તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલીપ કુમારનું નિધન:બોલિવૂડમાં દેવિકા રાનીએ પહેલો બ્રેક આપ્યો હતો, 19 વર્ષની ઉંમરમાં પહેલી ફિલ્મ માટે 1250 રૂપિયા મળ્યા હતા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલીપ કુમારે પોતાના કરિયરમાં 55-60 જેટલી ફિલ્મમાં જ કામ કર્યું છે

બોલિવૂડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું સાત જુલાઈના રોજ 98 વર્ષની ઉંમરે નિધન થયું હતું. દિલીપ કુમારે બોલિવૂડ કરિયરની શરૂઆત 1944માં ફિલ્મ 'જ્વાર ભાટા'થી કરી હતી. 1947માં તેમણે ફિલ્મ 'જુગનૂ'માં કામ કર્યું હતું. આ ફિલ્મની સફળતાથી દિલીપ કુમાર લોકપ્રિય થયા હતા.

ત્યાર બાદ તેમણે 'શહીદ', 'અંદાજ', 'દાગ', 'દીદાર', 'મધુમતિ', 'દેવદાસ', 'મુસાફિર', 'નયા દૌર', 'આન', 'આઝાદ' સહિત અનેક સુપરહિટ ફિલ્મ આપી હતી. તેમણે બ્લેક એન્ડ વ્હાઈટ સિનેમામાં કામ કર્યું છે.

દિલીપ સાહેબને ટ્રેજેડી કિંગની સાથે સાથે ઓલરાઉન્ડર એક્ટર પણ કહેવામાં આવ્યા હતા. માત્ર 25 વર્ષની ઉંમરમાં તેઓ બોલિવૂડના નંબર વન એક્ટર બની ગયા હતા. રાજ કપૂર તથા દેવ આનંદની બોલિવૂડમાં એન્ટ્રી બાદ 'દિલીપ-રાજ-દેવ'ની ત્રિમૂર્તિએ લાંબા સમય સુધી ચાહકોનાં દિલમાં રાજ કર્યું હતું.

જાણીતી ફિલ્મ નિર્માણ સંસ્થા બોમ્બે ટોકીઝની દેન દિલીપ કુમાર છે. અહીં દેવિકા રાનીએ તેમને કામ અને નામ આપ્યાં હતાં. તેમનું મૂળ નામ યુસુફ સરવર ખાન છે અને દેવિકા રાનીએ તેમને દિલીપ કુમાર નામ આપ્યું અને અહીં જ તેઓ એક્ટિંગની બારીકાઈ શીખ્યા હતા. પહેલી ફિલ્મ 'જ્વાર ભાટા' માટે તેમને 1250 રૂપિયા મળ્યા હતા. એ સમયે તેમની ઉંમર માત્ર 19 વર્ષની હતી.

ક્યારેય પૈસાની પાછળ નથી ભાગ્યા
અશોક કુમાર તથા શશધર મુખર્જીએ ફિલ્મિસ્તાનની ફિલ્મથી લઈને દિલીપ કુમારના કરિયરને યોગ્ય દિશામાં આગળ વધારી હતી. તો નૌશાદ, મહબૂબ, બિમલ રાય કે આસિફ તથા દક્ષિણના એસએસ વાસને દિલીપ કુમારની સાથે અનેક ફિલ્મ બનાવી હતી.

44 વર્ષની ઉંમરમાં એક્ટરે સાયરાબાનો સાથે લગ્ન કર્યા હતા. તેમણે અનેક ફિલ્મમાં સાથે પણ કામ કર્યું છે. તેમણે પછી કામ તથા આરામનો ફંડા અપનાવ્યો હતો. દિલીપ કુમારે પોતાની લોકપ્રિયતાને પૈસા કમાવવામાં ક્યારેય વાપરી નહોતી.

પદ્મભૂષણથી લઈ દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત દિલીપ કુમારે પોતાના કરિયરમાં માત્ર 55-60 જેટલી ફિલ્મ કરી હતી. તેમણે હંમેશાં એ વાતનું ધ્યાન રાખ્યું કે એક્ટિંગને કારણે તેમની ઈમેજ ખરાબ ના થાય. તેમને પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન નિશાન-એ-ઈમ્તિયાઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા.