કરીના કપૂરના પહેલા દીકરા તૈમુરના નામને કારણે વિવાદ થયો હતો. હવે ફરી એકવાર કરીના તથા સૈફના બીજા દીકરાના નામ અંગે વિવાદ થયો છે. સૈફ તથા કરીનાએ લાંબા સમય સુધી દીકરાનું નામ જાહેર કર્યું નહોતું. તેમણે પહેલાં એવું કહ્યું હતું કે તેમના દીકરાનું નામ જેહ છે. જોકે હવે કરીનાની બુક 'પ્રેગ્નન્સી બાઇબલ' રિલીઝ થતાં જ બીજા દીકરાનું નામ જાહેર થયું છે. કરીનાના બીજા દીકરાનું નામ જેહ નહીં, પરંતુ જહાંગીર છે. ઉલ્લેખનીય છે કે કરીનાએ 21 ફેબ્રુઆરીના રોજ દીકરાને જન્મ આપ્યો હતો.
સો.મીડિયા યુઝર્સે જહાંગીર નામ રાખવા બદલ સૈફ-કરીનાને ટ્રોલ કર્યા
સો.મીડિયા યુઝર્સને જ્યારે ખબર પડી કે સૈફ-કરીનાએ દીકરાનું નામ જહાંગીર પાડ્યું છે તો તેમણે ફરી એકવાર તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. સો.મીડિયા યુઝર્સે સવાલ કર્યો હતો કે કરીના-સૈફ મુઘલ શાસકોની ટીમ બનાવવા માગે છે, પહેલાં તૈમુર, હવે જહાંગીર તો ત્રીજો ઔરંગઝેબ?
સો.મીડિયામાં કરીના-સૈફને ટ્રોલ કરતી પોસ્ટ વાઇરલ
‘જેહ’ અને ‘જહાંગીર’નો અર્થ
લેટિન ભાષામાં ‘જેહ’નો અર્થ બ્લૂ કલગીવાળું પક્ષી એવો થાય છે, જ્યારે પારસીમાં જેહનો અર્થ ‘આવવું, લાવવું’ એવો થાય છે. ભારતમાં એવિએશનના પિતામહ અને દિગ્ગજ ઉદ્યોગપતિ એવા જેઆરડી ટાટાનું નામ પણ જહાંગીર રતનજી દાદાભોય ટાટા હતું. પર્શિયન ભાષામાં ‘જહાંગીર’નો અર્થ વિશ્વવિજેતા એવો થાય છે.
કોણ હતો જહાંગીર?
જહાંગીર મુઘલ સમ્રાજ્યનો ચોથો સમ્રાટ હતો. તે અકબરનો દીકરો હતો. તેનું સાચું નામ સલીમ હતું. જોકે તેને શહેનશાહ જહાંગીરના નામથી ઓળખવામાં આવે છે. તેનો જન્મ 30 ઓગસ્ટ, 1569માં થયો હતો. જહાંગીરે 22 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું હતું. જહાંગીર અંગે કહેવાય છે કે તે ક્યારેક ક્રૂર તો ક્યારેક દરિયાદિલ પણ હતો. જહાંગીરે શીખ ગુરુ અર્જુન દેવને મોતની સજા આપી હતી.
તૈમુર વખતે પણ વિવાદ થયેલો
20 ડિસેમ્બર, 2016ના રોજ જ્યારે કરીના કપૂરે પહેલા દીકરાને જન્મ આપ્યો ત્યારે તેનો ગોળમટોળ ચહેરો જોઇને સૌ તેની ક્યુટનેસ પર ઓવારી ગયા હતા, પરંતુ જેવું સૈફ-કરીનાએ દીકરાનું નામ ‘તૈમુર’ છે તેવી જાહેરાત કરી ત્યારે ઇન્ટરનેટ પર પસ્તાળ પડી હતી. લોકો એ વાતે ખફા થઈ ગયેલા કે તેમણે પોતાના દીકરાનું નામ ભારત પર ચડી આવેલા ક્રૂર હુમલાખોર ‘તૈમૂર લંગ’ના નામ પરથી દીકરાનું નામ પાડ્યું છે. આ મુદ્દે જબ્બર ટ્રોલિંગ પણ ચાલ્યું હતું.
તૈમુરના નામ અંગે કરીના-સૈફે શું ચોખવટ કરી હતી?
2018માં એક મીડિયા કન્ક્લેવમાં આ વિશે વાત કરતાં કરીનાએ કહેલું કે ‘પ્રેગ્નન્સી વખતે સૈફે મને કહેલું કે આપણે આપણા દીકરાનું નામ ફૈઝ પાડીએ. એ ખાસ્સું પોએટિક અને રોમેન્ટિક નામ છે, પણ મેં ના પાડી. મેં કહ્યું કે જો આપણને દીકરો આવશે તો હું તેને ફાઇટર બનાવીશ. તૈમુરનો અર્થ થાય છે લોખંડ, અને હું એક આયર્ન મેન (લોખંડી પુરુષ)ને જન્મ આપીશ. મને ગર્વ છે કે મેં તેનું નામ તૈમુર પાડ્યું છે.’
સૈફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, 'મને આ નામ પાછળના ઈતિહાસની ખબર છે. આ જ કારણે મેં મારા દીકરાનું નામ તિમૂર નથી રાખ્યું. મને ખ્યાલ છે કે તે એક તુર્કી શાસક હતો અને ઘણો જ ક્રૂર હતો. તેનું નામ તિમૂર હતું અને મારા દીકરાનું નામ તૈમુર છે. બંને એક જેવા લાગે છે, પરંતુ એક નથી. ભૂતકાળને આજના લેન્સથી જોવાની હવે જરૂર નથી. એક નામથી કંઈ ફરક પડતો નથી. અશોક પણ હિંસક નામ છે અને એ જ રીતે અલેક્ઝેન્ડર પણ આ જ પ્રકારનું નામ છે. તૈમુરનો અર્થ લોખંડ થાય છે. આશા છે કે તૈમુર પ્રેમ, શાંતિ તથા ગુડ વેલ્યુની સાથે મોટો થશે. તૈમુર ઉદારવાદી, બેલેન્સ્ડ તથા ઓપન માઇન્ડેડ હશે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.