ડ્રગ્સ કેસના આરોપી આર્યનનો ચોંકાવનારો ઘટસ્ફોટ:NCBની પૂછપરછમાં કહ્યું, અબ્બુજાન શાહરુખને મળવા માટે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે

મુંબઈ3 મહિનો પહેલા
  • આર્યન ખાન 7 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં રહેશે
  • આરોપીઓએ ડાર્ક વેબથી ડ્રગ્સનો ઓર્ડર આપ્યો હતો, બિટકોઇનથી ચુકવણી કરી હતી
  • ક્રૂઝ પાર્ટીના તાર ગુજરાત, દિલ્હી તથા મધ્યપ્રદેશ સુધી જોડાયેલા છે

શાહરુખના દીકરા આર્યન સહિત 8 આરોપી સાત ઓક્ટોબર સુધી NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની કસ્ટડીમાં છે. આ કેસમાં એજન્સીએ એક પેડલર તથા શ્રેયસ નાયર નામની વ્યક્તિની ધરપકડ કરી છે. આ બંને પર રેવ પાર્ટીમાં ડ્રગ્સ આપ્યું હોવાનો આરોપ છે. શ્રેયસ તથા અરબાઝ મર્ચન્ટ ખાસ મિત્રો હોવાની ચર્ચા છે. તેમની પાસેથી ભારે માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે. આજે આર્યન, અરબાઝ, મુનમુન સહિત 8 આરોપીની ડ્રગ-પેડલર સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. એજન્સી અન્ય જગ્યાએ દરોડા પાડે એવી શક્યતા છે. મુંબઈ NCBની સાથે હવે દિલ્હી, મધ્યપ્રદેશ તથા ગુજરાતની NCBની ટીમ પણ તપાસમાં જોડાઈ છે તો બીજી બાજુ મુંબઈ પોલીસે પણ આ કેસમાં તપાસ શરૂ કરી છે.

શાહરુખની ટીમે સેલેબ્સને મન્નત આવવાની ના પાડી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શાહરુખ ખાનની ટીમે બોલિવૂડ સેલેબ્સને વિનંતી કરી છે કે તેઓ એક્ટરના પરિવારને મળવા માટે મન્નત ના આવે. આ પાછળનું કારણ એ છે કે બંગલાની બહાર મોટી સંખ્યામાં ફોટોગ્રાફર્સ તથા મીડિયાની ભીડ છે અને તેથી જ સેલેબ્સને સુરક્ષા અંગે ચિંતા થઈ શકે છે.

પિતાને મળવા અપોઇન્મેન્ટ લેવી પડે છે
'આજ તક'ના અહેવાલ પ્રમાણે, NCBની પૂછપરછમાં આર્યન ખાને કહ્યું હતું કે તેના અબ્બુ હાલમાં ત્રણ-ત્રણ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. તેઓ અપકમિંગ ફિલ્મ 'પઠાન'માં ઘણી જ મહેનત કરી રહ્યા છે. આ ફિલ્મના મેકઅપ માટે કલાકો સુધી બેસવું પડે છે. તેના અબ્બુ એટલા વ્યસ્ત રહે છે કે અનેકવાર તે તેમને મળવા માટે મેનેજર પૂજા પાસેથી અપોઇન્ટમેન્ટ લે છે અને પછી જ તેમને મળી શકે છે.

NCBએ ક્રૂઝના 8 સ્ટાફની પણ ધરપકડ કરી છે અને તેમની પર જાણીજોઈને ડ્રગ્સ છુપાવ્યું હોવાનો આરોપ છે. માનવામાં આવે છે કે આજે (5 ઓક્ટોબર) વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે.

આ કેસમાં પકડાયેલા ડ્રગ-પેડલરની પૂછપરછ પરથી ખ્યાલ આવે છે કે ડ્રગ્સ સપ્લાયનો ઓર્ડર ડાર્ક નેટ પર મળ્યો હતો અને આરોપીઓએ બિટકોઇનમાં ચુકવણી કરી હતી. ડાર્ક નેટ ઇન્ટરનેટની એ દુનિયા છે, જ્યાં તમે હથિયારથી લઈ ડ્રગ્સ સહિતની વસ્તુઓ સરળતાથી ઓનલાઇન ઓર્ડર કરી શકો છે, જેમાં ઓર્ડર તથા ટ્રેક કરવું મુશ્કેલ છે. આ જ કારણ છે કે આર્યનને પકડ્યાના 3 દિવસ બાદ આ પેડલર એજન્સીને મળ્યો.

સોમવાર, 4 ઓક્ટોબરના રોજ NCBએ ક્રૂઝના 8 સ્ટાફની ધરપકડ કરી હતી એ સમયની તસવીર.
સોમવાર, 4 ઓક્ટોબરના રોજ NCBએ ક્રૂઝના 8 સ્ટાફની ધરપકડ કરી હતી એ સમયની તસવીર.

ચાર લોકોને મુંબઈ લઈને આવી
આ કેસમાં દિલ્હીની NCBની ટીમ ચાર લોકોને લઈ મુંબઈ ઓફિસ આવી હતી. માનવામાં આવે છે કે આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે એજન્સી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. અત્યારસુધી માત્ર 11 લોકોની ધરપકડ કરી હોવાની પુષ્ટિ કરી છે, જેમાં આર્યન સહિત 8 લોકો, અરબાઝનો મિત્ર શ્રેયસ, એક વ્યક્તિ જોગેશ્વરીથી અને 1 ઓડિશાથી પકડાઈ છે.

સમીર વાનખેડેએ કહ્યું- લોકપ્રિયતા નિયમ તોડવાનો અધિકાર આપતી નથી
કસ્ટડી 7 ઓક્ટોબર સુધી થતાં ઝોનલ ઓફિસર સમીર વાનખેડેએ કહ્યું હતું કે લોકપ્રિય થવાનો અર્થ એ નથી કે તમને નિયમ તોડવાનો અધિકાર મળી જાય છે. સમીર તથા તેની ટીમ પર બોલિવૂડને ટાર્ગેટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આના પર સમીર વાનખેડેએ કહ્યું હતું કે અનેકવાર આ આરોપો મૂકવામાં આવ્યા છે, પરંતુ હાલમાં વિચારોની વાત કરતા નથી, પરંતુ તથ્ય પર વાત કરીએ અને સૌથી મહત્ત્વની વાત આંકડા છે.

સમીર વાનખેડેના નેતૃત્વમાં આ કાર્યવાહી થઈ રહી છે.
સમીર વાનખેડેના નેતૃત્વમાં આ કાર્યવાહી થઈ રહી છે.

ઇન્ટરનેટનો 94% હિસ્સો ડાર્ક કે ડીપ વેબ છે
ડાર્ક વેબને ડીપ વેબ પણ કહેવામાં આવે છે. ઇન્ટરનેટ પર 94% હિસ્સો ડાર્ક તથા ડીપ વેબનો છે. ઇન્ટરનેટ કુલ ત્રણ લેયરમાં વહેંચાયેલું છે, જેમાં પહેલું લેયર સર્ફેસ વેબ છે. આ વર્લ્ડવાઇડ વેબ છે અને એનો માત્ર 6% હિસ્સો છે. આપણે અને તમે જે ઉપયોગ કરો છે એ આ જ ઇન્ટરનેટ છે. બીજું લેયર ડીપ વેબ છે અને ત્રીજુ લેયર ડાર્ક વેબ છે. આ માત્ર TOR જેવા બ્રાઉઝરની મદદથી ઓપન કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...