કંગના માટે સારા સમાચાર:કોર્ટે જાવેદ અખ્તરની અરજી ફગાવી, માનહાનિ કેસમાં એક્ટ્રેસ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઇશ્યૂ નહીં થાય

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાવેદ અખ્તરે મુંબઈની સ્થાનિક કોર્ટમાં અરજી કરીને કંગના રનૌત વિરુદ્ધ માનહાનિ કેસમાં બિન જામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવાનું કહ્યું હતું. હવે કોર્ટે કંગના વિરુદ્ધની આ અરજી ફગાવી દીધી છે. જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે કહ્યું હતું કે આગામી સુનાવણી અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટમાં 1 ફેબ્રુઆરીએ યોજાશે.

મંગળવાર, 4 જાન્યુઆરીએ સુનાવણી થઈ
જાવેદ અખ્તરે ડિસેમ્બર, 2021માં કોર્ટમાં અરજી કરી હતી. અખ્તર તરફથી કહેવામાં આવ્યું હતું કે કંગના બહાના બનાવીને કોર્ટમાં હાજર રહેતી નથી, પરંતુ તે સમયે જાહેર ઇવેન્ટમાં જોવા મળે છે. કોર્ટની અરજી પર કંગનાના વકીલે ચાર જાન્યુઆરીના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં પોતાનો જવાબ આપ્યો હતો. કંગના છેલ્લે 20 સપ્ટેમ્બર, 2020ના રોજ અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર આર ખાનની કોર્ટમાં હાજર રહી હતી.

કેસ ટ્રાન્સફરની અરજી કોર્ટે ફગાવી દીધી છે
આ પહેલાં મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે માનહાનિનો કેસ ટ્રાન્સફર કરવા સંબંધિત કંગનાની અરજી ફગાવી દીધી હતી. જોકે, જાવેદની ફરિયાદ બાદ કોર્ટે જામીન પાત્ર વોરંટ ઇશ્યૂ કર્યું હતું. કંગનાએ કોર્ટમાં જઈને આ વોરંટ ઇશ્યૂ રદ્દ કરાવ્યું હતું.

શું છે માનહાનિનો કેસ?
જાવેદ અખ્તરે તેમના વકીલ નિરંજન મુંદર્ગી દ્વારા 2 નવેમ્બર, 2020ના રોજ એક ખાનગી ફરિયાદ દાખલ કરાવી હતી. તેમાં તેમણે એક્ટ્રેસ કંગના રનૌતની વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડની સેક્શન 499 (માનહાનિ) અને સેક્શન 500 (માનહાનિ માટે સજા)ના અંતર્ગત આરોપ લગાવ્યો હતો. અખ્તરનો દાવો છે કે, 57 મિનિટ સુધી ચાલેલા ઈન્ટરવ્યુમાં કંગના કોઈપણ પુરાવા વગર અને નોલેજ વગર સુશાંતના મૃત્યુ સાથે સંબંધિત પરિસ્થિતિ પર બોલતી જોવા મળે છે.

તેમની અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ ઈન્ટરવ્યુ દરમિયાન જાવેદની વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. અખ્તરે કથિત રીતે કંગના પર આરોપ લગાવ્યો હતો કે તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમના પર ખોટો આરોપ લગાવ્યો હતો કે તેમણે રીતિક રોશનની વિરુદ્ધ કેસ પાછો લેવા માટે એણે ધમકી આપી હતી. અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, કંગનાએ ઈન્ટરવ્યુમાં તેમનું નામ પણ સુસાઈડ કેમ્પબાજીમાં લીધું છે. કંગનાએ એ આરોપ પણ લગાવ્યો હતો કે અખ્તરે તેને ધમકી આપી હતી કે જો તે કેસ પાછો નહીં ખેંચે તો તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નહીં રહે. અખ્તરનો દાવો છે કે કંગનાની આ કમેન્ટના કારણે તેમણે ઘણા ધમકીભર્યા ફોન કોલ્સ અને મેસેજ આવ્યા છે. તેમને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યા. તેમના અનુસાર, આ કમેન્ટના કારણે તેમની ઈમેજ ખરાબ થઈ છે.