ઓસ્કર અવૉર્ડ્સમાં રાજમૌલિનું અપમાન થયું?:ઇવેન્ટ દરમિયાન સૌથી પાછળની સીટ આપવામાં આવી, ગુસ્સે થયેલા ચાહકો બોલ્યા- 'છેલ્લે બેસનારા જ વિનર બને છે'

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

'RRR'ના ગીત 'નાટૂ નાટૂ'એ ઓસ્કર જીતતા ભારતીયો ગર્વ અનુભવી રહ્યા છે. ઓસ્કર અવૉર્ડ્સનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો જોઈને ભારતીયો ચાહકો નારાજ થયા છે. 'RRR'ના ડિરેક્ટર એસ.એસ. રાજમૌલિના પરિવારને સૌથી પાછળની સીટ આપવામાં આવી હતી.

ચાહકોએ એકેડેમીને ખરું-ખોટું સંભળાવ્યું
વીડિયો વાઇરલ થતાં ચાહકોએ ઓસ્કરનું આયોજન કરનાર એકેડેમીને ખરું-ખોટું સંભળાવ્યું છે. ચાહકોએ ઓર્ગેનાઇઝર્સને સીટિંગ અરેન્જમેન્ટ અંગે આડેહાથ લીધા છે. ચાહકોએ કહ્યું હતું કે જે ફિલ્મને ગીતનો ઓસ્કર મળ્યો, તેની ટીમને સૌથી છેલ્લી હરોળમાં બેસાડવા અપમાનજનક છે.

સો.મીડિયા યુઝર્સે કહ્યું હતું કે એકેડેમીને આ વાતની જાણ હોય છે કે અવૉર્ડ કોણ જીતશે. તેમ છતાં 'RRR'ની ટીમને સૌથી છેલ્લી હરોળમાં સીટ આપવામાં આવી.

ચાહકોએ કહ્યું, બેક બેંચર્સ જ વિનર બને છે
સો.મીડિયા યુઝર્સે કહ્યું હતું, 'ઓર્ગેનાઇઝર્સે રાજમૌલિને એક્ઝિટ સીટ પર જગ્યા આપી. હું દાવા સાથે કહું છું કે આગામી ફિલ્મ પછી તેમને પહેલી હરોળમાં બેસતા કોઈ રોકી શકશે નહીં.' અન્ય એેકે કહ્યું હતું, 'લાસ્ટ બેંચ પર બેસનાર જ વિનર બને છે.'

'RRR'ને બોલિવૂડ ફિલ્મ કહેતા વિરોધ
આ ઉપરાંત અન્ય એક વિવાદ પણ થયો હતો. ઓસ્કર હોસ્ટ કરનાર કોમેડિયન તથા ટીવી હોસ્ટ જિમી કિમેલે ઇવેન્ટમાં દરમિયાન આ ફિલ્મને બોલિવૂડ ફિલ્મ કહી હતી. આ ફિલ્મ મૂળ તેલુગુમાં બની હતી. રાજમૌલિએ પણ કહ્યું હતું કે આ એક તેલુગુ ફિલ્મ છે.

95મા ઓસ્કર અવૉર્ડમાં ભારતનો દબદબો
95મા ઓસ્કર અવૉર્ડ સેરેમનીમાં ભારત છવાયેલું રહ્યું હતું. 'RRR'ના ગીત 'નાટૂ નાટૂ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો અવૉર્ડ મળ્યો હતો તો 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'ને બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરીનો અવૉર્ડ મળ્યો હતો. ભારતને ઓસ્કરમાં 3 નોમિનેશન મળ્યા હતા, જેમાંથી બે ભારત જીત્યું છે.

ઓસ્કર જીતનાર પહેલું ભારતીય ગીત
'નાટૂ નાટૂ'ને ઓસ્કર મળ્યો તે ઘણી રીતે મહત્ત્વનું છે. 2008માં 'સ્લમડૉગ મિલિયોનર'ના ગીત 'જય હો' માટે એ આર રહેમાનને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે ઓસ્કર મળ્યો હતો. 'જય હો..' ગીતને ઓસ્કર મળ્યો, પરંતુ તે ફિલ્મ બ્રિટિશ હતી. 'નાટૂ નાટૂ' ઓસ્કર મેળવનાર પહેલી ભારતીય ફિલ્મ છે.