ક્રૂઝ ડ્રગ્સ કેસ:આર્યન ખાનના ખાસ મિત્ર અરબાઝ મર્ચન્ટના પિતાનું પહેલું રિએક્શન, કહ્યું- તમામ આરોપો પાયાવિહોણા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્યન-અરબાઝ સહિત 8 આરોપીઓ 7 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં

બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન તથા મિત્ર અરબાઝ સેઠ મર્ચન્ટની રેવ પાર્ટી દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ મુંબઈથી ગોવા જતાં ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. આ કેસમાં હવે અરબાઝના પિતા અસલમ મર્ચન્ટે કહ્યું હતું કે તેમના દીકરા તથા આર્યન પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયવિહોણા છે. ઉલ્લેખનીય છે કે અરબાઝ, આર્યન તથા મુનમુન ધામેચાને 11 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

મીડિયા સાથેની વાતચીતમાં અસલમે કહ્યું હતું કે NCB બાળકો પ્રત્યે ઘણી જ સારી છે. બાળકો પર લગાવવામાં આવેલા તમામ આરોપો નિરાધાર છે. જોકે, એજન્સી તપાસ કરી રહી છે અને આ સમયે કંઈ પણ કહેવું ઉતાવળભર્યું છે. NCB ઘણું જ સહયોગી રહ્યું છે. તે વકીલ છે અને ભારતમાં તેમનો ટિમ્બરનો બિઝનેસ છે. તેમને કોર્ટમાં વિશ્વાસ છે અને સત્યનો વિજય થશે. તેઓ નિર્દોષ છે. અરબાઝ પાસે ડ્રગ્સ મળ્યું હોવાની વાત પર અસલમે કહ્યું હતું કે જે પણ કંઈ મળ્યું તે ક્રૂઝની અંદરથી મળ્યું છે, બહારથી નહીં. તેમણે ક્રૂઝમાં એન્ટ્રી પણ લીધી નહોતી. તેમને ગેસ્ટ તરીકે ઇનવાઇટ કરવામાં આવ્યા હતા.

ડ્રગ્સ સંબંધિત કોઈ વ્હોટ્સએપ ચેટ નથી
NCBએ સોમવાર, 4 ઓક્ટોબરના રોજ કોર્ટમાં કહ્યું હતું કે આર્યન તથા અન્ય બે આરોપીઓની વ્હોટ્સએપ ચેટમાં ચોંકાવનારી તથા આપત્તિજનક તસવીરો મળી છે. આ અંગે અસલમે કહ્યું હતું કે ડ્રગ્સ સંબંધિત કોઈ ચેટ મળી નથી. તે ક્રૂઝ પર જવા માટે તૈયાર પણ નહોતા અને છેલ્લી ઘડીએ તૈયાર તયા હતા. આ તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અરબાઝ અને તેમણે સવારે બ્રેકફાસ્ટ સાથે લીધો હતો અને ડિનર પણ સાથે કરવાના હતા. ઉલ્લેખનીય છે કે NCBને અરબાઝ પાસેથી છ ગ્રામ ચરસ મળી આવ્યું હતું.

કોણ છે અરબાઝ મર્ચન્ટ
અરબાઝ મર્ચન્ટ એક્ટર છે. તે આર્યન ખાનને છેલ્લાં 15 વર્ષથી ઓળખે છે અને બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. બંને અવારનવાર સાથે જોવા મળે છે. આટલું જ નહીં અરબાઝ મર્ચન્ટની બોલિવૂડના ઘણાં સ્ટાર કિડ્સ સાથે ફ્રેન્ડશિપ છે. આર્યનનો મિત્ર હોવાને કારણે અરબાઝ તથા સુહાના (આર્યનની બહેન, શાહરુખ-ગૌરીની દીકરી) પણ સારા મિત્રો છે. એક સમયે અરબાઝના સંબંધો પૂજા બેદીની દીકરી અલાયા એફ સાથે હોવાની ચર્ચા હતી. અરબાઝ સો.મીડિયામાં ઘણો જ એક્ટિવ છે.

વકીલે શું કહ્યું?
આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે તેના ક્લાયન્ટ પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નહોતું અને તેમનો કેસ જામીનપાત્ર છે. તેમના ક્લાયન્ટને ઓર્ગેનાઝર્સે બોલાવ્યા હતા. તેમની પાસે ક્રૂઝની ટિકિટ પણ નહોતી અને તેની પાસેથી કંઈ જ મળ્યું નથી. મોબાઈલની પણ તપાસ કરવામાં આવી હતી.

આઠ લોકો આરોપી
આર્યન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નૂપુર સારિકા, ઈશ્મિત સિંહ, મોહક જયસવાલ, ગોમિત ચોપરા, વિક્રાંત છોકરની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત બે ડ્રગ પેડલર્સની પણ ધરપકડ થઈ છે.