સાઉથના લોકપ્રિય ડિરેક્ટર રાજમૌલિની ફિલ્મ 'RRR'એ ઓસ્કર જીતીને ઈતિહાસ સર્જ્યો છે. આ ફિલ્મના ગીત 'નાટૂ નાટૂ'ને ઓસ્કરમાં બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ઓસ્કર મળ્યો છે. આ ગીતના કમ્પોઝર એમએમ કીરાવાની તથા લિરિસ્ટ ચંદ્રબોઝે આ અવૉર્ડ સ્ટેજ પર જઈને લીધો હતો. જોકે, જ્યારે અવૉર્ડની જાહેરાત થઈ ત્યારે ફિલ્મની પૂરી ટીમ ડોલ્બી થિયેટરમાં સૌથી છેલ્લી હરોળમાં બેસેલી જોવા મળી હતી. આ વીડિયો વાઇરલ થયા બાદ સો.મીડિયા યુઝર્સ એકેડેમીને ખરું-ખોટું સંભળાવ્યું પણ હતું. જોકે, હવે આ અંગે નવી જ વાત સામે આવી છે.
'RRR'ના કલાકારોએ ટિકિટ ખરીદી હતી
'ઇકોનોમિક ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, 'RRR'ના 'નાટૂ નાટૂ'ના મ્યૂઝિક કમ્પોઝર એમએમ કીરવાની, લિરિસ્ટ ચંદ્રબોઝ તથા તેમની પત્નીઓને ઓસ્કર 2023માં ફ્રી એન્ટ્રી મળી હતી. જોકે, ડિરેક્ટર તથા ફિલ્મના લીડ એક્ટર્સે ટિકિટ લેવી પડી હતી. એકેડેમી અવૉર્ડના ક્રૂના મતે, જેને અવૉર્ડ મળવાનો હોય છે તેને તથા તેની પત્નીને જ આ ફંક્શનમાં ફ્રી પાસ મળે છે. અન્ય લોકોએ થિયેટરમાં લાઇવ જોવા માટે ટિકિટ ખરીદવી પડે છે.
રાજમૌલિએ પરિવાર માટે ટિકિટ ખરીદી
સૂત્રોના મતે, રાજમૌલિ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે પોતાના તથા પરિવારના સભ્યોની ટિકિટ ખરીદી હતી. આ વખતે ટિકિટ 25 હજાર ડૉલર એટલે કે 20.6 લાખ રૂપિયા હતી. રાજમૌલિએ પોતાના માટે, પત્ની માટે, દીકરા કાર્તિકેય તથા પૌત્રવધૂ માટે ટિકિટ લીધી હતી. આ ઉપરાંત જુનિયર NTR તથા રામચરણ પણ પત્ની સાથે અવૉર્ડ શોમાં હાજર રહ્યા હતા. આ તમામે પૈસા ખર્ચીને ટિકિટ લીધી હતી.
95મા ઓસ્કર અવૉર્ડમાં ભારતનો દબદબો
95મા ઓસ્કર અવૉર્ડ સેરેમનીમાં ભારત છવાયેલું રહ્યું હતું. 'RRR'ના ગીત 'નાટૂ નાટૂ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો અવૉર્ડ મળ્યો હતો તો 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'ને બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરીનો અવૉર્ડ મળ્યો હતો. ભારતને ઓસ્કરમાં 3 નોમિનેશન મળ્યા હતા, જેમાંથી બે ભારત જીત્યું છે.
ઓસ્કર જીતનાર પહેલું ભારતીય ગીત
'નાટૂ નાટૂ'ને ઓસ્કર મળ્યો તે ઘણી રીતે મહત્ત્વનું છે. 2008માં 'સ્લમડૉગ મિલિયોનર'ના ગીત 'જય હો' માટે એ આર રહેમાનને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે ઓસ્કર મળ્યો હતો. 'જય હો..' ગીતને ઓસ્કર મળ્યો, પરંતુ તે ફિલ્મ બ્રિટિશ હતી. 'નાટૂ નાટૂ' ઓસ્કર મેળવનાર પહેલી ભારતીય ફિલ્મ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.