કંગના પર હુમલો:પંજાબમાં ભીડે કાર અટકાવીને એક્ટ્રેસને માફી માગવાનું કહ્યું, ખેડૂતોને ખાલિસ્તાની આતંકી કહેવાનો આરોપ

ચંદીગઢ2 મહિનો પહેલા
  • કંગનાની ફ્લાઇટ કેન્સલ થતાં તે બાય રોડ કારમાં ચંદીગઢ જવા નીકળી હતી

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો શૅર કરીને કંગનાએ કહ્યું હતું, 'હું પંજાબમાં એન્ટર થઈ ત્યારે ભીડે મારી પર હુમલો કર્યો હતો. તે લોકો કહી રહ્યાં હતાં કે તે ખેડૂતો છે.' કંગનાએ ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદી કહ્યા હતા અને તેથી જ તે ખેડૂતોના ગુસ્સાનો ભોગ બની હતી.

કંગના મનાલીથી ચંદીગઢ જતી હતી
કંગના ચંદીગઢ જતી હતી, અહીંયા રોપડમાં ચંદીગઢ-ઉના હાઇવે પર લોકોએ ટ્રાફિક જામ કરીને કંગનાને અટકાવી હતી. ખેડૂતો ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ હાજર રહી હતી, પરંતુ ખેડૂતોએ કંગનાની ગાડીને આગળ વધવા દીધી નહોતી. ખેડૂતોએ કંગના પાસે માફીની માગણી કરી હતી.

શૅર કરેલા વીડિયોમાં કંગનાએ કહ્યું હતું, 'હું અત્યારે હિમાચલથી નીકળી છું, કારણ કે મારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે. અહીંયા પંજાબમાં આવતા જ ભીડે મને અટકાવી દીધી. તેઓ પોતાને ખેડૂત કહે છે. મને ગંદી ગાળો આપે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આ દેશમાં જાહેરમાં આ રીતે મોબ લિંચિંગ થઈ રહ્યું છે.'

વધુમાં કંગનાએ કહ્યું હતું, 'જો મારી સાથે સિક્યોરિટી ના હોત તો ખબર નહીં મારી સાથે શું થાત. આ અવિશ્વસનીય છે. આ કેવો વ્યવહાર છે. આટલી પોલીસ હોવા છતાંય મને જવા દેવામાં આવી નહોતી. બહુ બધા લોકો મારા નામ પર રાજકારણ રમી રહ્યાં છે. આ તેનું જ પરિણામ છે કે મારી ગાડી ભીડથી ઘેરાઈ ગઈ છે. જો અહીંયા પોલીસ ના હોત તો અહીંયા જાહેરમાં લિંચિંગ થયું હોત.'

ભીડે આ માટે કાર અટકાવી
કંગનાએ શૅર કરેલા વીડિયોમાં તે મહિલાઓ સાથે વાત કરતી જોવા મળી હતી. કંગનાએ તેમને કહ્યું હતું, 'મેં તમને એવું કહ્યું નથી. મેં શાહીન બાગની મહિલાઓ માટે વાત કરી હતી.' ઉલ્લેખનીય છે કે કંગનાએ ખેડૂત આંદોલનમાં આવેલી મહિલાઓ 100 રૂપિયામાં લાવવામાં આવી હશે તેવી વાત કરી હતી. આ મહિલાઓ કંગનાના આ નિવેદનથી રોષમાં હતી.

કલાક સુધી કાર અટકાવી રાખી
પોલીસની સમજાવટ બાદ કંગનાની કારને ખેડૂતોએ જવા દીધી હતી. અન્ય એક વીડિયોમાં કંગનાએ કહ્યું હતું કે તે પોતાના શુભચિંતકોને કહેવા માગે છે કે તે ત્યાંથી નીકળી ગઈ છે. તે પૂરી રીતે સલામત છે. મદદ કરવા માટે તમામનો આભાર. પંજાબ પોલીસ તથા CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)નો પણ આભાર.