ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ગેરકાયદેસર રીતે કૉર્ડેલિયા ભારતીય દરિયાઈ સીમામાં ઓપરેટ થતું હતું, ક્રૂઝ પર પાર્ટીની પરમિશન પણ લીધી નહોતી

મુંબઈ3 મહિનો પહેલાલેખક: વિનોદ યાદવ અને મનીષા ભલ્લા
  • આ ક્રૂઝના કોન્ટ્રાક્ટ IRCTC તથા બુક માય શો સાથે હતા

NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ કૉર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. આ ક્રૂઝ મુંબઈથી ગોવા જતું હતું. દરોડા બાદથી આ ક્રૂઝ વિવાદમાં આવ્યું છે. હવે આ ક્રૂઝ અંગે વિવાદાસ્પદ ઘટસ્ફોટ થયા છે. આ ક્રૂઝ ગેરકાયદેસર રીતે ભારતીય દરિયાઈ સીમામાં ઓપરેટ થતું હતું. ખાસ વાત એ છે કે આ ક્રૂઝના કોન્ટ્રાક્ટ IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) તથા બુક માય શો જેવી જાણીતી કંપનીઓ સાથે હતા. હવે સવાલ એ છે કે કેવી રીતે ક્રૂઝ પરમિશન વગર ઓપરેટ થતું હતું. આ ક્રૂઝ પર એક સાથે 2000 લોકો પ્રવાસ કરી શકે છે.

DG (ડિરેક્ટર જનરલ) શિપિંગ અમિતાભ કુમારે કહ્યું હતું કે ક્રૂઝ લાઇનર કૉર્ડેલિયાએ ભારતીય દરિયાઈ સીમમાં ઓપરેટ કરવા માટે અરજી આપી હતી, પરંતુ કેટલાંક ટેક્નિકલ કારણોસર પરવાનગી આપવામાં આવી નહોતી. ડેપ્યુટી ડિરેક્ટર જનરલ એશ મોહમ્મદે કહ્યું હતું કે હવે તેઓ કૉર્ડેલિયા ક્રૂઝ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વિચારે છે, કારણ કે મર્ચન્ટ શિપિંગ એક્ટના સેક્શન 406 હેઠળ કોઈ પણ ક્રૂઝ કે શિપને ભારતીય દરિયાઈ સીમામાં ઓપરેટ કરવા માટે લાઇસન્સ લેવું અત્યંત જરૂરી છે.

ક્રૂઝ પર પૂલ પાર્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે
ક્રૂઝ પર પૂલ પાર્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, IRCTCએ આ વર્ષે સપ્ટેમ્બરમાં પહેલીવાર ક્રૂઝ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ટિકિટ બુકિંગ શરૂ કર્યું હતું. આ માટે IRCTCએ કૉર્ડેલિયાના નામની વિદેશી ક્રૂઝ લાઇનર સાથે કરાર કર્યો હતો. હવે માહિતી મળી રહી છે કે આ વિવાદ બાદ IRCTC આ શિપ સાથેને કોન્ટ્રાક્ટ અંગે ફેર વિચાર કરે છે. સૂત્રોના મતે, IRCTCનો ફાઇનલ નિર્ણય NCBની ચાર્જશીટ પછી આવશે. જો ક્રૂઝની આ પાર્ટી સાથે કોઈ લિંક મળે છે તો તે આ કોન્ટ્રાક્ટ તોડી નાખશે.

IRCTCએ કહ્યું, અમારું કામ માત્ર ટિકિટ બુકિંગનું
IRCTC તરફથી કહેવામાં આવ્યું છે કે તે માત્ર ટિકિટ બુકિંગ કરે છે અને આ જ આધારે કમિશન શૅર થાય છે. શિપના ઓપરેશન સાથે કોઈ લેવા-દેવા નથી. IRCTCએ સ્પષ્ટતા કરી છે કે બુકિંગ ભલે તેની સાઇટના માધ્યમથી થયું હોય, પરંતુ આ સ્થિતિમાં જવાબદારી માત્ર પ્રવાસીઓની છે. આ ક્રૂઝ માટે IRCTC પર જે પણ બુકિંગ થયા તેની પહેલી ટ્રિપ મુંબઈથી ગોવા 18 સપ્ટેમ્બરે થઈ હતી.

ક્રૂઝ પર પાર્ટી માટે પોલીસની પરવાનગી લેવામાં આવી નહોતી
તપાસમાં એ વાત પણ સામે આવી છે કે દરોડા દરમિયાન પાર્ટીની પરમિશન મુંબઈ પોલીસ પાસેથી લેવામાં આવી નહોતી. મુંબઈ પોલીસ સાથે પત્ર કે અન્ય કોઈ માહિતી કહેવામાં આવી નહોતી. મુંબઈ પોલીસ હવે DG શિપિંગ તથા MbPT (મુંબઈ પોર્ટ ટ્રસ્ટ)ના અધિકારીઓ સાથે પરમિશન અંગે વાત કરી રહી છે. સૂત્રોના મતે, મુંબઈના યલો ગેટ પોલીસ સ્ટેશનની ટીમે આ કેસની તપાસ શરૂ કરી છે અને તે ટૂંક સમયમાં પગલાં ભરશે.

કૉર્ડેલિયા ક્રૂઝની અંદર કંઈક આ રીતનું ઇન્ટીરિયર છે
કૉર્ડેલિયા ક્રૂઝની અંદર કંઈક આ રીતનું ઇન્ટીરિયર છે

ક્રૂઝ પર કોવિડ નિયમો તોડીને પાર્ટી કરવાનો આરોપ
મહારાષ્ટ્રમાં કોરોના દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલી છે, જે હેઠળ માસ્ક વગર સાર્વજનિક જગ્યા પર જવા અંગે તથા બે ફૂટનું અંતર, આ નિયમોનો સ્વીકાર કરવો અનિવાર્ય છે. જોકે, ક્રૂઝ પર પાર્ટીનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિએ નિયમોનું પાલન કર્યું નથી, આથી હવે ક્રૂઝ વિરુદ્ધ અન્ય કેસો પણ થઈ શકે છે.

મુંબઈમાં આ જગ્યાઓથી ક્રૂઝની સફર કરી શકો છે
આ ક્રૂઝને મુંબઈથી ગોવા, લક્ષદ્વિપ તથા કોચ્ચિ માટે બુક કરી શકાય છે. કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશી પ્રવાસ 2022માં શરૂ કરવામાં આવશે. ક્રૂઝમાં રેસ્ટોરાં, બાર, ઓપન સિનેમા, બાળકો માટે રમવાની જગ્યા તથા જિમ સહિતની સુવિધા છે.

ક્રૂઝમાંથી NCBએ 8ની અટકાયત કરી છે
ક્રૂઝમાંથી NCBએ 8ની અટકાયત કરી છે

આ ક્રૂઝ પર 2 હજાર પ્રવાસીઓ ટ્રાવેલ કરી શકે છે
NCBએ આ જ ક્રૂઝમાંથી એક્ટર શાહરુખ ખાનના દીકરા આર્યન સહિત 8 લોકોની ધરપકડ કરી છે અને ક્રૂઝના 8 સ્ટાફ મેમ્બર્સની સોમવાર, 4 ઓક્ટોબરના રોજ અટકાયત કરવામાં આવી હતી, તેમની ધરપકડ થાય તેવી પૂરી શક્યતા છે.