ભાવુક:હોસ્પિટલમાં બેડ અપાવ્યો છતાં કોરોના પીડિતનું મોત, ઇમોશનલ થઈને સોનુ સૂદે કહ્યું- પરિવારની આજીજી સાંભળીને હૃદય ભાંગી પડે છે

મુંબઈ6 મહિનો પહેલા
  • સોનુ સૂદ કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદ કરી રહ્યો છે
  • સોનુ સૂદના ફોન પર સતત મેસેજ આવતા હોય છે

બોલિવૂડ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળતો સોનુ સૂદ કોરોનામાં દેવદૂત બનીને સામે આવ્યો છે. વર્ષ 2020થી લઈ અત્યાર સુધી તે શક્ય તેટલી મદદ કરી રહ્યો છે. કોરોનાની સેકન્ડ વેવ શરૂ થતાં જ સોનુ પર મદદ માટે આજીજભર્યા ફોન, મેસેજ આવવાના શરૂ થઈ ગયા છે. હાલમાં જ સોનુએ મોડી રાત્રે કોરોનાગ્રસ્ત દર્દી માટે બેડની વ્યવસ્થા કરી હતી, પરંતું તેનું અવસાન થયું હતું. આ વ્યક્તિના મોતના સમાચાર મળ્યા બાદ સોનુ મનથી ભાંગી પડ્યો હતો.

અમે અમારાથી થાય એટલો પ્રયાસ કર્યોઃ સોનુ સૂદ
શ્રમિકોને મદદ કર્યા બાદ હાલમાં સોનુ સૂદ કોરોનાગ્રસ્ત દર્દીઓની મદદ કરી રહ્યો છે. સોનુ સૂદે સો.મીડિયામાં કહ્યું હતું, ગઈ રાત્રે એક વાગે તે વ્યક્તિને ગાઝિયાબાદમાં બેડ અપાવ્યો હતો. જોકે, અત્યારે માહિતી મળી કે આપણે તેને ગુમાવી દીધો છે. અમે અમારું બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્યારેક ક્યારેક જીવન બહુ જ અનફેર બની જાય છે. મારું દિલ તે પરિવારની આજીજી સાંભળીને તૂટી ગયું છે. આજે એક નવી શરૂઆત છે, અહીંયા બહુ જ બધી જિંદગીઓ એવી છે, જેને બચાવવાની છે.

ઉલ્લેખનીય છે કે મૃતકનું નામ રાકેશ રાવલ હતું. તેમની ઉંમર 61 વર્ષની હતી. કોવિડ પોઝિટિવ બાદ તેમનો સીટી સ્કોર 22/25 હતો. સોનુ સૂદે બેડ અપાવ્યો હતો. અનેક પ્રયાસો બાદ પણ રાકેશ રાવલને બચાવી શકાયા નહીં.

સોનુ સૂદને સતત મેસેજ-ફોન આવી રહ્યા છે
હાલમાં જ સોનુ સૂદે ફોનનો એક વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો હતો, જેમાં તેના ફોનમાં સતત મેસેજના નોટિફિકેશન આવે છે. આ વીડિયો શૅર કરીને સોનુએ કહ્યું હતું, જે ગતિએ મને ભારતભરમાંથી મદદના મેસેજ આવી રહ્યા છે. દરેકને મદદ કરવાનો પ્રયાસ કરું છું. તમામને અપીલ છે કે આગળ આવો. આપણે મદદ કરતાં લોકોની વધુ જરૂર છે. જે પણ થાય તે કરો.

છ દિવસમાં સોનુ સૂદ કોરોના નેગેટિવ થયો

થોડાં દિવસ પહેલાં સોનુ સૂદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોનુએ વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો હતો. સોનુ ઘરમાં જ આઈસોલેશનમાં રહ્યો હતો અને છ દિવસમાં એક્ટરનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો.