જે વિલન સાથે લગ્ન કર્યા તે જ રિયલમાં ખલનાયક નીકળ્યો:અમીરબાઈએ ડિવોર્સ માટે પતિને કાર આપી, પતિએ એ જ કારમાં અપહરણ કર્યું ને રૂમમાં બંધ કરી ઢોરમાર માર્યો

એક મહિનો પહેલાલેખક: નિતિન ઉપાધ્યાય
  • કૉપી લિંક

મહાત્મા ગાંધીનું ફેવરિટ ગુજરાતી ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહિયે..' કન્નડ ગાયિકા અમીરબાઈ કર્ણાટકીએ ગાયું હતું. મહાત્મા ગાંધીજીને અમીરબાઈનું આ ભજન ઘણું જ ગમતું હતું. અમીરબાઈ કન્નડ, હિંદી તથા મરાઠી ગીતો ગાતાં હતાં અને એક્ટ્રેસ પણ હતાં.

આજે આખા દેશના સિનેમાની એક્ટ્રેસ પોતાના નામ પર ગર્વ કરી શકે છે તે માત્ર ને માત્ર અમીરબાઈ અને તેમના સાથીઓને કારણે. જે સમયે યુવતીઓ સિનેમામાં કામ કરી શકતી નહોતી ત્યારે અમીરબાઈએ સિનેમામાં સન્માન મેળવવા માટે રીતસરની જંગ લડી હતી.

અમીરબાઈ કર્ણાટકના બીજાપુરમાં જન્મ્યાં હતાં. જન્મતારીખનો કોઈ રેકોર્ડ નથી, પરંતુ 1912માં જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. આ જ વર્ષે ભારતીય ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' પણ બની હતી. માતા-પિતા અમીનાબાઇ અને હુસૈન સા'બ બંને થિયેટર ને સંગીત સાથે જોડાયેલાં હતાં. આથી જ અમીરબાઈ ને ચાર બહેનોને સંગીત વારસામાં મળ્યું હતું.

1931માં અમીરબાઈ બીજાપુરથી મુંબઈ આવ્યાં. અહીંયાં ટોચના એક્ટ્રેસ ને ગાયિકા બન્યાં. તેમને ભારતની પહેલી સિગિંગ સ્ટાર પણ કહેવામાં આવે છે. ગ્રામોફોન કંપની તેમને 1935ના સમયમાં એક ગીતના રેકોર્ડિંગ માટે હજાર રૂપિયા આપતી હતી. તેમને સોંગ ઓફ લવ પણ કહેવામાં આવે છે. તેમણે તે સમયે ટોચના વિલન અફઝલ કુરૈશી સાથે લગ્ન કર્યાં, પરંતુ તે તેમને માર મારતો. પૈસા પણ આપતો નહીં.

આજે અમીરબાઈની 58મી ડેથ એનિવર્સરી છે. તેમના જીવનની અજાણી વાતો જાણીએ....

બીજાપુરમાં સંગીત શીખ્યા, મુંબઈથી ગુજરાત સુધી નામના થઈ અમીરબાઈએ નાની ઉંમરમાં સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તે સમયે કર્ણાટકનું બીજાપુર થિયેટર આર્ટિસ્ટ માટે ગઢ સમાન હતું. લોકપ્રિય મરાઠી થિયેટર આર્ટિસ્ટ બાલ ગંધર્વ પણ નાટક મંડળી સાથે બીજાપુર આવતા. બાળ ગંધર્વની નજર અમીરબાઈ અને તેમની મોટી બહેન ગૌહરબાઈ પર પડી. બાલ ગાંધર્વના થિયેટર ઉપરાંત અમીરબાઈ અન્ય જગ્યાએ પણ સ્ટેજ પર ગાતા. સૂર ધીમે ધીમે સારા થતાં તેમની લોકપ્રિયતા વધી.

1945માં આવેલી ફિલ્મ 'કિસ્મત'માં 8 ગીત હતાં, છ ગીત તો અમીરબાઈએ ગાયાં હતાં.
1945માં આવેલી ફિલ્મ 'કિસ્મત'માં 8 ગીત હતાં, છ ગીત તો અમીરબાઈએ ગાયાં હતાં.

પહેલી બોલતી ફિલ્મ 'આલામઆરા' આવી ને અમીરબાઈ મુંબઈ આવ્યાં
1931માં પહેલી બોલતી ફિલ્મ 'આલમઆરા' રિલીઝ થઈ હતી. આ સાથે જ અમીરબાઈ પણ થિયેટરની દુનિયા છોડીને મુંબઈ આવી ગયાં હતાં.

1934માં પહેલી ફિલ્મ મળી
1934માં આવેલી ફિલ્મ 'વિષ્ણુ ભક્તિ'થી અમીરબાઈને પહેલો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં તેમને મોટી બહેન ગૌહરબાઈને કારણે કામ મળ્યું હતું. આ ફિલ્મથી અમીરબાઈને ખાસ ઓળખ ના મળી. 1936માં આવેલી ફિલ્મ 'જમાના'ના ગીત 'ઈસ પાપ કી દુનિયા સે કહીં ઔર લે ચલ..'થી અમીરબાઈ રાતોરાત લોકપ્રિય થયાં.

નસીબ બદલાયું ને સ્ટાર સિંગર બન્યાં
1945માં આવેલી ફિલ્મ 'કિસ્મત' ભારતીય સિનેમાની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મે અનેક સ્ટાર આપ્યા. અશોકકુમાર પણ તેમાંના એક છે. પહેલીવાર એન્ટિ હીરોના કોન્સેપ્ટ પર હિંદી ફિલ્મ આવી. ફિલ્મમાં 8 ગીતો હતાં, જેમાં 6 ગીતો અમીરબાઈએ ગાયાં હતાં. આ ફિલ્મનું ગીત 'દૂર હટો એ દુનિયાવાલોં હિન્દુસ્તાન હમારા હૈ..'ને બૅન કરવા માટે અંગ્રેજોએ આકાશપાતાળ એક કર્યું હતું. આ ફિલ્મે 1945માં એક કરોડની કમાણી કરી હતી. આજના સમયે તે 2100 કરોડથી પણ વધુ થાય એમ છે.

અમીરબાઈ જે માન-સન્માનના હકદાર હતાં, એ તેમને ક્યારેય મળ્યું નહીં.
અમીરબાઈ જે માન-સન્માનના હકદાર હતાં, એ તેમને ક્યારેય મળ્યું નહીં.

આ પહેલાં 1942માં આવેલી ફિલ્મ 'બસંત'માં પણ અમીરબાઈનું ગીત 'હુઆ ક્યા કસૂર, હુએ જો હમસે દૂર..' તે સમયનું હિટ ગીત હતું. આ ફિલ્મથી બેબી મુમતાઝે ડેબ્યૂ કર્યું હતું. થોડાં વર્ષો બાદ બેબી મુમતાઝ બોલિવૂડમાં મધુબાલા તરીકે લોકપ્રિય થઈ હતી.

એક્ટ્રેસ ને ગાયિકાઓના માન માટે જંગ લડી
આ સમયે સારા ઘરની યુવતીઓ સિનેમામાં કામ કરે તેને યોગ્ય માનવામાં આવતું નહોતું. તેમની તુલના ગણિકા સાથે થતી હતી. અમીરબાઈએ તે સમયની ગાયિકા ને એક્ટ્રેસ સાથે મળીને સમાજમાં માન-સન્માન મેળવવા માટે ઘણો જ સંઘર્ષ કર્યો હતો. સમાજની કડવી વાતોનો સામનો કર્યો, પણ કળાના દમ પર પોતાની ઓળખ બનાવી.

તેમની બાયોગ્રાફી લખનાર રહમત તારિકીએ કહ્યું હતું, 'અમીરબાઈ તથા તે સમયની ફિલ્મી દુનિયામાં આવેલી યુવતીઓ માટે આ જંગ આઝાદીની લડાઈ કરતાં સહેજ પણ ઓછી નહોતી. જોકે, આ લડાઈને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું નહીં, પરંતુ આ જ મહિલાઓની હિંમતને કારણે આજે ફિલ્મ એક્ટ્રેસ બનતી યુવતીઓ પર પરિવારને શરમ નહીં, પણ ગર્વ થાય છે.'

વિલનથી લગ્ન, રિયલ લાઇફમાં પણ વિલન નીકળ્યો
અમીરબાઈએ 1940ના દાયકાના લોકપ્રિય વિલન હિમાયલવાલા (અફઝલ કુરૈશી) સાથે લગ્ન કર્યાં હતાં. અમીરબાઈ માટે લગ્નજીવન ઘણું જ મુશ્કેલભર્યું રહ્યું, કારણ કે હિમાયલવાલાનો વ્યવહાર યોગ્ય નહોતો. દિવસ-રાત ઝઘડા થતા. હિમાલયવાલા તમામ પૈસા પોતાની પાછળ ખર્ચ કરતો. અમીરબાઈ વિરોધ કરે તો માર મારતો.

પતિના ખરાબ વર્તનને કારણે અમીરબાઈ દિવસો સુધી ડિપ્રેશનમાં રહી.
પતિના ખરાબ વર્તનને કારણે અમીરબાઈ દિવસો સુધી ડિપ્રેશનમાં રહી.

ડિવોર્સ માટે ડિલ કરી કરી
અમીરબાઈ પતિથી કોઈ પણ હિસાબે અલગ થવા માગતી હતી. પતિને કારણે સિગિંગ કરિયર પર પણ અસર થઈ હતી. તે સમયે લતા મંગેશકર ને આશા ભોસલે જેવી ગાયિકાઓ આવી ચૂકી હતી. અમીરબાઈ પતિથી અલગ થઈને કરિયર પર ફોકસ કરવા માગતાં હતાં. પતિએ અલગ થવા માટે કાર ને પૈસા માગ્યા અને અમીરબાઈએ આપી પણ દીધાં.

ડિવોર્સ માટે જે કાર આપી, તે જ કારમાં અપહરણ કર્યું
અમીરબાઈ પતિથી અલગ થઈને એક સ્ટુડિયોમાં રેકોર્ડિંગ માટે ગયાં હતાં. અહીંયાં પતિએ બધાની વચ્ચે અમીરબાઈનું કિડનેપ કર્યું અને રૂમમાં બંધ કર્યાં. અમીરબાઈના વકીલે ચેલશંકર વ્યાસે નિવેદન આપ્યું હતું કે તે દિવસે હિમાલયવાલાએ અમીરબાઈને એ હદે માર્યા હતા કે તે દિવસો સુધી ડિપ્રેશનમાં રહ્યાં હતાં.

કેસ ફાઇલ કર્યો ને ડિવોર્સ લીધા
અમીરબાઈએ વકીલ ચેલશંકર વ્યાસની મદદથી કોર્ટમાં કેસ કર્યો. પતિ પર અનેક ગંભીર આક્ષેપો મૂક્યા. અંતે કોર્ટમાંથી ડિવોર્સ મળ્યા. તેઓ થોડા સમય ડિપ્રેશનમાં પણ રહ્યાં. એડિટર બદ્રી કાચવાલા સાથે બીજા લગ્ન કર્યાં. પહેલો પતિ ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાન જતો રહ્યો. તે પાકિસ્તાની ફિલ્મમાં મોટું નામ ધરાવતો હતો.
લતા મંગેશકરને કારણે સિંગિંગ કરિયરનો અંત આવ્યો
1947 બાદ ફિલ્મી દુનિયામાં સિંગિંગ માટે માત્ર લાતા મંગેશકરનું નામ ટોચ પર હતું. તેમની બહેન આશા ભોસલે પણ સારું ગાતાં હતાં. બંને બહેનોને કારણે અનેક ગાયિકાઓની કરિયર હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી, જેમાં અમીરબાઈ પણ સામેલ હતાં. સિંગિંગ કરિયર ના ચાલતા અમીરબાઈએ એક્ટિંગ કરિયર પર ફોકસ કર્યું. તેમને લીડ રોલ મળતા નહોતા. મોટાભાગે સપોર્ટિંગ રોલ જ મળતા.

150 ફિલ્મમાં 380 ગીતો ગાયાં
અમીરબાઈએ ફિલ્મી કરિયરમાં 150 ફિલ્મ કરી. હિંદી ઉપરાંત કન્નડ, મરાઠી તથા ગુજરાતી ફિલ્મ પણ હતી. આ ફિલ્મમાં તેમણે કુલ 380 ગીતો ગાયાં. આ ઉપરાંત તેમણે અઢળક ભજન પણ ગાયાં, જેમાં ગુજરાતી ભજન 'વૈષ્ણવજન તો તેને રે કહીએ..' લોકપ્રિય થયું હતું. મહાત્મા ગાંધીએ પણ આ ભજનનાં ઘણાં જ વખાણ કર્યાં હતાં.

અમીરબાઈના મોતના ચાર દિવસ પછી મીડિયાને આ સમાચાર મળ્યા હતા.
અમીરબાઈના મોતના ચાર દિવસ પછી મીડિયાને આ સમાચાર મળ્યા હતા.

થિયેટર પણ બનાવ્યું
અમીરબાઈએ પોતાના શહેર બીજાપુરમાં અમીર ટૉકીઝ કરીને થિયેટર બનાવ્યું હતું. આજે પણ તેમનો પરિવાર આ થિયેટર ચલાવે છે.

પેરેલિસિસનો અટેક ને ગુમનામીમાં મોત
27 ફેબ્રુઆરી, 1965માં અમીરબાઈને પેરેલિસિસ અટેક આવ્યો. ચાર દિવસ બાદ એટલે કે 3 માર્ચ, 1965માં 55 વર્ષની ઉંમરમાં તેમનું મોત થયું. તે સમયે પણ તેમના કામને યોગ્ય ઓળખ મળી નહીં. મીડિયાએ તેમના મોતના ચાર દિવસ આ ન્યૂઝ કવર કર્યા હતા. ભારતીય સિનેમામાં મહિલાઓને માન-સન્માન અપાવનાર અમીરબાઈના મોત બાદ તેમના કામને લોકો સમજી શક્યા, પરંતુ ત્યાં સુધી ઘણું જ મોડું થઈ ગયું હતું. અમીરબાઈને ક્યારેય કોઈ સન્માન ના મળ્યું. કન્નડ કોકિલાની ઉપાધિ જરૂરથી મળી, પરંતુ જે સન્માનના તે હકદાર હતાં, તે ક્યારેય ના મળ્યું.

અન્ય સમાચારો પણ છે...