ડ્રગ્સ પાર્ટી કેસ:આર્યન ખાન જે ક્રૂઝમાં પકડાયો હતો ત્યાં બોલશે ગરબાની રમઝટ, શાકાહારી ભોજનની સાથે સોમનાથના દર્શન કરી શકાશે

મુંબઈ2 મહિનો પહેલા
નવરાત્રિમાં ક્રૂઝ પર પાર્થિવ ગોહિલ પર્ફોમ કરવાનો છે
  • ટૂ નાઇટ્સની ટિકિટ 24,750થી લઈ 1,15,950 સુધીની છે

દરિયામાં થયેલી ડ્રગ્સ પાર્ટીમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના દરોડા બાદ કૉર્ડેલિયા ક્રૂઝ ચર્ચામાં આવ્યું છે. હવે આ ક્રૂઝમાં નવરાત્રિનું સેલિબ્રેશન થવાનું છે. કૉર્ડેલિયા ક્રૂઝે નવરાત્રિ ટૂર પેકેજનું આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન ક્રૂઝમાં મ્યૂઝિકલ પ્રોગ્રામ, ડાન્સ તથા સ્ટેન્ડ અપ કોમેડીનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રૂઝમાં નવ ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી નવરાત્રિ સેલિબ્રેટ થશે. ક્રૂઝ કંપની મહેમાનોને આખી રાત પાર્ટી માણવા દેશે.

ક્રૂઝ પર પૂલ પાર્ટી પણ કરી શકાય છે
ક્રૂઝ પર પૂલ પાર્ટી પણ કરી શકાય છે

સંપૂર્ણ શાકાહારી ભોજન
ટૂ નાઇટ્સના પેકેજમાં ક્રૂઝ કંપનીએ મુંબઈ-દીવ-મુંબઈની સફરનું આયોજન કર્યું છે, જેમાં ગુજરાતના સોમનાથ મંદિરના પણ દર્શન કરાવવાની વાત છે. આટલું જ નહીં કંપનીએ કહ્યું હતું કે નવરાત્રિમાં સંપૂર્ણ શાકાહારી ભોજન સર્વ કરવામાં આવશે અને જેને ઉપવાસ હશે, તેમના માટે ફરાળી ભોજન પણ રહેશે. મુંબઈ-દીવ-મુંબઈમાં 9થી 11, 11થી 13 તથા 16થી 18 ઓક્ટોબરના પેકેજ છે.

પેકેજના ભાવ આ રીતના છે

  • ઇન્ટીરિયરઃ 24,750 (એક કેબિનમાં 4 વ્યક્તિ રહી શકે)
  • ઓશિયન વ્યૂઃ 31,950 (એક કેબિનમાં 4 વ્યક્તિ રહી શકે)
  • બાલ્કનીઃ 44,910 (એક કેબિનમાં 3 વ્યક્તિ રહી શકે)
  • સ્વીટઃ 78,750 (એક કેબિનમાં 3 વ્યક્તિ રહી શકે)
  • ચેરમેન સ્વીટઃ 1,15,950 (એક કેબિનમાં 3 વ્યક્તિ રહી શકે)
પાર્થિવ ગોહિલ પર્ફોમ કરશે
પાર્થિવ ગોહિલ પર્ફોમ કરશે

કંપનીએ નિવેદન જાહેર કર્યું
દરોડા પડ્યા બાદ ક્રૂઝ કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'અમે એ જણાવવા માગીએ છીએ કે કૉર્ડેલિયા ક્રૂઝ કોઈ પણ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઘટના સાથે જોડાયેલું નથી. કંપનીએ પોતાના ક્રૂઝને એક ઇવેન્ટ માટે દિલ્હી સ્થિત ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને ભાડે આપ્યું હતું. અમે આ તમામ કામોની નિંદા કરીએ છીએ અને ભવિષ્યમાં આ પ્રકારના ઘટનાઓ ના બને તે માટે ક્રૂઝને બહાર મોકલીશું નહીં.'

ક્રૂઝનું ઇન્ટીરિયર આ રીતનું છે
ક્રૂઝનું ઇન્ટીરિયર આ રીતનું છે

NCBએ 8ની ધરપકડ તથા 8ની અટકાયત કરી
NCBએ આ જ ક્રૂઝમાંથી શાહરુખ ખાનના દીકરા સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સોમવાર, 5 ઓક્ટોબરના રોજ ક્રૂઝના 8 સ્ટાફ મેમ્બર્સની અટકાયત કરવામાં આવી હતી.

ગેરકાયદેસર રીતે કૉર્ડેલિયા ભારતીય દરિયાઈ સીમામાં ઓપરેટ થતું હતું
DG (ડિરેક્ટર જનરલ) શિપિંગ અમિતાભ કુમારે કહ્યું હતું કે ક્રૂઝ લાઇનર કૉર્ડેલિયાએ ભારતીય દરિયાઈ સીમમાં ઓપરેટ કરવા માટે અરજી આપી હતી, પરંતુ કેટલાંક ટેક્નિકલ કારણોસર પરવાનગી આપવામાં આવી નહોતી. ડેપ્યુટી ડિરેક્ટર જનરલ એશ મોહમ્મદે કહ્યું હતું કે હવે તેઓ કૉર્ડેલિયા ક્રૂઝ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વિચારે છે, કારણ કે મર્ચન્ટ શિપિંગ એક્ટના સેક્શન 406 હેઠળ કોઈ પણ ક્રૂઝ કે શિપને ભારતીય દરિયાઈ સીમામાં ઓપરેટ કરવા માટે લાઇસન્સ લેવું અત્યંત જરૂરી છે.

ક્રૂઝમાંથી NCBએ 8ની અટકાયત કરી છે
ક્રૂઝમાંથી NCBએ 8ની અટકાયત કરી છે

ક્રૂઝ પર પાર્ટી માટે પોલીસની પરવાનગી લેવામાં આવી નહોતી
તપાસમાં એ વાત પણ સામે આવી છે કે દરોડા દરમિયાન પાર્ટીની પરમિશન મુંબઈ પોલીસ પાસેથી લેવામાં આવી નહોતી. મુંબઈ પોલીસ સાથે પત્ર કે અન્ય કોઈ માહિતી કહેવામાં આવી નહોતી. મુંબઈ પોલીસ હવે DG શિપિંગ તથા MbPT (મુંબઈ પોર્ટ ટ્રસ્ટ)ના અધિકારીઓ સાથે પરમિશન અંગે વાત કરી રહી છે. સૂત્રોના મતે, મુંબઈના યલો ગેટ પોલીસ સ્ટેશનની ટીમે આ કેસની તપાસ શરૂ કરી છે અને તે ટૂંક સમયમાં પગલાં ભરશે.

ક્રૂઝ પર કોવિડ નિયમો તોડીને પાર્ટી કરવાનો આરોપ
મહારાષ્ટ્રમાં કોરોના દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલી છે, જે હેઠળ માસ્ક વગર સાર્વજનિક જગ્યા પર જવા અંગે તથા બે ફૂટનું અંતર, આ નિયમોનો સ્વીકાર કરવો અનિવાર્ય છે. જોકે, ક્રૂઝ પર પાર્ટીનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિએ નિયમોનું પાલન કર્યું નથી, આથી હવે ક્રૂઝ વિરુદ્ધ અન્ય કેસો પણ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...