ક્રૂઝ ડ્રગ્સ કેસ:દીકરા માટે ચિંતિત શાહરુખ-ગૌરીએ સ્ટાફ સાથે આર્યન માટે ટિફિન ને જરૂરી સામાન મોકલ્યો, જેલ ઑથોરિટીએ એન્ટ્રી ના આપી

મુંબઈ2 મહિનો પહેલા
  • આર્થર રોડ જેલમાં શાહરુખના દીકરા આર્યનની કેવી રહી પહેલી રાત
  • જેલનું ભોજન ખાવું પડ્યું ને બ્લેન્કેટ શૅર કરવો પડ્યો
  • સવારે 7 વાગ્યે નાસ્તામાં પૌંઆ મળ્યા
  • સાંજે છ વાગે રાતના ભોજનમાં મગની દાળ, ભાત, શાક ને રોટલી હતાં

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલો શાહરુખનો દીકરો આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યનના વકીલે મુંબઈની કિલા કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. શુક્રવાર (8 ઓક્ટોબર)એ આર્યન આર્થર રોડ જેલમાં જ રહ્યો હતો. આ દરમિયાન આર્યન ખાનને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી. હાલમાં સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં શાહરુખનો સ્ટાફ આર્થર રોડ જેલમાં ટિફિન તથા જરૂરી સામાન સાથે જોવા મળ્યો હતો.

જેલ ઑથોરિટીએ એન્ટ્રી ના આપી
શાહરુખનો સ્ટાફ આર્યનની જરૂરિયાતનો સામાન તથા ટિફિન લઈને જેલમાં ગયો હતો. જોકે જેલ ઑથોરિટીએ તેમને અંદર આવવાની પરવાનગી આપી નહોતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં NCB કસ્ટડીમાં ગૌરી ખાન દીકરા માટે બર્ગર લઈને ગઈ હતી અને ત્યારે પણ NCBએ ના પાડી દીધી હતી.

જેલમાં આર્યનની કેવી પસાર થઈ પહેલી રાત?
ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યને જેલમાં એક રાત પસાર કરી છે. જેલમાં આર્યનને સામાન્ય કેદીની જેમ જ ભોજન આપવામાં આવ્યું હતું, જેમાં તેને મગની દાળ-ભાત તથા રોટલી-શાક આપવામાં આવ્યાં હતાં. જેલમાં સાંજે છ વાગે જમવાનું આપી દેવામાં આવ્યું હતું. સામાન્ય કેદીની જેમ જ આર્યનને સૂવાની સુવિધા આપવામાં આવી હતી. આજે (9 ઓક્ટોબર) આર્યનને સવારે છ વાગે ઉઠાડવામાં આવ્યો હતો અને સાત વાગે નાસ્તામાં પૌંઆ આપવામાં આવ્યા હતા.

બેરક નંબર 1માં છે
આર્યન તથા અરબાઝ મર્ચન્ટ બેરક નંબર 1માં છે. પાંચ દિવસ અહીં ક્વૉરન્ટીન રહેશે. બંનેનો RT-PCR રિપોર્ટ નેગેટિવ છે.

બે વચ્ચે માત્ર એક જ બ્લેન્કેટ
આર્યન તથા અરબાઝને જેલમાં માત્ર એક જ બ્લેન્કેટ આપવામાં આવ્યો હતો, બંનેએ એક બ્લેન્કેટ શૅર કર્યો હતો. અરબાઝ તથા આર્યને બેડશીટ તથા ઓશીકું પણ શૅર કરાયું હતું. આર્યને ગરમી લાગતી હોવાની વાત કરી હતી, બેરક નંબર એકમાં માત્ર એક જ પંખો છે.

શનિ-રવિ જેલમાં રહેશે
ઉલ્લેખનીય છે કે આર્યન ખાન સોમવાર, 11 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેશે. સેશન્સ કોર્ટ શનિ-રવિ બંધ હોવાથી જામીન અરજી દાખલ થઈ શકી નથી.

અરમાન કોહલી પણ આ જ જેલમાં બંધ છે

NCBની ઓફિસમાં જતો અરમાન કોહલી.
NCBની ઓફિસમાં જતો અરમાન કોહલી.

ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટર અરમાન કોહલી પણ આર્થર રોડ જેલમાં ડ્રગ્સ કેસમાં જ બંધ છે. અરમાનના ઘરે 28 ઓગસ્ટના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ દરોડા પાડ્યા હતા અને ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. 12 કલાકની પૂછપરછ બાદ અરમાનની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં અરમાન જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

અન્ય સમાચારો પણ છે...