તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5G ટેકનોલોજી કેસ:દિલ્હી હાઈકોર્ટે જૂહી ચાવલાને 20 લાખ રૂપિયાનો દંડ ફટકારીને કહ્યું, મીડિયા પબ્લિસિટી માટે કોર્ટનો સમય બરબાદ કર્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • જસ્ટિસ જે આર મિધાએ શુક્રવાર, 4 મેના રોજ ચુકાદો આપ્યો
  • કોર્ટે કહ્યું, અરજીમાં માત્ર સલાહ આપવામાં આવી હતી, કોઈ તથ્ય મૂકવામાં આવ્યા નહોતા

જૂહી ચાવલાએ દિલ્હી હાઈકોર્ટમાં મોબાઈલ ફોનની 5G ટેક્નિક અંગે અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે આ અરજી નકારી કાઢી છે. આ સાથે કોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જસ્ટિસ જે આર મિધાએ આ કેસમાં શુક્રવાર, 4 જૂનના રોજ ચુકાદો આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે અરજીકર્તા કોર્ટમાં આવતા પહેલાં સરકારને પણ આ અંગે કહી શકે તેમ હતાં.

અરજીકર્તાએ કોર્ટ ફી પણ જમા કરી નથી
કોર્ટે કહ્યું હતું કે અરજીકર્તાએ પૂરી કોર્ટ ફી પણ જમા કરાવી નથી. આ ફી દોઢ લાખથી વધુ છે. આ રકમ અઠવાડિયાની અંદર ભરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે પૂરી અરજી લીગલ સલાહ પર આધારિત હતી, જેમાં કોઈ તથ્ય મૂકવામાં આવ્યા નહોતા. અરજીકર્તાએ પબ્લિસિટી માટે કોર્ટનો કિંમતી સમય બરબાદ કર્યો છે. આ એ વાતથી સ્પષ્ટ થાય છે કે તેમણે કોર્ટની કાર્યવાહીની વીડિયો લિંક ચાહકો સાથે શૅર કરી હતી.

કોર્ટની કાર્યવાહીનો દુરુપયોગ માટે જૂહી ચાવલા પર દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું હતું કે અરજીકર્તાને પોતાને જાણ નથી કે તથ્યોને આધારે અરજી કરવામાં આવી છે. આ પૂરી રીતે કાયદાકીય સલાહ પર આધારિત હતી, જે માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી હતી.

કોર્ટે શું કહ્યું હતું?
આ પહેલાં કોર્ટે કહ્યું હતું, 'અમને નવાઈ લાગે છે. આવી અરજી આજ પહેલાં ક્યારેય જોઈ નથી, જેમાં કોઈ વ્યક્તિ કોઈ પણ માહિતી વગર કોર્ટમાં આવે છે અને કહે છે કે તપાસ કરો. જો અરજીકર્તાને આ વિષય અંગે કોઈ માહિતી નથી તો શું આ કેસમાં સુનાવણીની પરવાનગી આપી શકાય? અમે કઈ વાતની પરવાનગી આપીએ. ભૂલોથી ભરેલી અરજીને મંજૂરી આપી દઈએ. એવું લાગે છે કે આ અરજી પૂરી રીતે મીડિયા પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી. આ શૉકિંગ છે.'

જૂહી ચાવલાએ શું કહ્યું હતું?
જૂહી ચાવલાએ કહ્યું, 'આપણને એડવાન્સ ટેક્નોલોજીથી કોઈ વાંધો નથી. સારી ટેક્નોલોજીથી આપણે લેટેસ્ટ પ્રોડક્ટનો ઉપયોગ કરીને એન્જોય કરીએ છીએ. વાયરલેસના ફિલ્ડમાં પણ એવું જ છે. અમે પોતાના પર રિસર્ચ કર્યું, RF રેડિયેશન, વાયરલેસ ગેજેટ અને નેટવર્ક સેલ ટાવરની અસર જાણી ત્યારે અમને ચિંતા થઈ. કારણ કે આ રેડિયેશન લોકો માટે ખૂબ નુકસાનકારક છે અને તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.'

જૂહી ચાવલાના સ્પોક્સ પર્સને શેર કરેલા સ્ટેટમેન્ટ પ્રમાણે, આ સબ્જેક્ટ પર કોર્ટનું ધ્યાન દોરવા માટે કેસ ફાઈલ કર્યો છે. કોર્ટ અમને જણાવે કે 5G ટેક્નોલોજી માણસ, પ્રાણીઓ, પક્ષીઓ અને બાકીની સજીવ સૃષ્ટિ માટે કેટલી સુરક્ષિત છે? આની પર રિસર્ચ કરાવો અને અમને કહો કે ભારતમાં આ 5G ટેક્નોલોજી સુરક્ષિત છે કે નહીં? નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમારો નિર્ણય જણાવો.

રેડિયેશનના નુકસાન વિશે એક્ટ્રેસ લોકોનું ધ્યાન દોરતી રહે છે
જૂહી ચાવલા ઘણીવાર મોબાઈલ ટાવરમાંથી નીકળતા હાનિકારક રેડિયેશનનો વિરોધ કરીને લોકોને જાગ્રત કરતી રહે છે. વર્ષ 2008માં તેણે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લેટર લખીને મોબાઈલ ટાવર અને વાઈ-ફાઈ હોટસ્પોટમાંથી નીકળતા રેડિયેશનથી માનવજાતિ, પશુ-પક્ષીઓ અને વૃક્ષોને થતાં નુકસાન પ્રત્યે ચેતવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે જૂહીએ એક હાલમાં જ એક વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'કેટલાંક લોકો કહે છે કે તમે અત્યારે આ અંગે વાત કરો છો, તો હું તેમને કહેવા માગીશ કે હું આજે જ આ મુદ્દે વાત નથી કરતી, પરંતુ છેલ્લાં 10 વર્ષથી સેલફોન ટાવર, રેડિએશન અંગે વાત કરી રહી છું. આ અંગે જેટલી માહિતી હોય તેટલી શૅર કરવી જોઈએ. આપણાં ફોન મેજિકથી ચાલતા નથી, પરંતુ રેડિયો વેવથી ચાલે છે અને આ વેવ દિવસેને દિવસે વધતી જઈ રહી છે.