અજય દેવગનની ફિલ્મ 'દૃશ્યમ 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મે અત્યાર સુધી 200 કરોડથી વધુનું વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું છે. ફિલ્મ રિલીઝના 10મા દિવસે એટલે કે બીજા રવિવારે ફિલ્મે 17 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ સાથે જ આ ફિલ્મ 2022ની પાંચમી હાઇએસ્ટ અર્નિંગ ફિલ્મ બની છે. આ ફિલ્મ માત્ર 60 કરોડના બજેટમાં બની છે.
10 દિવસમાં 200 કરોડને પાર
'દૃશ્યમ 2'એ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર અત્યાર સુધી 169 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, વિદેશમાં 33 કરોડની કમાણી કરી છે. ફિલ્મનું ટોટલ કલેક્શન 203 કરોડ થઈ ગયું છે. રિલીઝના માત્ર 10 દિવસમાં એક મિડ રેન્જ ફિલ્મ માટે આ બિઝનેસ ઘણો જ સારો છે.
2022ની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
2022માં સૌથી વધુ કમાણી કરનારી હિંદી ફિલ્મની વાત કરીએ તો 'બ્રહ્માસ્ત્ર' 431 કરોડ સાથે પહેલા નંબર પર છે. બીજા નંબર પર 'ધ કાશ્મીર ફાઇલ્સ' (341 કરોડ), ત્રીજા નંબરે 'ભૂલ ભુલૈયા 2' (266 કરોડ), ચાર નંબર પર 'ગંગુબાઈ કાઠિયાવાડી' (211 કરોડ) તથા હવે પાંચમા નંબરે 'દૃશ્યમ 2' છે. અજય દેવગનની આ ફિલ્મની કમાણી હજી પણ ધીમી પડી નથી.
માત્ર 60 કરોડમાં બની છે
'દૃશ્યમ 2'નું બજેટ 60 કરોડની આસપાસ હતું. ફિલ્મે ત્રીજા જ દિવસે બજેટ કરતાં વધુ કમાણી કરી હતી. આ ફિલ્મને અભિષેક પાઠકે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અજય ઉપરાંત તબુ, શ્રિયા સરન, અક્ષય ખન્ના તથા ઈશિતા દત્તા છે. ફિલ્મના પહેલા ભાગને નિશિકાંત કામતે ડિરેક્ટ કર્યો હતો. જોકે, તેમના અવસાન બાદ ફિલ્મના પ્રોડ્યૂસર અભિષેકે બીજા ભાગને ડિરેક્ટ કર્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.