બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાની ભત્રીજી તાન્યા કાકડેનું રોડ અકસ્માતમાં અવસાન થયું છે. દિયા પોતાની ભત્રીજીની ઘણી જ નિકટ હતી. એક્ટ્રેસ સો.મીડિયામાં તાન્યાનો ફોટો શૅર કરીને ભાવુક નોટ લખી હતી. તાન્યા એક્ટ્રેસ દિયાને પોતાની પ્રેરણા માનતી હતી.
શું કહ્યું દિયાએ?
દિયાએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'મારી ભત્રીજી, મારી બાળકી, મારો જીવ... હવે તું આ દુનિયામાં નથી. તું જ્યાં પણ હોય, તને શાંતિ ને પ્રેમ મળે. તું હંમેશાં અમારા બધાના હૃદયમાં રહીશ. ઓમ શાંતિ...'
સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી
દિયાની પોસ્ટ પર ચાહકો તથા સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બમન ઈરાનીએ કહ્યું હતું કે આ ઘણાં જ દુઃખદ સમાચાર છે. રિદ્ધિમા કપૂર, સુનીલ શેટ્ટી, ગૌહરન ખાન સહિતના સેલેબ્સે હાથ જોડતી ઇમોજી કમેન્ટ બોક્સમાં શૅર કરી હતી. સુઝાનની બહેન ફરાહે કહ્યું હું, 'આ દુઃખદ સમાચાર છે. તે જ્યાં પણ હોય ચમકતી રહે.'
અકસ્માતમાં મોત થયું
કોંગ્રેસ નેતા ફિરોઝ ખાનની સાવકી દીકરી તાન્યાની ઉંમર 21 વર્ષની હતી. તે મેકઅપ આર્ટિસ્ટ છે. તે મિત્રો સાથે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી હૈદરાબાદ જતી હતી. આ સમયે રસ્તામાં કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને તમામને ઈજા પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે તાન્યાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેના પાર્થિવ દેહને ઉસ્માનિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાકીના મિત્રોને એરપોર્ટ નજીકની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.