પોપ સ્ટાર જેલની અંદર:દીપિકા પાદુકોણના કો-સ્ટાર ક્રિસ વૂ પર 24થી વધુ યુવતીઓએ રેપનો આરોપ મૂક્યો, ધરપકડ કરવામાં આવી

બેઇજિંગ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 વર્ષીય પીડિતાએ કહ્યું, કામ આપવાની લાલચ આપીને રેપ કરવામાં આવ્યો.
  • અન્ય એક પીડિતાએ કહ્યું, દારૂ પીવડાવીને ક્રિસે રેપ કર્યો હતો.

ચાઇનીઝ-કેનેડિયન પોપ સ્ટાર ક્રિસ વૂ પર 24થી વધુ મહિલાઓએ રેપનો આરોપ લગાવ્યો છે. વૂની ધરપકડ કરવામાં આવી છે. ચીનના કાયદા પ્રમાણે, ક્રિસને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. ક્રિસ વૂએ હોલિવૂડ ફિલ્મ 'XXX રિટર્ન ઓફ ઝેન્ડર કેજ'માં દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું હતું. ક્રિસની વિરુદ્ધ ઓનલાઇન ફરિયાદો થઈ હતી અને તેના આધારે પોલીસે પગલાં લીધા છે. વૂ વિરુદ્ધ 24થી વધુ યુવતીઓએ ઓનલાઇન પ્લેટફોર્મ પર રેપનો આરોપ મૂક્યો છે. હાલમાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

યુવતી પર દારૂના નશામાં રેપ ગુજાર્યો
ક્રિસ વૂ 30 વર્ષનો છે. ચીનના કાયદા એક્સપર્ટના મતે, જો ક્રિસ વૂ પરના આરોપો સાબિત થાય છે તો તેને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. વૂ વિરુદ્ધ રેપનો પહેલો આરોપ જુલાઈ મહિનામાં મૂકવામાં આવ્યો હતો. એક 18 વર્ષીય ચીની યુવતીએ ઓનલાઇન પોસ્ટમાં કહ્યું હતું કે ક્રિસે દારૂના નશામાં તેની પર રેપ કર્યો હતો. ખાસ વાત એ છે કે જો ક્રિસ દોષિત જાહેર થશે તો તેણે ચીનમાં 10 વર્ષની સજા પૂરી કરવી પડશે. ત્યારબાદ તેને કેનેડા જવાની પરમિશન મળશે.

તે સમયે પીડિતા 17 વર્ષની હતી
ચીનની રાજધાની બેઇંજિગના ચાઓયાંગ જિલ્લામાં શનિવાર, 31 જુલાઈની મોડી રાત્રે પોલીસે નિવેદન જાહેર કરીને કહ્યું હતું, 'ક્રિસ વૂ પર યુવતીઓને ફસાવીને તેમની સાથે સેક્સ કરવાનો આરોપ છે. તેની વિરુદ્ધ ઓનલાઇન આરોપો મૂકવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે.' ગયા મહિને 18 વર્ષીય ચીની વિદ્યાર્થિનીએ વૂ પર આરોપ લગાવ્યો હતો કે સિંગરે તેને અને અન્ય ઘણી યુવતીઓને સેક્સ કરવા માટે ફસાવી હતી. પીડિત યુવતીએ કહ્યું હતું કે તે સમયે તેની ઉંમર 17 વર્ષની હતી. ક્રિસે તેને દારૂ પીવડાવીને ફિઝિકલ રિલેશન બાંધવાની લાલચ આપી હતી.

પાર્ટીમાં જબરજસ્તી દારૂ પીવડાવ્યો, સવારે હોશ આવ્યો ત્યારે..
ગયા મહિને ઓનલાઇન પોસ્ટમાં તથા પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે ક્રિસ વૂની ટીમે મ્યૂઝિક વીડિયોમાં કાસ્ટિંગ માટે તેને ઘરે બોલાવી હતી. ત્યારે વૂના ઘરમાં પાર્ટી થતી હતી. પીડિતાના મતે, ત્યાં તેને જબરજસ્તી દારૂ પીવડાવવામાં આવ્યો હતો. તે હોશ ગુમાવી બેઠી હતી અને જ્યારે બીજા દિવસે સવારે જાગી તો તે ક્રિસ વૂની સાથે બેડ પર હતી.

24 યુવતીઓએ આરોપ મૂક્યા છે
આ યુવતીએ એમ પણ કહ્યું હતું કે સાત અન્ય યુવતીઓએ તેને કહ્યું હતું કે ક્રિસ વૂએ તેમની સાથે પણ આ જ રીતે રેપ કર્યો હતો. વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે ક્રિસ વૂએ તેને નોકરી આપવાની લાલચ આપીને રેપ કર્યો હતો. ક્રિસ વૂ પર જેટલી યુવતીઓએ રેપનો આરોપ લગાવ્યો, તેમાંથી ઘણી યુવતીઓ સગીર છે. અત્યાર સુધી 24 યુવતીઓએ ક્રિસ વૂ પર રેપ જેવો ગંભીર આરોપ લગાવ્યો છે. જોકે, ક્રિસે આ તમામ આરોપોનું ખંડન કર્યું છે.

ફોરેન નેશનાલિટી પણ ફાયદો નહીં કરાવી શકે
કમ્યુનિસ્ટ પાર્ટીએ કહ્યું હતું કે વિદેશી રાષ્ટ્રીયતા કોઈને પણ બચાવી શકશે નહીં, ભલે તે ગમે તેટલો લોકપ્રિય હોય, પરંતુ જે કાયદો તોડે છે, કાયદો તેને સજા અચૂક આપે છે. ચાઇનીઝ મીડિયા પણ માની રહ્યું છે કે વૂનું સેલિબ્રિટી સ્ટેટ્સ તથા વિદેશી નાગરિકત્વ પણ તેને આ કેસમાં બચાવી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે વૂની રેપના આરોપમાં ધરપકડ થયા પછી પોર્શે સહિત 12થી વધુ લોકપ્રિય બ્રાન્ડ્સે પોપ સ્ટાર સાથેનો છેડો ફાડી નાખ્યો છે.

પોપ સ્ટાર તરીકે લોકપ્રિય
1990માં ચીનમાં જન્મેલો ક્રિસ વૂ જ્યારે 18 વર્ષનો હતો ત્યારે તેણે વાનકુંવરમાં SM એન્ટરટેઇનમેન્ટના કેનેડિયન ગ્લોબલ ઓડિશનમાં ભાગ લીધો હતો. તે ઓડિશનમાં સિલેક્ટ થયો હતો અને કંપનીમાં ટ્રેઇની તરીકે જોડાયો હતો. 2012માં સાઉથ કોરિયન-ચાઇનીઝ બોય ગ્રુપ EXO બેન્ડમાં જોડાયો હતો અને 2014 સુધી રહ્યો હતો. આ બેન્ડમાંથી અલગ થયા બાદ ક્રિસે સોલો મ્યૂઝિક આલ્બમ બહાર પાડ્યાં હતાં. 2017માં તેણે હોલિવૂડ એક્શન ફિલ્મ 'XXX રિટર્ન ઓફ ઝેન્ડર કેજ'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું.