હવે 'ડાર્લિંગ્સ' પર આક્રોશ:ફિલ્મને બોયકૉટ કરવાની માગણી, સો.મીડિયા યુઝર્સ આમિર ખાન, અક્ષય કુમાર બાદ હવે આલિયા ભટ્ટ પર ગુસ્સે થયા

મુંબઈ6 દિવસ પહેલા

આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ 'ડાર્લિંગ' પાંચ ઓગસ્ટે ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. રિલીઝના એક દિવસ પહેલાં સો.મીડિયામાં #BoycottAliaBhatt ટ્રેન્ડ થયું છે. સો.મીડિયા યુઝર્સનું કહેવું છે કે આલિયાની ફિલ્મમાં પુરુષો પ્રત્યે ડોમેસ્ટિક વાયોલન્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 11 ઓગસ્ટે રિલીઝ થનારી અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન' તથા આમિરની 'લાલ સિંહ ચઢ્ઢા'ને બોયકૉટ કરવાની માગણી થઈ હતી.

આલિયા ડોમેસ્ટિક વાયોલન્સને સપોર્ટ કરે છે
ફિલ્મ 'ડાર્લિંગ્સ'નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. ફિલ્મની શરૂઆતમાં આલિયાનો પતિ હમઝા અલી એમ કહે છે કે તે પત્નીને ઘણો જ પ્રેમ કરે છે, પરંતુ તેને છોડીને જાય છે. હમઝાનો રોલ વિજય વર્માએ પ્લે કર્યો છે. ત્યારબાદ આલિયા પતિની રાહ જુએ છે. પતિ ના આવતા તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે. જોકે, પછી એવું બતાવવામાં આવે છે કે આલિયા પતિને બંધક બનાવીને માર મારે છે. આલિયા પોતે પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બની હોય છે. આ જ કારણે સો.મીડિયા યુઝર્સે એમ કહી રહ્યા છે કે આલિયાએ પુરુષો સાથેની હિંસાને પ્રોત્સાહન આપ્યું છે. ફિલ્મને બોયકૉટ કરવાની માગણી પણ આ જ કારણથી કરવામાં આવી છે.

યુઝર્સે કહ્યું, હિંસાનું કોઈ જેન્ડર હોય નહીં
સો.મીડિયા યુઝર્સને એ વાતનો વાંધો છે કે ફિલ્મમાં અત્યાચારને સેલિબ્રેટ કરવામાં આવે છે અને તેના પર કોમેડી કરવામાં આવી છે. તેને ફની રીતે બતાવવામાં આવે છે. યુઝર્સે એમ પણ કહ્યું હતું કે આરોપી, આરોપી હોય છે, તેનું કોઈ જેન્ડર હોતું નથી. જો આ જ પ્રકારના અત્યાચાર મહિલા પર બતાવવામાં આવ્યા હોત તો હોબાળો મચી ગયો હોત. પુરુષો સાથે આવો ભેદભાવ કેમ? દર વખતે પુરુષો જ ખોટાં હોય તે જરૂરી નથી. રિયલ લાઇફમાં ઘણી મહિલાઓએ મારપીટનો ખોટો આરોપ મૂકીને વિક્ટિમ કાર્ડ પ્લે કરીને પુરુષોનું જીવન બરબાદ કર્યું છે.

આમિર-અક્ષય પણ નિશાના પર
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની 'રક્ષાબંધન' તથા આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા'ને પણ બૅન કરવાની માગણી કરવામાં આવી છે. આમિરે ભૂતકાળમાં દેશ વિરોધી નિવેદન આપ્યું હતું અને તે જ કારણે સો.મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. અક્ષય કુમારે ભૂતકાળમાં હિંદુત્વ પર આકરી ટિપ્પણી કરી હતી અને તેને કારણે તેની ફિલ્મને બૅન કરવાની માગણી કરવામાં આવી છે.