ડોક્યુમેન્ટરી 'કાલી'ના પોસ્ટર પર વિવાદ:મહાકાળી માતાને સિગારેટ પીતા જોઈને યુઝર્સ ભડક્યા, ફિલ્મમેકરની ધરપકડ કરવાની માગ કરી

મુંબઈ5 મહિનો પહેલા

ફિલ્મમેકર લીના મણિમેકલાઈએ પોતાની ડોક્યુમેન્ટ્રી 'કાલી'નું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં મહાકાળી માતા સિગારેટ પીતા બતાવવામાં આવ્યા છે. 2 જુલાઈના રોજ પોસ્ટર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે ભડક્યા છે. યુઝર્સે લીનાને ટ્રોલ કરી છે અને ધરપકડની માગણી કરી છે.

ફિલ્મમેકરે સો.મીડિયામાં ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર શૅર કર્યું હતું. યુઝર્સે મેકર્સ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ મૂક્યો છે.

માત્ર સિગારેટ જ નહીં, LGBTQનો ઝંડો પણ વિવાદનું કારણ
પોસ્ટરની અન્ય એક બાબતે પણ યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. વાસ્તવમાં પોસ્ટરમાં મહાકાળી માતાના એક હાથમાં ત્રિશૂળ તથા બીજા હાથમાં LGBTQ કમ્યુનિટીનો ઝંડો છે. આ અંગે પણ વિવાદ થયો છે.

યુઝર્સે કહ્યું, આ લોકો આપણી ધીરજની પરીક્ષા લઈ રહ્યા છે
એક યુઝરે કહ્યું હતું, 'રોજ હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવે છે. આ લોકો આપણી ધીરજની પરીક્ષા લઈ રહ્યા છે.' કેટલાંક યુઝર્સે સવાલ કર્યો હતો કે શું આ લોકો બીજા ધર્મના ભગવાનને પણ આ રીતે બતાવી શકે છે? યુઝર્સે હોમ મિનિસ્ટ્રીથી લઈ PMOને ટૅગ કરીને લીનાની ધરપકડ કરવાની માગણી કરી છે. અન્ય એકે કહ્યું હતું, 'નફરત ફેલાવનારા લોકોની ધરપકડ કરવામાં આવે.'

કેનેડા ફિલ્મ ફેસ્ટિવલમાં લૉન્ચ થશે
લીનાએ 'કાલી'નું પોસ્ટર 2 જુલાઈ, 2022ના રોજ લૉન્ચ કર્યું હતું. પોસ્ટર લૉન્ચ કરીને કહ્યું હતું કે તે ઘણાં જ ઉત્સાહી છે, કારણ કે આ ડોક્યુમેન્ટ્રી 'કેનેડા ફિલ્મ ફેસ્ટિવલ'માં લૉન્ચ કરવામાં આવશે.

દિલ્હી પોલીસમાં ફરિયાદ
લીનાની શોર્ટ ફિલ્મ 'કાલી'ના પોસ્ટર વિવાદ બાદ દિલ્હીમાં ગૌ મહાસભાના અધ્યક્ષ અજય ગૌતમે લીના વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ફિલ્મ પર બૅન મૂકવાની માગણી કરી છે.

લીનાએ કહ્યું, હું ડરતી નથી
લીનાએ કહ્યું હતું, 'મારી પાસે ગુમાવવા માટે કંઈ જ નથી. જે નિડર થીને બોલે છે, તેમના માટે હું હંમેશાં અવાજ ઊઠાવીશ. જો તેની કિંમત મારું જીવન છે તો હું તે પણ આપીશ.' લીનાએ કહ્યું હતું કે તેની આ ફિલ્મ ટોરન્ટોના આગા ખાન મ્યૂઝિયમમાં થયેલી ઇવેન્ટ 'રિધમ ઑફ કેનેડા'નો એક પાર્ટ છે. લીનાનો વિરોધ થતાં તેણે સો.મીડિયા અકાઉન્ટ પ્રાઇવેટ કરી દીધું.

લીનાએ ચોખવટ કરી
સો.મીડિયામાં લીનાએ તમિળમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આ ફિલ્મ એક એવી ઘટના પરથી છે, જેમાં એક સાંજે કાળી પ્રગટ થાય છે અને ટોરન્ટોના રસ્તા પર ફરવા લાગે છે. જો તમે ફિલ્મ જોશો તો તમે મને અરેસ્ટ કરવાવાળા હેશટૅગને બદલે મને પ્રેમ કરનારા હેશટૅગ કરશો.'

કોણ છે લીના?
લીનાનો જન્મ તમિળનાડુના મદુરાઈમાં થયો છે. તે ફિલ્મ બનાવવા ઉપરાંત કવિતા લખે છે અને એક્ટિંગ કરે છે. તેણે મોટાભાગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. લીનાએ થોડાં સમય સુધી મેનસ્ટ્રીમ સિનેમામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. તેની પહેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'મહાત્મા' હતી. લીનાએ દલિતો, મહિલાઓ, ગ્રામીણ તથા LGBTQ સમુદાયની સમસ્યાઓ પર શોર્ટ ફિલ્મ બનાવી છે. લીના પોતાને બાયોસેક્સ્યુઅલ ગણાવે છે. એક્ટર તરીકે લીનાએ 'ચેલ્લમ્મા', 'લવ લોસ્ટ', 'ધ વ્હાઇટ કેટ' તથા 'સેનગડલ ધ ડેડ સી'માં કામ કર્યું છે.

નુસરત જહાંએ કહ્યું, ધાર્મિક ભાવનાને ઠેસ ના પહોંચાડી શકાય
બંગાળી એક્ટ્રેસ તથા સાંસદ નુસરતે તાજેતરમાં જ એક ઇવેન્ટમાં 'કાલી'ના પોસ્ટર વિવાદ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'હું કહીશ કે ધર્મને વચ્ચે ના લાવો. આ બાબતને વેચવા લાયક ના બનાવો. આ ઘણું જ સરળ છે કે આપણે ડ્રોઇંગ રૂમમાં બેસીને મસાલેદાર સ્ટોરી જોઈએ છીએ, પરંતુ તમે મારો અભિપ્રાય પૂછતા હો તો હું હંમેશાં એમ જ કહીશ કે મેં ક્રિએટિવિટીને હંમેશાંથી અલગ સપોર્ટ કર્યો છે. વ્યક્તિત્વને અલગથી સપોર્ટ કર્યો છે. હું હંમેશાંથી માનું છું કે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી શકાય નહીં.

વધુમાં નુસરતે કહ્યું હતું, 'હું કોઈની ધાર્મિક લાગણીને દુભાવી શકું નહીં, કારણ કે હું મારો ધર્મ મારી રીતે ફોલો કરું છું અને તમે તમારી રીતે. તમને અને મને તે કરવાનો હક છે, પરંતુ ક્રિએટિવિટી જો તમે કંઈક કરો છો તો તેની જવાબદારી તમારી છે. હું એમ નથી કહેતી કે આ સાચું છે કે ખોટું, કારણ કે એ તમને જ ખબર છે. હું માત્ર એટલું જ કહીશ કે હું ક્રિએટિવિટી તથા ધર્મને અલગ રાખું છું.'

અન્ય સમાચારો પણ છે...