સ્વર્ગીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કરવા તથા તેમાંથી પૈસા કમાવવાને લઈને દીપિકા પાદુકોણે બોલિવૂડ ફોટોગ્રાફરની ઝાટકણી કાઢી નાખી હતી. દીપિકાએ કહ્યું હતું કે સુશાંતના પરિવારની લેખિત સંમતિ વગર તેનો એક પણ વીડિયો શૅર કરવાનો તથા તેને મોનેટાઈઝ કરવાનો અધિકાર કોઈને નથી.
શું છે મામલો?
બોલિવૂડના ફોટોગ્રાફરે સોશિયલ મીડિયા પોસ્ટમાં સુશાંતનો એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં સુશાંતનો પાર્થિવ દેહ સ્મશાન લઈ જવામાં આવ્યો હતો. આ કેપ્શનમાં ફોટોગ્રાફરે કહ્યું હતું, ‘પ્લીઝ ધ્યાન આપો. મારી તસવીરો તથા વીડિયો મારી લેખિત મંજૂરી વગર કોઈ પણ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શકાશે નહીં.’
દીપિકાએ આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું, ‘સાચું છે પરંતુ શું તમારા માટે એ ઠીક છે કે તમે વીડિયો બનાવો છે અને તેને માત્ર તમે પોસ્ટ જ નથી કરતાં પરંતુ શક્ય છે ત્યાં સુધી મોનેટાઈઝ પણ કરો છો. તે પણ તેના પરિવારની લેખિત સંમતિ વગર.’ દીપિકાના ચાહકોએ એક્ટ્રેસની આ વાતનું સમર્થન કર્યું હતું. એક ચાહકે કહ્યું હતું, ‘એકદમ સાચું કહ્યું.’ અન્ય એકે કમેન્ટ કરી હતી કે ‘તમારી સાથે સહમત છું.’
દીપિકાની કમેન્ટ બાદ અન્ય ફોટોગ્રાફરે આક્રોશ વ્યક્ત કર્યો
દીપિકાને લઈ ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ટ્વિટર પર એક પછી એક ટ્વીટ કરીને વિરોધ પ્રગટ કર્યો હતો. વિરલે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘હું હંમેશાં ટીકા તથા નેગેટિવિટી માટે તૈયાર રહું છું. આ બાબતો મને મદદરૂપ થાય છે. હું એકલો સોશિયલ મીડિયા સંભાળું છું અને તેમાં બહુ જ ભૂલો કરું છું પરંતુ મારા ફોલોઅર્સ મારી ભૂલ સુધારે છે અને હા મારી પોસ્ટ હંમેશાં વિચિત્ર હોય છે અને તે ધ્યાન ખેંચે તેવી હોય છે. જોકે, હું તેવો નથી.’
‘અનેક ટીવી ચેનલ તથા મીડિયા હાઉસ અંતિમ સંસ્કારનું લાઈવ કવરેજ કરે છે અને તેઓ ક્યારેય કોઈ ગાઈડલાઈનનું પાલન કરતાં નથી પરંતુ અંતે તો ફોટોગ્રાફર્સની જ ટીકા કરવામાં આવે છે. ’
‘ઈન્સ્ટાગ્રામ મોનેટાઈઝ થઈ શકતું નથી પરંતુ એક અંતિમ સંસ્કારના વીડિયોને કારણે મોનેટાઈઝ થઈ જાય? તમને લાગે છે કે મેં બાસુ ચેટર્જીની અંતિમ યાત્રા પૈસા કમાવવા માટે કવર કરી હતી?’
‘પાર્ટી હોય તો તમને સામેથી ફોન કરીને બોલાવામાં આવે છે અને દારૂ પણ આપવામાં આવે છે પરંતુ તે જ વ્યક્તિ મરી જાય ત્યારે? આ ઈન્ડસ્ટ્રી કેવી છે? મેં અનેક અંતિમ સંસ્કાર કવર કર્યાં છે અને હંમેશાં અંતિમ સંસ્કારમાં રઝા મુરાદ તથા અશોક પંડિત હાજરી આપતા હોય છે.’
દીપિકા મેન્ટલ હેલ્થને લઈ સજાગ કર્યાં
14 જૂનના રોજ મુંબઈમાં સુશાંત સિંહે પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. તે ડિપ્રેશનમાં હતો. દીપિકા પાદુકોણે આને લઈને સીધી રીતે તો કંઈ જ નથી લખ્યું પરંતુ ત્યારબાદ તેણે માનસિક સ્ટ્રેસ પર વાત કરી હતી.
દીપિકાએ એક પોસ્ટમાં કહ્યું હતું, ‘માનસિક તણાવમાંથી પસાર થઈ ગયેલી વ્યક્તિ તરીકે હું તમારી મદદ માટે આગળ આવીશ અને સમસ્યાને શૅર કરવા પર ભાર મૂકી રહી છું. વાત કરો, કમ્યુનિકેટ કરો, એક્સપ્રેસ કરો અને મદદ માગો. યાદ રાખો કે તમે એકલા નથી. આપણે બધા સાથે છીએ અને સૌથી જરૂરી વાત કે આશા અમર છે..’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.