લક્ઝૂરિયસ ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી:આ જ ક્રૂઝમાં નવરાત્રિમાં પાર્થિવ ગોહિલ ગરબાની રમઝટ બોલાવાનો હતો, અનેક ગુજરાતીઓ લેવાના હતા ભાગ

અમદાવાદ17 દિવસ પહેલા
  • એક સમયે કેરેબિયન સમુદ્રની શાન હતું આ ક્રૂઝ
  • એક સાથે 1840 પેસેન્જર્સ માણી શકે છે દરિયાની સફર

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મુંબઈના દરિયામાં કોર્ડેલિયાના ધ ઇમ્પ્રેસ ક્રૂઝ પર ચાલતી રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. ધ ઇમ્પ્રેસ ક્રૂઝ 1989માં બનીને તૈયાર થયું હતું. આ ક્રૂઝનો ઓર્ડર અમેરિકાની એડમિરલ ક્રૂઝ કંપનીએ આપ્યો હતો. તે સમયે ક્રૂઝનું નામ 'ફ્યૂચર સી' નક્કી કરવામાં આવ્યું હતું.

ક્રૂઝ પર નવરાત્રિ સેલિબ્રેશન થવાનું હતું
કાર્ડેલિયાના સો.મીડિયા પ્રમાણે, 9 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી નવરાત્રિ સેલિબ્રેટ થવાની હતી. નવરાત્રિ દરમિયાન સિંગર પાર્થિવ ગોહિલ આવવાનો હતો. પાર્થિવ ગોહિલ ઉપરાંત ડીજે નાઇટ્સ પણ હતી. સ્ટેન્ડ અપ કોમેડિયન મનન દેસાઈ તથા ઓજસ રાવલ પણ પર્ફોર્મ કરવાના હતી. માનવામાં આવે છે કે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ક્રૂઝ પર નવરાત્રિ સેલિબ્રેટ કરવાના હતા.

નામ બદલી નાખવામાં આવ્યું
રોયલ કેરેબિયન 1987માં એડમિરલમાં મર્જ થયું હતું. ત્યારબાદ ફ્યૂચર સી ક્રૂઝનું નામ પણ બદલી નાખવામાં આવ્યું હતું. આ ક્રૂઝનું નામ 'નોર્ડિક ઇમ્પ્રેસ' રાખવામાં આવ્યું હતું. આ નામ 1990થી 2004 સુધી રહ્યું હતું. ક્રૂઝમાં 1840 ગેસ્ટ રહી શકે છે.

2004માં નામ બદલાયું
2004માં આ ક્રૂઝનું નામ બદલીને 'ઇમ્પ્રેસ ઓફ ધ સી' કરવામાં આવ્યું હતું. 2008માં આ ક્રૂઝનું નામ 'ઇમ્પ્રેસ' કરવામાં આવ્યું હતું. 2016માં આ ક્રૂઝનું નામ ફરીથી 'ઇમ્પ્રેસ ઓફ ધ સી' કરી દેવામાં આવ્યું હતું. 2020માં આ ક્રૂઝનું નામ 'ઇમ્પ્રેસ' થયું હતું.

ડિસેમ્બર, 2020માં ક્રૂઝ વેચવામાં આવ્યું
ડિસેમ્બર, 2020માં રોયલ કેરેબિયનમાંથી રિટાયર થયું હતું. ત્યારબાદ આ ક્રૂઝ ભારતીય કંપની 'કોર્ડેલિયા ક્રૂઝ'ને વેચવામાં આવ્યું હતું. ત્યારથી આ ક્રૂઝ ભારતમાં મુંબઈથી ગોવાની વચ્ચે ચાલે છે.

2001માં ક્રૂઝમાં આગ લાગી હતી
જૂન, 2001માં આ ક્રૂઝના એન્જિન રૂમમાં આગ લાગી હતી. ક્રૂઝ જ્યારે ઉત્તર બર્મૂડામાં હતું ત્યારે લાગી હતી. તપાસમાં એ વાત સામે આવી હતી કે ફ્યૂલ લાઇનનો એક બોલ્ડ ઢીલો હતો અને તેને કારણે આગ લાગી હતી. 3 કલાક સુધી બચાવ કામગીરી ચાલી હતી. ક્રૂઝને રિપેર થતાં 2 અઠવાડિયાનો સમય થયો હતો અને ટોટલ ખર્ચ 8.8 મિલિયન ડૉલરનો ખર્ચ થયો હતો. આગ લાગી તે સમયે હોલિવૂડ એક્ટ્રેસ ટીના ફે પતિ જેફ સાથે હતી. ટીનાએ પોતાની ઓટોબાયોગ્રાફીમાં આ બનાવનો ઉલ્લેખ પણ કર્યો છે.