તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલીપ કુમારનો બહોળો પરિવાર:ટ્રેજેડી કિંગના પરિવારમાંથી કોઈક બન્યું એક્ટર તો કોઈ રહ્યું અપરિણીત, જાણો 12 ભાઈ-બહેનના ખાનદાનની પૂરી વાત

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલીપ કુમારની મોટી બહેન સકીનાએ લગ્ન કર્યા નહોતા, તેણે જીવનના છેલ્લા દિવસો અજમેર શરીફમાં પસાર કર્યાં હતાં

બોલિવૂડના દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર હવે આ દુનિયામાં નથી. દિલીપ કુમાર પરિવાર સાથે પેશાવરમાં રહેતા હતા. અહીંયા તેઓ દાદા-દાદી, કાકા-કાકી, 12 ભાઈ બહેનો સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. અહીંયા સરવર ખાન ફ્રૂટના હોલસેલ વેપારી હતા. જોકે, દિલીપ કુમારના ભાઈ આયુબ ખાનની બીમારીને કારણે પરિવાર મુંબઈ આવી ગયો હતો. જોકે, વેકેશન મનાવવા તેઓ અચૂકથી પેશાવર જતા હતા.

દિલીપ કુમારનો જન્મ લાલા ગુલામ સરવર (પિતા) તથા આયેશા બેગમ (માતા)ના ઘરે થયો હતો. પેશાવરમાં દિલીપ સાહેબના પિતાનો ફ્રૂટનો બગીચો હતો. સંયુક્ત પરિવાર હોવાથી દિલીપ કુમારનું નાનપણ ઘણી જ આર્થિક તંગી વચ્ચે પસાર થયું હતું. પરિવારમાં સભ્યો વધારે હતા અને કમાનાર વ્યક્તિ એક જ હતા.

દિલીપ કુમારને છ બહેનો તથા પાંચ ભાઈઓ હતા
દિલીપ કુમારને પાંચ ભાઈઓ હતા, જેમાં નાસિર ખાન, અહેસાન ખાન, અસલમ ખાન, નૂર મોહમ્મદ તથા આયુબ ખાન હતા. દિલીપ કુમારને છ બહેનો હતી, જેમાં ફૌઝિયા ખાન, સકીના ખાન, મુમતાઝ ખાન, ફરીદા ખાન, સઈદા ખાન તથા અખ્તર આસિફ હતી.

માતાનું 1948માં નિધન
દિલીપ કુમારની માતા આયેશા બેગમને દમનો રોગ હતો અને 1948માં તેમનું નિધન થયું હતું. 1950માં દિલીપ કુમારના પિતાનું અવસાન થયું હતું. માતા-પિતાના નિધન બાદ પરિવારની પૂરી જવાબદારી દિલીપ કુમાર પર આવી ગઈ હતી. સૌથી મોટી બહેન સકીના ખાને પરિવારને સંભાળ્યો હતો. સકીનાએ પરિવાર માટે લગ્ન કર્યા નહોતા. તેમણે જીવનના છેલ્લા દિવસો અજમેર શરીફમાં પસાર કર્યા હતા.

દિલીપ કુમારની બહેનો સાયરાબાનો સાથે
દિલીપ કુમારની બહેનો સાયરાબાનો સાથે

1954માં એક ભાઈનું અવસાન
બીમારીને કારણે દિલીપ કુમારના ભાઈ આયુબ ખાનનું 1954માં અવસાન થયું હતું. નૂર મોહમ્મદનું 1991માં અવસાન થયું હતું. નાસિર ખાન પણ ભાઈ દિલીપની જેમ એક્ટર હતા. તેમણે બે લગ્ન કર્યા હતા. સુરૈયા નાઝીર તથા બેગમ પારો સાથે નિકાહ કર્યા હતા. જોકે, ચર્મ રોગને કારણે નાસિરની ફિલ્મી કરિયર બહુ ચાલી શકી નહીં. 1976માં હાર્ટ અટેક આવતા અમૃતસરમાં તેમનું અવસાન થયું હતું. દિલીપ કુમારને બે ભત્રીજા ઈમરાન તથા અયુબ ખાન છે.

ગયા વર્ષે કોરોનાને કારણે બે ભાઈઓનું નિધન
ગયા વર્ષે દિલીપ કુમારના બે નાના ભાઈઓનાં કોરોનાને કારણે મૃત્ય થયાં હતાં. 2020માં બંને ભાઈઓ અસલમ ખાન (80) તથા અહેસાન ખાન (90)નાં મોત કોરોનાને કારણે થયાં હતાં. બંને ભાઈ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ હતા, જોકે દિલીપ કુમારને આજ સુધી બંને ભાઈનાં મૃત્યુ અંગે ખબર નહોતી.

દિલીપ કુમાર પોતાના ભાઈ તથા પરિવાર સાથે
દિલીપ કુમાર પોતાના ભાઈ તથા પરિવાર સાથે

સઈદા-મુમતાઝ લગ્ન કરીને મુંબઈમાં જ વસ્યા
સઈદાએ ડિરેક્ટર-પ્રોડ્યૂસર મહેબૂબ ખાનના પુત્ર ઈકબાલ ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, પછી બંને અલગ થઈ ગયા હતા. સઈદા પોતાના દીકરા-દીકરી સાથે જુહૂમાં જ રહે છે. તેમના સંતાનો કપડાંનો બિઝનેસ કરે છે. મુમતાઝને એક પુત્ર તથા બે પુત્રીઓ છે. તેઓ હાઉસવાઈફ છે.

ભાઈઓ સાથે દિલીપ કુમાર
ભાઈઓ સાથે દિલીપ કુમાર

કે આસિફ સાથે દિલીપ કુમારની બહેને લગ્ન કર્યા
'મુઘલ-એ-આઝમ'ના પ્રોડ્યૂસર કે આસિફ સાથે દિલીપ કુમારની બહેન અખ્તરે લગ્ન કર્યાં હતાં. દિલીપ કુમારને આ લગ્ન મંજૂર નહોતા. આસિફના મોત બાદ અખ્તર ભાઈના ઘરે રહેવા આવી ગઈ હતી. સૌથી નાની બહેન ફૌઝિયાએ 1967માં દિલીપ સુર્વે સાથે લગ્ન કર્યાં હતાં. ફૌઝિયાની દીકરી સાથે નાસિર ખાન-બેગમ પારાના દીકરા તથા એક્ટર અયુબ ખાને લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્ન સફળ રહ્યા નહોતા. દિલીપ કુમારની એક બહેન ફરીદાએ ફિલ્મફેર મેગેઝિનમાં ઘણાં વર્ષો સુધી કામ કર્યું હતું અને પછી તે અમેરિકા જતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...