હવે 'રક્ષાબંધન' સામે આક્રોશ:અક્ષય કુમારની ફિલ્મને બોયકૉટ કરવાની માગણી, ભૂતકાળમાં હિંદુત્વ અંગે ટિપ્પણી કરીને ફસાયો ખિલાડી કુમાર

મુંબઈ8 દિવસ પહેલા

આમિર ખાન તથા કરીના કપૂરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' અંગે સો.મીડિયામાં નેગેટિવ માહોલ છે. સો.મીડિયામાં 'બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા' ટ્રેન્ડ કરી રહ્યું છે. હવે અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન'ને બોયકૉટ કરવાની માગણી સો.મીડિયા યુઝર્સે કરી હતી. અક્ષયની ફિલ્મ પણ 11 ઓગસ્ટે જ રિલીઝ થઈ રહી છે. નોંધનીય છે કે આમિરની ફિલ્મ પણ 11 ઓગસ્ટે જ આવે છે. સો.મીડિયા યુઝર્સ અક્ષય કુમારના જૂના જૂના વીડિયો શોધીને શૅર કરે છે અને તેની પર હિંદુ સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે.

કેમ ફિલ્મને બોયકૉટ કરવાની માગ થઈ?
અક્ષય કુમાર છેલ્લાં કેટલાંક સમયથી ટ્રોલર્સના નિશાને આવ્યો છે. ફિલ્મ રિલીઝ પહેલાં સો.મીડિયા યુઝર્સે અક્ષયના જૂના વીડિયો અંગે વાત કરી હતી. આ વીડિયોમાં અક્ષયે મંદિરનો અર્થ સમજાવ્યો હતો. તેણે કહ્યું હતું, 'કોઈએ મને મંદિરનો અર્થ સમજાવ્યો હતો. 'મન અંદર' એટલે કે મનની અંદર. ભગવાન આપણી અંદર છે. આપણે ક્યાંય જવાની જરૂર નથી. એ પૂછવાની પણ જરૂર નથી કે તે ક્યાં છે.' અન્ય એક ક્લિપમાં અક્ષય કુમારે શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરાનો વિરોધ કર્યો હતો. તેણે કહ્યું હતું, 'શિવલિંગ પર દૂધ ચઢાવીને કેમ ખોટો બગાડ કરવો? તે દૂધ વહી જાય છે અને બગાડ થાય છે. જો આ જ દૂધ કોઈ ગરીબને આપવામાં આવે તો તેનો સારો ઉપયોગ થશે.'

યુઝર્સે અક્ષયને દંભી કહ્યો
અન્ય એક ક્લિપમાં અક્ષય કુમાર અયોધ્યામાં બનતા રામ મંદિર અંગે વાત કરે છે. તેણે કહ્યું હતું, 'આજે આપણો વારો છે. અયોધ્યામાં શ્રીરામના ભવ્ય મંદિરનું બાંધકામ શરૂ થઈ ગયું છે. આપણામાંથી કોઈ વાનર બન્યું, કોઈક ખિસકોલી અને તમામ પોત-પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપીને ઐતિહાસિક રામ મંદિર બનાવવામાં ભાગીદારી આપે. હું પણ કરું છું.' અક્ષય કુમારના આ પ્રકારના વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે એક્ટરને બોલિવૂડનો સૌથી ચાલાક ને દંભી એક્ટર કહ્યો છે.

ઘણાં યુઝર્સે કહ્યું હતું, 'જ્યારે 'ઓહ માય ગોડ' રિલીઝ થવાની હતી ત્યારે અક્ષયે કંઈક અલગ વાતી કહી અને જ્યારે 'પૃથ્વીરાજ' રિલીઝ થઈ ત્યારે તેના સૂર અલગ હતા.'

રાઇટર કનિકા ધિલ્લોન પણ નિશાના પર
અક્ષય કુમારની સાથે 'રક્ષાબંધન'ની રાઇટર કનિકા ધિલ્લોનને પણ યુઝર્સે આડેહાથ લીધી છે. કનિકાની જૂની પોસ્ટ વાઇરલ થઈ છે, જેમાં કનિકાએ હિંદુત્વની આકરી ટીકા કરી હતી.

'રક્ષાબંધન'માં કોણ છે?
આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર, અક્ષય કુમાર, દીપિકા ખન્ના, સ્મૃતિ શ્રીકાંત, સાદિયા ખતીબ, સહેઝમીન કૌર તથા સીમા પાહવા છે. આ ફિલ્મમાં ચાર બહેનો ને ભાઈના પવિત્ર પ્રેમની વાત કરવામાં આવી છે. ફિલ્મને આનંદ એલ રાયે ડિરેક્ટ કરી છે.