ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ:આર્યન ખાન સહિત 8 આરોપી સાત ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં, 3 દિવસ જેલમાં જ રહેશે

મુંબઈ2 મહિનો પહેલા
 • આર્યન ખાન 20 વર્ષની ઉંમરથી ડ્રગ્સ લેતો હોવાની વાત સામે આવી

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે આજનો (4 ઓક્ટોબર) દિવસ મહત્ત્વનો છે. વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આર્યનની આજે કસ્ટડી પણ પૂરી થઈ હતી. NCBએ કોર્ટમાં આર્યન ખાનની એક અઠવાડિયા સુધીની કસ્ટડી માગી હતી અને કોર્ટે આર્યન સહિત આઠેય આરોપીના 7 ઓક્ટોબર સુધી કસ્ટડી આપી છે. એટલે કે આર્યન સહિત 8 આરોપીઓ હજી ત્રણ દિવસ જેલમાં જ પસાર કરશે.

આર્યનના ફોનમાંથી આપત્તિજનક વસ્તુઓ મળી
'આજ તક'ના અહેવાલ પ્રમાણે, NCBએ રિમાન્ડમાં કહ્યું છે કે આર્યનના ફોનમાં આપત્તિજનક તસવીરો મળી છે. આર્યનના ફોનમાંથી પિક્ચર્સ ચેટ તરીકે અનેક લિંક્સ મળી છે. આ ઇન્ટરનેસનલ ડ્રગ્સ ટ્રાફિકિંગ તરફ ઈશારો કરે છે.

ચેટ્સમાં અનેક કોડ નેમ
NCBએ કહ્યું હતું, 'ચેટ્સમાં અનેક કોડ નેમ જોવા મળ્યા છે અને તે અંગે કસ્ટડીની જરૂર છે. લિંક તથા નેકસ્સને ઉજાગર કરવા માટે રિમાન્ડ જરૂરી છે. ડ્રગ્સ પેડલર્સ સાથેની વ્હોટ્સએપ ચેટ છે. આ કેસમાં હજી દરોડા ચાલુ છે.'

કોર્ટમાં શું દલીલો થઈ?

વકીલ સતીશ માનશિંદેએ આર્યનની તરફેણમાં શું કહ્યું?

 • હું અધિકાર તરીકે જામીન માગતો નથી. સાચી વાત એ છે કે મારી (ક્લાયન્ટ એટલે કે આર્યન) ક્રૂઝ પર અટકાયત કરવામાં આવી નથી. મને ત્યાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઇનવાઇટ કરવામાં આવ્યો હતો. હું મારા મિત્ર સાથે ત્યાં ગયો હતો. મને ખ્યાલ નહોતો કે મને ક્રૂઝ પર કઈ કેબિન અલોટ કરવામાં આવી હતી.
 • મેં ક્રૂઝ પર જવા માટે એક પણ પૈસા આપ્યા નથી અને હું એક પણ ઓર્ગેનાઇઝરને ઓળખતો નથી. પંચનામું તૈયાર કરવામાં આવ્યું છે, તેમાં મોબાઈલ ઉપરાંત મારી પાસેથી કંઈ મળી આવ્યું નથી. મિત્રની એટલા માટે ધરપકડ કરવામાં આવી, કારણ કે તેની પાસે છ ગ્રામ ચરસ હતો. આની સાથે મારે કોઈ લેવાદેવા નથી.
 • રિમાન્ડ માટે જે જપ્ત કરેલી વસ્તુની વાત કરવામાં આવી છે, તે અમારા કોઈ પાસેથી મળી આવી નહોતી. આ જપ્ત કરેલી વસ્તુઓ અન્ય આરોપી પાસેથી મળી હતી અને મને તેમાં જોડવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન મારી વ્હોટ્સએપ ચેટ ડાઉનલોડ કરવામાં આવી છે. હવે એ દાવો કરવામાં આવ્યો છે કે હું ઇન્ટરનેશલ ડ્રગ ટ્રાફિકિંગ સાથે જોડાયેલું છું.
 • હું સ્પષ્ટ કરવા માગું છું કે મેં જેટલો સમય વિદેશમાં પસાર કર્યો, મારો કોઈ ડ્રગ ટ્રાફિકિંગ, સપ્લાય તથા ડિસ્ટ્રીબ્યૂશન સાથે કોઈ સંબંધ નથી. મારી ચેટ્સ, ડાઉનલોડ્સ, પિક્ચર્સ અથવા કોઈ પણ અન્ય બાબતથી એ વાત ક્યારેય સાબિત થતી નથી કે મારો આ કેસમાં કોઈ સંબંધ છે.
 • મારે શિપ પર ડ્રગ્સ ખરીદવાની કોઈ જરૂર નથી, હું આખું શિપ જ ખરીદી શકું તેમ છું.
 • જો ડ્રગ્સ અંગે કોઈ વાતચીત થઈ પણ છે, તેનો અર્થ એમ નથી કે હું ડ્રગ ટ્રાફિકિંગ સાથે જોડાયેલો છું. રિયા ચક્રવર્તી કેસમાં પણ કલમ 27 (A) હટાવવામાં આવી હતી, આથી મને રિમાન્ડ પર મોકલવાને બદલે જામીન આપવામાં આવે. રિકવરીની પણ હવે કોઈ જરૂર નથી અને જેલમાં રાખવાનું કોઈ કારણ બનતું નથી.

ASGનો જવાબ

 • અમે કસ્ટડીની અરજી લગાવી રહ્યા છીએ. આ પહેલાં જામીન કેવી રીતે માગી શકાય. આના પર મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે દલીલથી એવું લાગે છે કે વકીલ (માનશિંદે) પોલીસ કસ્ટડી ઈચ્છે છે અને આ સાથે જ તેમના ક્લાયન્ટ માટે જામીન પણ ઈચ્છે છે.
 • આના પર માનશિંદેએ સુપ્રીમ કોર્ટે એક જૂના કેસનો સંદર્ભ આપીને કહ્યું હતું કે વ્હોટ્સએપ ચેટના આધારે કોઈને પણ આરોપી બનાવી શકાય નહીં. આ કેસમાં રિયા ચક્રવર્તીના કેસનો હવાલો આપવામાં આવ્યો હતો.
 • ASGએ કહ્યું હતું કે આરોપી આર્યનઇનવાઇટ બાદ શીપ પર આવ્યો હતો. જેમને ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યા, તેની સાથે જ તે ત્યાં હાજર હતો. તેની તથા અન્ય લોકોની વચ્ચે નશીલી દવાઓની વાતચીત ચાલતી હતી. આ તમામ વાતોની તપાસ થવી જોઈએ.
 • મેસેજમાં જે વાતોનો ઉલ્લેખ છે, તે રિમાન્ડની સુનાવણી માટે પ્રાસંગિક થઈ શકે નહીં, પરંતુ અજાણ્યા લોકો સાથે ચેટ છે. જથ્થાબંધ ખરીદીની વાતનો ચેટમાં ઉલ્લેખ છે. આની તપાસ થવી જોઈએ.
 • આર્યન તથા અન્ય લોકોની વચ્ચે કંઈક કનેક્શન હતું. તમામ નિયમિત સંપર્કમાં રહેતા હતા, જેમાં સપ્લાયર પણ છે.
 • જે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, તેમની પાસેથી આ પ્રતિબંધિત સામગ્રી મળી આવી છે. ડ્રગ્સ ડિલર્સની સાથે તમારી વાતચીત થતી હતી. આ તમામ પરિસ્થિતિની તપાસ તરફ ઈશારો કરે છે. અમે તપાસના પ્રારંભિક ચરણમાં છીએ. આથી જામીન પર અત્યારે વિચાર કરવાની જરૂર નથી. કોર્ટે ધરપકડ માટેનો સમય વધારે તેના પર વિચાર કરે.
અધિકારી આર્યન ખાનનો હાથ પકડીને કોર્ટમાં લઈ ગયા હતા
અધિકારી આર્યન ખાનનો હાથ પકડીને કોર્ટમાં લઈ ગયા હતા

કોણ છે આર્યન સહિત 8 લોકો પકડાયેલા નબીરાઓ?

ડ્રગ્સ પાર્ટી કેસમાં આજે (ચાર ઓક્ટોબર)ના રોજ NCBની ટીમ શાહરુખના બંગલે મન્નતમાં દરોડા પાડી શકે છે. આ કાયદાકીય જોગવાઈ છે કે જો કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવે તો તેના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. આ જોગવાઈ હેઠળ NCBની ટીમ મન્નતમાં દરોડા પાડી શકે છે. જો ક્રૂઝ કેસમાં કોઈ પણ લિંક મળે છે તો દરોડા પડી શકે છે.

શાહરુખ ખાનનો દીકરો 20 વર્ષની ઉંમરથી ડ્રગ્સ લે છે
'આજ તક'ના અહેવાલ પ્રમાણે, NCBની પૂછપરછમાં આર્યન ખાને કહ્યું હતું કે તે 20 વર્ષની ઉંમરથી, એટલે કે છેલ્લાં 4 વર્ષથી ડ્રગ્સ લે છે.

આર્યનની સાથે જ ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની પણ કસ્ટડી આજે પૂરી થઈ રહી છે. કોર્ટમાં જતાં પહેલાં NCB ત્રણેયને સામ-સામે બેસાડીને પૂછપરછ કરે એવી શક્યતા છે. આર્યન ખાને NCBની ઓફિસમાં જ રાત પસાર કરી હતી. સૂત્રોના મતે, આર્યન તથા અરબાઝની સામ-સામે બેસાડીને પૂછપરછ કરાઈ હતી.

ક્રૂઝમાં ફરી દરોડા
આજે (4 ઓક્ટોબર) સવારે છ વાગે 20 અધિકારીઓની ટીમ સમીર વાનખડેના નેતૃત્વમાં ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા અને ક્રૂઝમાંથી છ લોકોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ક્રૂ મેમ્બરની પૂછપરછ પણ કરવામાં આવી છે.. આ દરમિયાન 1800 લોકોની યાદી લેવામાં આવી છે. NCBએ શ્રેયાસ નાયરની સૌ પહેલાં ધરપકડ કરી છે.

આજે અન્ય 5 આરોપીને કોર્ટમાં રજૂ કરશે
3 ઓક્ટોબર, રવિવાર મોડી સાંજે આ કેસમાં NCBએ અન્ય પાંચ આરોપીની ધરપકડ કરી હતી, જેમાં નૂપુર સારિક, ઇસ્મિત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર તથા ગોમિત ચોપરા. આ તમામને NCB આજે કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડી માગી શકે છે. અન્ય એક વ્યક્તિની બેલાપુરથી ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

NCBએ ડ્રગ્સ નેક્સસ સાથે જોડાયેલા હોવાની વાત કહી
સરકારી વકીલ અદ્વૈત સેતનાએ કોર્ટમાં કહ્યું હતું કે આરોપીઓ પાસેથી વ્હોટ્સ એપ ચેટ મળી હતી અને એની તપાસ ચાલુ છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ પણ મળ્યું છે. સેતનાએ કહ્યું હતું કે આરોપીઓની વ્હોટ્સએપ ચેટથી ખ્યાલ આવે છે કે ડ્રગ કન્ઝપ્શન તથા ડ્રગ નેક્સસ જોડાયેલા છે. ત્યાર બાદ અદ્વૈતે સ્ટેટ વર્સિસ અનિલ શર્મા કેસનો ઉલ્લેખ કરીને આર્યનની કસ્ટડી માગી હતી.

આર્યનના વકીલે કહ્યું, તેની પાસેથી ડ્રગ્સ મળ્યું નથી
આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે તેમના ક્લાયન્ટનો કેસ જામીનપાત્ર છે. તે રવિવાર હોવાને કારણે જામીન અરજી દાખલ કરી શકે એમ નથી. આયોજકોએ આર્યનને બોલાવ્યો હતો. ક્રૂઝની ટિકિટ પણ તેની પાસે નહોતો અને તેની પાસેથી કંઈ જ મળ્યું નથી. તેના મોબાઈલની તપાસ થઈ ચૂકી છે.

આર્યન પર આ કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો
આર્યન ખાન પર NDPC (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ 1985) 8 C, 20 B, 27 તથા 35 કલમ લગાવવામાં આવી છે, જેમાં ડ્રગ્સ લેવું, જાણીજોઈને ડ્રગ્સ લેવું તથા ખરીદી કરવી એવી બાબતો આવે છે. આર્યને ડ્રગ્સ ખરીદ્યુ હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.