તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલીપ કુમાર-મધુબાલાની લવ સ્ટોરી:દિલીપ કુમાર અને મધુબાલા એકબીજાના ગળા ડૂબ પ્રેમમાં હતા, આવી હતી તેમની અધૂરી પ્રેમ કહાની

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમાં જાહેરમાં બધાની સામે દિલીપ કુમારે કહ્યું હતું કે, હું મધુબાલાને પ્રેમ કરું છું અને આજીવન કરતો રહીશ.
  • જે સમયે મધુબાલાનું મૃત્યુ થયું તે સમયે દિલીપ કુમાર મદ્રાસમાં ફિલ્મ ગોપીનું શૂટિંગ કરી રહ્યા હતા

ફિલ્મમાં તો દિલીપ કુમારની સાથે ટ્રેજેડી થતી રહેતી હતી પરંતુ રિયલ લાઈફમાં ટ્રેજેડી ત્યારે થઈ જ્યારે તેઓ મધુબાલાના પ્રેમ પડ્યા. મુધબાલા અને દિલીપ કુમારની પ્રેમ કહાનીની શરૂઆત એક ગુલાબના ફુલથી થઈ હતી પરંતુ આ પ્રેમ કહાનીમાં અનેક કાંટા હતા. વર્ષ 1951માં દિલીપ કુમાર અને મધુબાલા ફિલ્મ તરાનામાં એક સાથે કામ કર્યું હતું.

તે સમયે દિલીપ કુમારને એ ખબર ન હતી કે, મધુબાલા મનોમન તેમને પ્રેમ કરે છે. ફિલ્મ તરાનાની શૂટિંગ મધુબાલાએ તેમના નજીકની મેકઅપ આર્ટિસ્ટની સાથે દિલીપ કુમારને લવ લેટર મોકલ્યો હતો. તેમાં એક લાલ ગુલાબ પણ હતું. ઉર્દૂમાં લખેલા આ પત્રમાં મધુબાલાએ લખ્યું હતું કે, જો તમે મને ચાહતા હો તો આ ગુલાબ કબૂલ કરો નહીં તો પાછું મોકલી દો.

મધુબાલાની કમાણીથી તેનું આખું ઘર ચાલતું હતું
મધુબાલાની મહોબ્બતની આ નિશાનીને દિલીપ કુમારે ખુશીથી સ્વીકારી લીધી અને ત્યારબાદ ફરી ફિલ્મ તરાનાના સેટ પર દિલીપ કુમાર અને મધુબાલાની અસલી લવ સ્ટોરી પણ આગળ વધવા લાગી. મધુબાલાની કમાણીથી તેનું ઘર ચાલતું હતું. તેના કારણે તેના પિતા ન હતા ઈચ્છતા કે મધુબાલા કોઈના પ્રેમમાં પડે. પરંતુ એકબીજાના પ્રેમમાં પાગલ મધુબાલા અને દિલીપ કુમાર એકબીજાને મળવા માટે કોઈને કોઈ રસ્તો શોધી લેતા હતા.

મુગલ-એ આઝમના શૂટિંગ દરમિયાન જ્યારે દિલીપ કુમાર શૂટિંગ ન હોય તો પણ તેઓ મધુબાલાને મળવા માટે સેટ પર આવતા હતા અને ચૂપચાપ ઊભા રહીને મધુબાલાનું શૂટિંગ જોતા હતા.

મુગલ-એ આઝમથી પરાકાષ્ટાએ પહોંચી હતી બંનેની લવ સ્ટોરી
મુગલ-એ-આઝમ. જે ફિલ્મ સિનેમાના ઇતિહાસમાં સર્વોચ્ચ ક્રમાંક પર છે. આ ફિલ્મ દિલીપ કુમાર અને મધુબાલાની અસલી લવ સ્ટોરી અને આ લવ સ્ટોરીમાં આવેલા તોફાનની સાક્ષી રહી છે. મુગલ-એ-આઝમને બનાવવામાં લગભગ 10 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો અને આ ફિલ્મ દરમિયાન દિલીપ કુમાર અને મધુબાલાની પ્રેમ કહાની શરૂ પણ થઈ, પરાકાષ્ટાએ પહોંચી અને શૂટિંગ પૂરું થતાં આ કહાનીનો પણ અંત આવી ગયો. જ્યારે મુગલ-એ- આઝમની શરૂઆત થઈ, ત્યારે અનારકલીના રોલ માટે ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓ સહિત નવા ચહેરાઓના સ્ક્રિન ટેસ્ટ થયા હતા, પરંતુ આખરે આ રોલ માટે મધુબાલાની પસંદગી કરવામાં આવી.

પ્રેમ પરવાન ચઢી રહ્યો હતો. દિલીપ કુમાર જલ્દીથી તેમની મોટી બહેન સકીનાને લગ્નનું માંગુ લઈને મધુબાલાના ઘરે મોકલી. તેમણે કહ્યું કે, જો મધુબાલાના પિતા તૈયાર હોય તો તેઓ સાત દિવસ બાદ મધુબાલાની સાથે લગ્ન કરવા માગે છે, પરંતુ અતાઉલ્લા ખાને આ સંબંધને ના પાડી દીધી. પિતા અને દિલીપ સાહેબ, આ બંને લોકોને મધુબાલા પોતાના જીવનમાં સૌથી વધારે પ્રેમ કરતી હતી. પરંતુ તે બંને વચ્ચે પસંદગી કરવાનું અશક્ય બની ગયું હતું. આ મૂંઝવણમાં દિવસો પસાર થતા રહ્યા અને તેમના સંબંધોની વચ્ચે તકરાર અને તણાવ વધતો ગયો અને 1956માં તે તોફાન આવ્યું જેનાથી તેમના આ સંબંધો ક્યારેય સુધર્યા નહીં.

... શું તું મારી સાથે લગ્ન કરવા નથી માગતી ?
ફિલ્મ '​ઢાકે કી મલમલ'ના શૂટિંગ દરમિયાન દિલીપ કુમારે અભિનેતા ઓમ પ્રકાશની સામે મધુબાલાને કહ્યું હતું તે તેને પોતાની સાથે લઇને આજે તેની સાથે લગ્ન કરવા માંગે છે. દિલીપ સાહેબે એમ પણ કહ્યું હતું કે, તેમના ઘરે એક કાઝી હાજર છે અને લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ છે અને તેઓ ઈચ્છતા હતા કે મધુબાલા તરત તેમની સાથે આવે, પરંતુ તેની સાથે દિલીપ સાહેબે પોતાની મહોબ્બત મધુબાલાની સામે એક શરત મૂકી. શરત એ હતી કે તેમની સાથે લગ્ન કર્યા બાદ મધુબાલાએ તેના પિતા સાથેના બધા સંબંધો તોડવા પડશે. આ શરત સાંભળીને મધુબાલા ચૂપ થઈ ગઈ. તેનું મૌન જોઇને દિલીપકુમારે કહ્યું, "શું આનો અર્થ એ છે કે તું મારી સાથે લગ્ન કરવા નથી માગતી? મધુબાલાની ચૂપ્પી તૂટી નહીં. મધુબાલાના મૌનથી દિલીપ કુમારનો ગુસ્સો વધી રહ્યો હતો.તેમણે ફરીથી કહ્યું, "આજે જો હું અહીંથી એકલા જઈશ તો હું ફરી ક્યારેય તારી પાસે પાછો નહીં આવું મધુબાલા ચુપ હતી અને તેમની આંખોની સામે દિલીપ કુમાર ઊભા થઈ ગયા અને ત્યાંથી જતાં રહ્યા. ન માત્ર તે રૂમમાંથી પરંતુ માધુબાલાના જીવનમાંથી પણ હંમેશાં હંમેશાં માટે જતા રહ્યા.

દિલીપ સાહેબ મધુબાલાના જીવનમાંથી તો જતા રહ્યા હતા, પરંતુ આ બંને અત્યારે પણ કેટલીક ફિલ્મોમાં સાથે કામ કરી રહ્યા હતા. મુગલ-એ-આઝમ હજી પૂરી નથી તી અને બી.આર ચોપરાની નયા દૌરનું આઉટડોર શૂટિંગનો સમય પણ આવી ગયો હતો. નયા દૌરની હીરોઈન મધુબાલા હતી. ફિલ્મનું ચાલીસ દિવસનું શૂટિંગ ભોપાલમાં થવાનું હતું, પરંતુ મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાને તેને ભોપાલ મોકલવાની ના પાડી દીધી. તેનું કારણ મધુબાલાનું ખરાબ સ્વાસ્થ અને દિલીપ કુમાર પણ હતા.

બી.આર ચોપરાએ ઘણું સમજાવ્યા પરંતુ અતાઉલ્લાહ ખાન ન માન્યા. ગુસ્સે થઈને બી.આર ચોપરાએ તરત મધુબાલાને ફિલ્મમાંથી કાઢી મૂકી અને વૈજયંતી માલાને ફિલ્મની હિરોઈન બનાવી દીધી. ત્યારબાદ અતાઉલ્લાહ ખાન બી.આર ચોપરાની સામે કેસ કર્યો, એવું કહેતા કે તેમને ખોટા કારણોથી મધુબાલાને ફિલ્મમાંથી કાઢી છે. જ્યારે ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં પણ કરી શકાતું હતું. જવાબમાં બી.આર ચોપરાએ પણ મધુબાલાને સાઈનિંગ અમાઉન્ટ પાછું માગતા અતાઉલ્લાહા ખાન પર એક ક્રિમિનલ કેસ કર્યો હતો. ટ્રાયલ દરમિયાન દિલીપ કુમાર અને મધુબાલાનો કોર્ટમાં સામ-સામે હતા. દિલીપ કુમારે સિદ્ધાંતોની આ લડાઇમાં બી.આર ચોપરાને ટેકો આપવાનો નિર્ણય લીધો અને મધુબાલા અને તેના પિતા સામે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા.

‘યોર ઓનર હું મધુબાલાને પ્રેમ કરું છું’
ટ્રાયલ દરમિયાન દિલીપ કુમાર અને મધુબાલાના સંબંધોનો ઉલ્લેખ થયો હતો. દિલીપ કુમારે કોર્ટમાં મધુબાલાની વિરુદ્ધ ખરી-ખોટી વાતો કહી. જ્યારે દિલીપ કુમાર તેના વિશે આ બધું કહી રહ્યા હતા ત્યારે મધુબાલાએ પોતાના વકીલ આર.ડી ચડ્ઢાને કહ્યું, મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ તે જ વ્યક્તિ છે જે મને ઘણો પ્રેમ કરતો હતો અને જેને હું દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરતી હતી. સુનાવણી દરમિયાન જુબાની આપતાં દિલીપ કુમારે કોર્ટમાં કહ્યું કે, યોર ઓનર હું આ મહિલાને પ્રેમ કરું છું અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કરતો રહીશ.

થપ્પડનો અવાજ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા
દિલીપ કુમાર અને મધુબાલાના સંબંધો તો તૂટી ગયા હતા, પરંતુ ફિલ્મ મુગલ-એ-આઝમનું શૂટિંગ હજી બાકી હતું અને આ ફિલ્મના એક સીનના શૂટિંગ દરમિયાન થપ્પડનો એવો અવાજ આવ્યો કે બધા સ્તબ્ધ થઈ ગયા. મુગલ-એ-આઝમનો એક ખાસ સીન શૂટ થવાનો હતો, જેમાં શહેજાદા સલીમ અનારકલીને લાફો મારે છે. આ દિવસોમાં દિલીપ સાહેબ અને મધુબાલાની વચ્ચે વાતચીત પણ નહોતી થતી. પરંતુ આ સીન દરમિયાન મોહબ્બત અને ગુસ્સો ઉભરી આવ્યો અને સીન દરમિયાન દિલીપ કુમારે મધુબાલાના ગાલ પર જોરથી લાફો મારી દીધો.

દિલીપ કુમારનું તે વચન, જે ક્યારેય પૂરુ થઈ શક્યું નહીં
1966માં મધુબાલા ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી. ત્યારે તેણે દિલીપકુમારને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ મુલાકાતનો ઉલ્લેખ કરતાં દિલીપ કુમાર કહે છે કે, તે મરવા નહોતી માગતી, મને ઘણું દુઃખ થયું, જ્યારે તેણે મને પૂછ્યું કે જો તે ઠીક થઈ જશે તો શું હું તેની સાથે ફરીથી ફિલ્મોમાં કામ કરીશ? મેં તેને કહ્યું, તું જલ્દી સાજી થઈ જઈશ. મેં તેને ખાતરી આપી અને વચન આપ્યું કે હા હું તારી સાથે ફિલ્મ કરીશ. પરંતુ આ વચન કયારેય પૂરુ થઈ શક્યું નહીં.

જે સમયે મધુબાલાનું મૃત્યુ થયું તે સમયે દિલીપ કુમાર મદ્રાસમાં ફિલ્મ ગોપીનું શૂટિંગ કરી રહ્યા હતા. સાંજે જ્યારે તેઓ મુંબઈ પાછા આવ્યા ત્યાં સુધી મધુબાલાને સુપર્દ-એ-ખાક કરી દેવામાં આવી હતી. તેઓ તેની તેની છેલ્લી ઝલક જોઈ શક્યા નહીં. તેઓ સીધા કબ્રસ્તાન ગયા અને લાંબા સમય સુધી મધુબાલાની ક્રબની પાસે ઊભા રહ્યા.

અન્ય સમાચારો પણ છે...