તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રીમ સિટીની કફોડી હાલત:2.40 લાખ કરોડ ટર્નઓવરવાળા બોલિવૂડના 5 લાખ વર્કર્સ પર સંકટ, લોકડાઉન લંબાશે તો 1000 કરોડ રૂપિયાનું નુકસાન થશે

5 મહિનો પહેલાલેખક: રાજેશ ગાબા
રોજની કમાણી કરતા વર્કર્સને ગુજરાન ચલાવવું અઘરું પડ્યું છે.
  • ફેડરેશને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે મદદ માગી
  • આર્થિક પેકેજમાં સિને એમ્પ્લોયીઝને પણ સામેલ કરવાની રજૂઆત કરી

મહારાષ્ટ્રમાં 15 દિવસના લોકડાઉનથી ફિલ્મો અને સિરિયલ્સનું શૂટિંગ અટકી પડ્યું છે. સેટ પર કામ કરતા 5 લાખ ટેક્નિશિયન અને બીજા ક્રૂ-મેમ્બર્સ સામે રોજગારનું સંકટ ઊભું થયું છે. આશરે 2.40 લાખ કરોડનું ટર્નઓવર આપતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટેક્નિશિયન અને ક્રૂ-મેમ્બર્સ પર લોકડાઉનની અસર થઈ છે. કારણ-આમાંના મોટા ભાગના લોકો ડેઇલી વેજ પર કામ કરે છે.

બોલિવૂડના ટેક્નિશિયન અને અન્ય ક્રૂના સૌથી મોટા એસોસિયેશન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)ના પ્રેસિડેન્ટ બીએન તિવારી અને જનરલ સેક્રેટરી અશોક દુબેએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં આ મામલે વાત કરી હતી. ફેડરેશને માગ કરી છે કે બીજા વ્યવસાયના લોકો માટે જાહેર કરેલા રાહત પેકેજમાં સિનેમા સાથે જોડાયેલા લોકોને પણ સામેલ કરવામાં આવે.

નાણાકીય મંત્રી પાસે મદદ માગી
પ્રેસિડેન્ટ બીએન તિવારીએ કહ્યું, ફેડરેશને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે મદદ માગી છે. ફિલ્મ ઉદ્યોગ વર્ષે 2.40 લાખ કરોડનું ટર્નઓવર કરે છે. ઘણા પ્રકારના ટેક્સ સરકારને મળે છે. આ ઇન્ડસ્ટ્રી પણ દેશનો જ એક ભાગ છે. સરકારની થોડી મદદથી બધાની લાઈફ તો નહીં બદલાય, પરંતુ અમને લાગશે કે સરકાર અમારા સાથે ઊભી છે. અમારી પાસે દરેક વર્કર્સના બેંક અકાઉન્ટ નંબર અને પાન નંબર છે. સરકાર મદદ કરે, બધી વ્યવસ્થા અમે કરીશું.

લોકડાઉન વધારે લંબાશે તો 1000 કરોડ રૂપિયાનું નુકસાન
તિવારીએ વધુમાં જણાવ્યું હતું, ઇન્ડસ્ટ્રીની ગાડી ઘણી મુશ્કેલીથી પાટા પર આવી હતી. આ વખતે 15 દિવસનું લોકડાઉન છે, પરંતુ જો આ વધારે લંબાશે તો ઇન્ડસ્ટ્રીને ઓછામાં ઓછા 1000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ વૈશ્વિક આપત્તિ છે, અમે સરકાર સાથે ઊભા છીએ, અમે સરકાર સાથે માગ કરીશું કે અમને બાયો બબલની સાથે શૂટિંગ કરવાની પરમિશન મળે.

આર્થિક પેકેજમાં સિને એમ્પ્લોયીઝને પણ સામેલ કરો
ફેડરેશનના જનરલ સેક્રેટરી અશોક દુબેએ કહ્યું, અમે સરકારને 15 દિવસના લોકડાઉનમાં સપોર્ટ કરીશું, પણ સરકાર અમારી મદદ કરે. ડેલી વેજ વર્કર્સ વિશે વિચારવું જોઈએ. સરકારે બાકી ટ્રેડના લોકોને 5,500 કરોડનું પેકેજ આપ્યું છે, તેમાં સિને એમ્પ્લોઇઝને પણ સામેલ કરવા જોઈએ.

ફિલ્મસિટીમાં વેક્સિનેશન થશે
જનરલ સેક્રેટરી અશોક દુબેએ કહ્યું, ફેડરેશને સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે આખો દિવસ કામ કરતા એમ્પ્લોયીઝ માટે વેક્સિનેશન સેન્ટર જઈને રસી લેવી શક્ય નથી. અમારી વાત સાંભળી અને નિયમ બદલવામાં આવ્યા. ફિલ્મસિટીમાં રોજ 8થી 10 હજાર લોકો કામ કરે છે. હવે તેમના માટે ફિલ્મસિટીમાં જ એક વેક્સિનેશન સેન્ટર બનશે.

યશરાજ ફિલ્મ્સે કહ્યું, જેટલા પણ લોકો અમારા માટે કામ કરે છે તે બધા વેક્સિનેશન અવશ્ય કરાવે. એક પ્રોડ્યુસર આગળ આવશે તો બીજા પણ મદદ કરવા આવશે. ફેડરેશને ઓછા રૂપિયામાં ટેસ્ટ માટે વિક્રમ ભટ્ટની મદદ લઈને અલગ વ્યવસ્થા કરી છે. અહીં કામ કરનારા લોકો 850 રૂપિયાને બદલે 550 રૂપિયામાં RT-PCR ટેસ્ટ કરાવી શકશે. દર સાત દિવસે આ ટેસ્ટ થશે.

વર્કર્સને સાઈટ પર રહેવાની અનુમતિ આપો
યશરાજ ફિલ્મ્સનું કહેવું છે કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં જે વર્કર સાઈટ પર જ રહે છે, રાજ્ય સરકારે તેમને કામ ચાલુ રાખવાની અનુમતિ આપી છે. અમે પણ અપીલ કરીશું કે અમારા વર્કર્સને પણ સેટ પર જ રહીને કામ કરવાની અનુમતિ મળે.

32 ક્રાફ્ટ એસોસિયેશનનું ફેડરેશન
FWICE એ 70 વર્ષ જૂનું ફેડરેશન છે. એમાં 32 ક્રાફ્ટનાં એસોસિયેશન છે. આ એસોસિયેશનમાં કુલ 5 લાખ લોકો છે. તેમાં આર્ટિસ્ટ, વીડિયો-એડિટર્સ, આર્ટ ડિરેક્ટર, કોસ્ચ્યૂમ-ડિઝાઈનર, ટીવી-ડિરેક્ટર, ફોટોગ્રાફી સ્ટિલ અને મૂવિંગ, સિંગર્સ, બ્રાઉઝર્સ, કેમેરા ટેક્નિશિયન. ડબિંગ આર્ટિસ્ટ, કર્મચારી, જુનિયર આર્ટિસ્ટ, સ્ટન્ટમેન, કોસ્ચ્યૂમ, મ્યુઝિશિયન, સ્ક્રીન રાઈટર્સ, ડાન્સર્સ અમે મોડલ્સ સહિત ક્રાફ્ટ અને અન્ય બિઝનેસના એસોસિયેશન સામેલ છે.