ધોનીનું બોલિવૂડ કનેક્શન:દીપિકાથી અસિન સહિત ઘણી એક્ટ્રેસિસ સાથે કેપ્ટન કૂલના અફેરની ચર્ચા રહી હતી, સૌથી ખાસ મિત્રોમાંથી એક જ્હોન અબ્રાહમ

મુંબઈએક વર્ષ પહેલા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન તથા કેપ્ટન કૂલના નામથી લોકપ્રિય મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટના રોજ સાંજે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો હતો. ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કરીને આ અંગેની માહિતી હતી. આ વીડિયોમાં તેણે ‘મૈં પલ દો પલ કા શાયર હૂં’ ગીતની સાથે પોતાના ક્રિકેટિંગની શાનદાર મોમેન્ટ્સ બતાવી હતી. ધોનીનો બોલિવૂડ સાથે પણ ગાઢ સંબંધ રહ્યો છે. સાક્ષી સાથે લગ્ન કર્યા તે પહેલા ધોનીનું નામ ઘણી એક્ટ્રેસિસ સાથે જોડાઈ ચૂક્યું હતું. જ્હોન અબ્રાહમ આજે પણ ધોનીના સૌથી સારા મિત્રોમાંથી એક છે.

ધોનીનું નામ વર્ષ 2007થી 2008 દરમિયાન એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે જોડાયું હતું. તે સમયે માહી ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ મોટો સ્ટાર બની ગયો હતો. દીપિકા બોલિવૂડની નવી સેન્સેશન હતી. શરૂઆતની મુલાકાત બાદ બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા. ધોનીએ એક મેચમાં દીપિકાને આમંત્રણ આપીને બોલાવી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં ધોનીએ દીપિકાને પોતાનો ક્રશ કહ્યો હતો. બંને એકવાર સાથે રેમ્પ વૉકમાં પણ જોવા મળ્યા હતા. જોકે, થોડાં સમય બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

રાયલક્ષ્મી સાથે પણ નામ જોડાયું હતું
ત્યારબાદ 2009માં ધોનીનું નામ સાઉથ એક્ટ્રેસ રાયલક્ષ્મી સાથે જોડાયું હતું. એક્ટ્રેસ આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો પરંતુ આ સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. ધોનીએ આ અંગે ક્યારેય કોઈ વાત કરી નહોતી.

અસિન સાથે પણ નામ જોડાયું હતું
ધોનીનું નામ ‘ગજની’ ફૅમ અસિન સાથે પણ જોડાયું હતું. બંને ક્લોથિંગ બ્રાન્ડ માટે સાથે મોડલિંગ કરતા હતા. વર્ષ 2010માં IPLની સેમીફાઈનલ પહેલા ધોની એક્ટ્રેસના મુંબઈ સ્થિત લોખંડવાલા ફ્લેટમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ ધોનીને જોવા માટે ભીડ ભેગી થઈ ગઈ હતી.

જ્હોન અબ્રાહમ સાથે પાક્કી મિત્રતા
બોલિવૂડમાં જ્હોન અબ્રાહમ, માહીનો સૌથી સારો મિત્ર છે. ધોનીએ એકવાર કહ્યું હતું કે તેણે જ્હોનને જોઈને પોતાના વાળ લાંબા રાખ્યા હતા. બંનેને બાઈક પ્રત્યે ગજબનો ક્રેઝ છે. આ ઉપરાંત જ્હોન પણ ધોનીની જેમ ફૂટબોલ-પ્રેમી છે. ધોનીએ બોલિવૂડમાંથી એક માત્ર જ્હોનને પોતાના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. બંને અનેકવાર સાથે બાઈક રાઈડિંગ કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...