લોકપ્રિય સિંગરનું અવસાન:34 વર્ષીય એરોન કાર્ટરની ડેડબોડી બાથટબમાંથી મળી, છેલ્લા ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતો

લોસ એન્જલસએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકન સિંગર, રેપર તથા એક્ટર એરોન કાર્ટરનું 34 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. તેની ડેડબૉડી શનિવાર, 5 નવેમ્બરના રોજ કેલિફોર્નિયા સ્થિત ઘરમાંથી મળી આવી હતી. વર્ષ 2000માં કાર્ટર ચાહકોમાં લોકપ્રિય થયો હતો. તેનું ટીન મ્યૂઝિક ચાહકોને ઘણું જ ગમ્યું હતું. નોંધનીય છે કે બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું અવસાન 2018માં દુબઈની હોટલના બાથટબમાં ડૂબવાને કારણે થયું હતું.

રિપોર્ટ્સ પ્રમાણે, અથૉરિટીઝને શનિવારના રોજ સવારે 11 વાગે એક વ્યક્તિ બાથટબમાં ડૂબી ગઈ હોવાનો ઇમર્જન્સી કૉલ આવ્યો હતો. ફોન આવતા જ હોમિસાઇડ ડિટેક્ટિવ લોસ એન્જલસ કાઉન્ટીના લંકેસ્ટર સ્થિત કાર્ટરના ઘરે આવ્યા હતા. આ કેસમાં હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી.

કેલિફોર્નિયા અથૉરિટીએ પહેલાં મીડિયાને એવી વાત કહી હતી કે કાર્ટરના ઘરે એક વ્યક્તિનું અવસાન થયું છે, પરંતુ મૃતકની ઓળખનો કોઈ ઘટસ્ફોટ કર્યો નહોતો. કાર્ટરના પ્રવક્તાએ પણ આ અંગે કોઈ કમેન્ટ કરી નહોતી. જોકે, થોડીવાર પછી કાર્ટરની મેનેજમેન્ટ કંપનીએ ધ ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની વાતચીતમાં કન્ફર્મ કર્યું હતું કે કાર્ટરનું મોત છે. કાર્ટરની ફિયાન્સી મેલની માર્ટિને પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. મેલનીએ કહ્યું હતું, 'અમે આ દુર્ભાગ્યપૂર્ણ સમાચારને સ્વીકારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમારી પ્રાર્થના તથા સંવેદના માટે તમારો ખૂબ ખૂબ આભાર.'

ડિપ્રેશન તથા મેન્ટલ હેલ્થ
કાર્ટરે અનેકવાર મેન્ટલ હેલ્થ સાથેના પોતાના સંઘર્ષની વાત જાહેરમાં કહી હતી. 2019માં સેલિબ્રિટી વેલનેસ ટીવી શો 'ધ ડૉક્ટર્સ'માં તેણે દવાની ભરેલી બેગ બતાવીને કહ્યું હતું કે આ દવા મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર, સિઝોફ્રેનિયા, એન્ગ્ઝાયટીની જાણ થયા બાદ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે. તે મેનિક ડિપ્રેસિવ છે.

થોડાં મહિના પહેલાં રિહેબમાં ગયો હતો
કાર્ટર અનેકવાર રિહેબ સેન્ટરમાં ગયો હતો. સપ્ટેમ્બર, 2022માં કાર્ટરે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દીકરા પ્રિન્સની કસ્ટડીનો કેસ હાર્યા બાદ તે પાંચમીવાર રિહેબ સેન્ટરમાં છે. આ વખતે તે ગાંજો છોડવા માટે રિહેબ સેન્ટરમાં આવ્યો છે. તે હવે ગાંજો લેવા માગતો નથી અને તેને હવે ગાંજાની જરૂર નથી.

નાની ઉંમરમાં સફળતા મળી
એરોનને 1990માં લોકપ્રિય બેન્ડ 'બેકસ્ટ્રીટ બોય્ઝ'ના મેમ્બર નિક કાર્ટરના ભાઈ હોવાને કારણે લોકપ્રિયતા મળી હતી, પરંતુ પછી કાર્ટરે પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી. કાર્ટરે સાત વર્ષની ઉંમરથી પર્ફોર્મન્સ આપવાની શરૂઆત કરી હતી. નવ વર્ષની ઉંમરમાં કાર્ટરે ડેબ્યૂ આલ્બમ 'એરોન કાર્ટર' લૉન્ચ કર્યો હતો. આ આલ્બમ ઘણો જ લોકપ્રિય થયો હતો. વર્ષ 2000માં એરોનનો બીજો આલ્બમ 'એરોન્સ પાર્ટી' પણ ચાહકોને ઘણો જ ગમ્યો હતો. એરોને 'બ્રોડવે મ્યૂઝિકલ'માં એક્ટિંગ પણ કરી હતી.

1987માં જન્મ
એરોનનો જન્મ સાત ડિસેમ્બર, 1987માં ફ્લોરિડામાં થયો હતો. તેના પેરેન્ટ્સ જેન એલિઝાબેથ તથા રોબર્ટ રિટાયરમેન્ટ હોમ ચલાવતા હતા. પરિવાર મૂળ ન્યૂયોર્કનો હતો. એરોનના મોટાભાઈ નેકનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો. તેમને ત્રણ બહેનો એન્જલ, બીજે તથા લેસ્લી છે.

અન્ય સમાચારો પણ છે...