 દિવસ પહેલાલેખક: હિરેન અંતાણી
  • કૉપી લિંક
  • 3-4 મહિના સુધી બિગ બજેટ ફિલ્મ નહીં આવે, 'લાલ સિંહ ચઢ્ઢા' 'KGF 2' માટે ખતરાની ઘંટડી
  • નવેમ્બર-ડિસેમ્બર, 2022માં રિલીઝ થનારી ફિલ્મ 2023માં રિલીઝ થઈ શકે છે

2022ની શરૂઆતમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે બોલિવૂડ તથા સાઉથ સિનેમાનું રિલીઝ કેલેન્ડર ખોરવી નાખ્યું છે. એપ્રિલ, 2022 સુધી 14 બિગ બજેટ રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી શકે છે. શરૂઆત ડિસેમ્બરમાં 'જર્સી'થી થઈ છે. ત્યારબાદ 'RRR', 'રાધેશ્યામ' તથા 'પૃથ્વીરાજ'ની રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી છે. આ ત્રણ ફિલ્મ પર 1100 કરોડનો દાવ લગાવવામાં આવ્યો છે.

એપ્રિલ, 2022 સુધીની ફિલ્મ પર એક નજર નાખીએ તો 14 બિગ ફિલ્મ પર ઇન્ડસ્ટ્રીના 2125 રૂપિયા છે. મેકર્સ ઉતાવળમાં ફિલ્મ રિલીઝ કરીને નુકસાન કરવા તૈયાર નથી. જાન્યુઆરીમાં રિલીઝ થનારી તમામ ફિલ્મ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. જો પરિસ્થિતિ આવી જ રહી તે ફેબ્રુઆરી, માર્ચ 2022માં રિલીઝ થનારી તમામ ફિલ્મ પણ પોસ્ટપોન કરી દેવામાં આવશે.

અત્યારે સ્થિતિ શું છે?
દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ તથા બિહારમાં થિયેટર બંધ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, પ.બંગાળમાં 50% ઓક્યુપન્સી સાથે થિયેટર ચાલે છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં નાઇટ કર્ફ્યૂ હોવાથી રાતના શો બંધ છે.

પરિસ્થિતિ નોર્મલ નહીં થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં થાય
પર્સેપ્ટ પિક્ચર કંપનીના ફીચર ફિલ્મ બિઝનેસ હેડ તથા ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂશ એક્સપર્ટ યુસુફ શેખે કહ્યું હતું કે 'RRR', 'પૃથ્વીરાજ', 'લાલસિંહ ચઢ્ઢા' જેવી ફિલ્મમાં 200-400 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પાસેથી બમ્પર કમાણીની અપેક્ષા છે અને તેથી જ થિયેટરમાં નોર્મલ ઓક્યુપન્સી જોઈએ. જ્યાં સુધી સ્થિતિ નોર્મલ નહીં થાય ત્યાં સુધી કોઈ ફિલ્મ રિલીઝ અંગે વિચારશે નહીં.

યુસુફે કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સ્ટોક હોલ્ડર્સ, પ્રોડ્યૂસર, ડિસ્ટ્રીબ્યૂટર્સ, એક્ઝિબિટર્સ, ઓવરસીઝ ડિસ્ટ્રીબ્યૂટર કોઈ હાલના સંજોગોમાં ફિલ્મ રિલીઝ કરવા તૈયાર નથી. જો સારી કમાણી જોઈતી હોય તો પરિસ્થિતિ નોર્મલ હોય તે જરૂરી છે. હવે જાન્યુઆરીમાં કોઈ ફિલ્મ રિલીઝ થવાની નથી, હવે આ ફિલ્મને સેટ કરતા કરતા ત્રણ ચાર મહિના થશે.

નવેસરથી રિલીઝ કેલેન્ડર તૈયાર થશે
ટ્રેડ મેગેઝિન 'કમ્પલીટ સિનેમા'ના એડિટર તથા ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષનો બોલિવૂડનો અનુભવ રહ્યો છે કે સિનેમા સૌથી પહેલાં બંધ થાય છે અને પછી છેલ્લે ખુલે છે. મહારાષ્ટ્રમાં કોવિડ પછી ફૂલ કેપેસિટી સાથે થિયેટર ખુલ્યા જ નથી. આથી જ બિગ બજેટ ફિલ્મના પ્રોડ્યૂસર ઉતાવળ કરશે નહીં.

અત્યારે તો બિગ બજેટ ફિલ્મ રિલીઝની સંભાવના એપ્રિલ, 2022 સુધી તો મુશ્કેલ છે. ફિલ્મ રિશિડ્યૂલની અસર નાની ફિલ્મ તથા મિડ બજેટ ફિલ્મ પર પડશે. કેટલીક ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. શૂટિંગ તથા પોસ્ટ પ્રોડક્શન અટકી પડશે. આ જ કારણે આ વર્ષના અંતમાં રિલીઝ થનારી ફિલ્મ પણ રિશિડ્યૂઅલ થશે.

દરેક રાજ્યનો બિઝનેસ મહત્ત્વનો
દિલ્હી તથા હરિયાણામાં થિયેટર બંધ છે. ફિલ્મમાં આ રાજ્યનો હિસ્સો 10-15% છે. જો કોઈ ફિલ્મ 100 કરોડની કમાણીની આશા રાખે છે તો 10-15 કરોડ અહીંથી મળશે. સ્પષ્ટ છે કે કોઈ પ્રોડ્યૂસર આ ટેરિટરીને અવગણી શકે નહીં. બિહારમાં થિયેટર બંધ છે. બંગાળ-તમિળનાડુમાં 50 ટકા કેપેસિટી સાથે થિયેટર ઓપન છે.

હાલમાં માત્ર વેટ એન્ડ વૉચ
કોઈ પ્રોડ્યૂસર અત્યારે નવી ડેટ્સ અંગે વિચારશે નહીં. જ્યારે પરિસ્થિતિ ઠીક હશે, પેનિક નહીં હોય અને નવા નિયંત્રણો નહીં આવે એવી શક્યતા હશે ત્યારે જ ફિલ્મ રિલીઝ વિશે વિચારશે. હાલમાં ઇન્ડસ્ટ્રી વેટ એન્ડ વૉચ મોડમાં છે.

કઈ ફિલ્મની કેવી સ્થિતિ બની શકે છે?
સીનઃ1, જો ઓમિક્રોનની લહેર જલ્દી પૂરી થઈ જાય છે તો...

  • ફેબ્રુઆરીમાં 'શાબાશ મીઠુ', 'બધાઈ દો' તથા 'જયેશભાઈ જોરદાર' જેવી મીડિયમ બજેટ ફિલ્મ રિલીઝ થશે
  • આ ફિલ્મનો બિઝનેસ જોઈને 'ગંગુબાઈ કાઠિયાવાડી' અંગે નિર્ણય લેવામાં આવશે.
  • 14 એપ્રિલે તમિળ ન્યૂ યર તથા ગુડ ફ્રાઇડે હોવાથી સાઉથ તથા ઓવરસીઝ બિઝનેસ માટે મહત્ત્વની તારીખ છે. કેટલીક બિગ ફિલ્મ આ ડેટની આસપાસ રિલીઝ થઈ શકે છે. ત્યારબાદ 28-29 એપ્રિલે ઈદ તથા વીકેન્ડ હોવાથી બિગ ફિલ્મ આવી શકે છે. આ ડેટ્સમાં 'લાલ સિંહ ચઢ્ઢા', 'KGF 2' પહેલેથી જ શિડ્યૂઅલ છે. આથી જ 'રાધેશ્યામ', 'RRR', 'પૃથ્વીરાજ' આ સમયે રિલીઝ થાય તેની શક્યતા નહિવત્ છે.

સીનઃ 2, જો ઓમિક્રોનની લહેર લાંબી ચાલી તો..

  • 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'બચ્ચન પાંડે', 'ભૂલભુલૈયા 2', 'શમશેરા' રિલીઝ થશે નહીં.
  • 'પૃથ્વીરાજ', 'શમશેરા' જેવી ફિલ્મ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ શકે છે
  • આ સ્થિતિમાં 'રક્ષાબંધન', 'આદિપુરુષ', 'લાઇગર' જેવી ફિલ્મની રિલીઝ ડેટ પણ લંબાઈ શકે છે.
  • વર્ષના અંત સુધીમાં રિલીઝ થનારી ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ બંધ થયું તો આ ફિલ્મ 2023માં રિલીઝ થઈ શકે છે.