ડ્રગ્સ કેસ:આર્યન ખાન કેસની સૌથી મહત્ત્વની કડી પ્રતીક ગાબાની 7 કલાક પૂછપરછ, હાલમાં કોઈને પણ ક્લીન ચિટ નહીં

મુંબઈ4 દિવસ પહેલાલેખક: મનીષા ભલ્લા
  • ક્રૂઝ પાર્ટી માટે પ્રતીક ગાબાએ જ આર્યનને આમંત્રણ આપ્યું હતું
  • NCBએ જે 3 લોકોને જવા દીધા, તેમાંથી કોઈને પણ રાહત નહીં

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ હાલમાં કોઈને પણ ક્લીન ચિટ આપી નથી. કોર્ટે આર્યનની જામીન અરજી પર 13 ઓક્ટોબરે સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન NCB કોર્ટમાં રજૂ કરવા માટે પોતાનો રિપોર્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. NCB આ કેસની સૌથી મહત્ત્વની કડી પ્રતીક ગાબાને પૂછપરછ માટે બીજીવાર બોલાવી શકે છે. પહેલાં પણ પ્રતીકની સાત કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

પ્રતીક ગાબાને ક્લીન ચિટ નહીં
NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) નેતા નવાબ મલિકે NCB પર આરોપ મૂક્યો હતો કે તેણે પ્રતીક ગાબા, આમિર ફર્નીચરવાલા તથા ઋષભ સચદેવાને જવા દીધા હતા. જોકે, NCBએ પ્રતીકની પૂછપરછ કરીને પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે અને તે કોર્ટમાં રજૂ કરશે. ગાબા સહિત અન્ય બેને પણ ક્લીન ચિટ આપવામાં આવી નથી.

NCBના ઉચ્ચ અધિકારીઓએ પ્રતીક ગાબા સાથેની પૂછપરછમાં કઈ વાત સામે આવી તેની વાત કરવાનો ઇનકાર કર્યો હતો. તેમને કહેવું હતું કે આ કોડ ઓફ કંડક્ટને કારણે તેઓ વાત કરી શકે નહીં. તમામ વાતો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ક્રૂઝ દરમિયાન જે લોકો પાસેથી ડ્રગ્સ મળ્યું નથી અને જેમણે ડ્રગ્સ કન્ઝ્યૂમ કર્યું નથી તેમની ધરપકડ કરવામાં આવી નથી. જોકે, તમામ લોકો એજન્સીના રડાર પર છે. NCBએ કોઈને પણ ક્લીન ચિટ આપી નથી.

કંઈક તો હશે ને કે આર્યનને જામીન ના મળ્યા
અધિકારીઓએ કહ્યું હતું કે આર્યન ખાનના કેસમાં તેમની પાસે એવા નિવેદનો છે કે 'અમે બંને પી રહ્યા હતા, અમે બંને હતા.' એટલે કે આર્યન વિરુદ્ધ કંઈક તો હશે કે આર્યનને 10 દિવસની અંદર બીજીવાર જામીન ના મળી. કોઈને ફેસિલિટેટ કર્યું, કોઈએ મેન્યુફેક્ચર કર્યું, કોઈને પેડલરે આપ્યું, તેમની પાસે નક્કર પુરાવા છે કે આર્યનની સંડોવણી સ્પષ્ટ રીતે છે.

તમામ વિરુદ્ધ તપાસ ચાલુ છે
આ અંગે NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે તમામ વિરુદ્ધ તપાસ ચાલુ છે, કોઈને પણ ક્લીન ચિટ આપી નથી. જોકે, ઘટનાસ્થળ પર જેને જે મળ્યું તે વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રતીક ગાબાએ સો.મીડિયા અકાઉન્ટ બંધ કર્યું
પ્રતીક ગાબાએ સો.મીડિયા અકાઉન્ટ બંધ કરી દીધું છે. થોડાં દિવસ સુધી તે સો.મીડિયામાં એક્ટિવ હતો. જોકે, હવે તેની એક પણ પોસ્ટ દેખાતી નથી. પ્રતીક ગાબા તથા આર્યન ખાન મિત્રો છે. આર્યનના મન્નત બંગલામાંથી જ પ્રતીક, આર્યન તથા અરબાઝ મર્સિડિઝમાં ક્રૂઝ પાર્ટીમાં ગયા હતા.