વિવાદ:‘દંગલ’ ફૅમ ઝાયરાએ તીડના હુમલાને અલ્લાહનો કહેર ગણાવ્યો, વિરોધ વધતાં ટ્વિટર તથા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કર્યું

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘દંગલ ગર્લ’થી લોકપ્રિય બનેલી ઝાયરા વસીમ ફરી એકવાર ચર્ચામાં છે. વાસ્તવમાં પાકિસ્તાન થઈને ભારત આવેલા તીડને લઈ ઝાયરાએ એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટને કારણે ઝાયરાનો ઘણો જ વિરોધ થયો હતો. આટલું જ નહીં આ ટ્વીટને કારણે ઝાયરાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ તથા ટ્વિટર અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું હતું. ઝાયરાએ ટ્વીટમાં તીડના હુમલાની તુલના અલ્લાહના કહેર સાથે કરી નાખી હતી. ઝાયરાએ કુરાનની આયત પોસ્ટ કરી હતી. 

ઝાયરાની ટ્વીટ પર યુઝર્સ રોષે ભરાયા
ઝાયરાની ટ્વીટ પર સોશિયલ મીડિયા યુઝર્સે તેને આડે હાથ લીધી હતી. વિરોધ વધતો જોઈને ઝાયરાએ આ ટ્વીટ ડિલીટ કરી નાખી હતી. આટલું જ નહીં પછી તેણે પહેલાં ટ્વિટર અકાઉન્ટ ડિલીટ કર્યું હતું. ત્યારબાદ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ ડિલીટ કરી નાખ્યું હતું. 

ગયા વર્ષે ઝાયરાએ અચાનક જ ઈન્સ્ટાગ્રામમાં છ પાનાની એક પોસ્ટ શૅર કરીને બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મને લોકોનો ઘણો પ્રેમ, ફેમ, સપોર્ટ મળ્યો પણ તેણે આ બધાની ક્યારેય અપેક્ષા જ રાખી ન હતી. હું મારાં ઇમાનથી ભટકી ગઈ હતી. મારું કામ મારી ધાર્મિક આસ્થાને આડે આવતું હતું. માટે હું ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી રહી છું.’ ઝાયરાએ આમિર ખાનની ફિલ્મ ‘લગાન’, ‘સીક્રેટ સુપરસ્ટાર’માં કામ કર્યું હતું. આ ઉપરાંત ગયા વર્ષે 11 ઓક્ટોબરે રિલીઝ થયેલી ‘સ્કાય ઈઝ પિંક’માં ઝાયરાએ પ્રિયંકા ચોપરા તથા ફરહાન અખ્તર સાથે કામ કર્યું હતું.

દેશના ઘણાં રાજ્યો પર તીડનો હુમલો
કોરોનાના સંક્રમણ વચ્ચે હવે ભારતના અનેક રાજ્યોમાં તીડ નામની વધુ એક આફત આવી હતી. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી વગેરે રાજ્યોના ખેતરો પર તીડે ત્રાટકીને પાકને નુકસાન પહોંચાડ્યું હતું. પાકિસ્તાનથી આવેલા તીડના ટોળાએ રાજસ્થાનના જયપુરમાં હુમલો કર્યો હતો. સોમવાર (25 મે)ના સવારે તીડને કારણે અહીંયા અંધકાર જેવો માહોલ છવાઈ ગયો હતો. 

અન્ય સમાચારો પણ છે...