200 કરોડ ખંડણી કેસ:ઠગ સુકેશનો ED સમક્ષ ઘટસ્ફોટ; શિલ્પા શેટ્ટી-શ્રદ્ધા કપૂરને ઓળખતો હોવાની વાત સ્વીકારી, હિંદી ફિલ્મ પ્રોડ્યૂસ કરવાનો હતો

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુકેશે જેકલીન ફર્નાન્ડિઝ તથા નોરા ફતેહીને મોંઘી ગિફ્ટ્સ આપી હોવાનો ચાર્જશીટમાં ખુલાસો

200 કરોડ ખંડણી કેસના આરોપી સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડ્રિંગ કેસમાં હવે નવો જ ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધી ED (ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ)ની રડાર પર જેકલીન ફર્નાન્ડિઝ તથા નોરા ફતેહી હતી. હવે સુકેશનું કનેક્શન અન્ય બોલિવૂડ એક્ટ્રેસિસ સાથે હોવાનું સામે આવ્યું છે.

EDની પૂછપરછમાં સુકેશે શ્રદ્ધા કપૂર તથા શિલ્પા શેટ્ટીની સાથે કનેક્શન હોવાની વાત સ્વીકારી છે. સુકેશે EDને કહ્યું હતું કે તે શ્રદ્ધા કપૂરને વર્ષ 2015થી ઓળખે છે. તેણે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) કેસમાં શ્રદ્ધાની મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો હતો અને તે સંદર્ભે શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.

હરમન બાવેજા જૂનો મિત્રો
સુકેશે એવો પણ દાવો કર્યો છે કે તે એક્ટર હરમન બાવેજાને ઓળખે છે. સુકેશના મતે હરમન બાવેજા તેનો જૂનો મિત્ર છે. તે હરમનની આગામી ફિલ્મ 'કેપ્ટન' કો-પ્રોડ્યૂસ કરવાનો હતો. આ ફિલ્મમાં કાર્તિક લીડ રોલમાં છે. સુકેશે એમ પણ કહ્યું હતું કે તેણે રાજ કુંદ્રાના લીગલ કેસ અંગે શિલ્પા શેટ્ટીનો સંપર્ક કર્યો હતો. નોંધનીય છે કે રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી કેસમાં જુલાઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને બે મહિને જામીન મળ્યા હતા.

શિલ્પાનો સંપર્ક કર્યો હતો
શિલ્પા શેટ્ટી સાથેના સંબંધો અંગે સુકેશે કહ્યું હતું કે શિલ્પા તેની મિત્ર છે. તેણે રાજ કુંદ્રાને જામીનની શરતો અંગે શિલ્પાનો સંપર્ક કર્યો હતો. સુકેશના આ ઘટસ્ફોટ બાદ શ્રદ્ધા કપૂર, હરમન બાવેજા, શિલ્પા શેટ્ટી પણ EDની રડારમાં આવી ગયા છે.

સુકેશે જેકલીનના મમ્મી-ભાઈ તથા બહેન પાછળ પૈસા વાપર્યા
સુકેશે જેકલીનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જીમ વેર, એક જોડી લુઇ વીટનના શૂઝ, બે જોડી હીરાની ઇયરરિંગ્સ, માણેકનું બ્રેસલેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસલેટ, 15 જોડી ઇયરરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આટલું જ નહીં સુકેશે જેકલીનની માતાને પોર્શે કાર તથા 1.8 લાખ ડોલર આપ્યા હતા. સુકેશે ઓસ્ટ્રેલિયામાં રહેતા જેકલીનના ભાઈને 15 લાખ રૂપિયા આપ્યા હતા. ચાર્જશીટ પ્રમાણે, સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાથી વધુની ગિફ્ટ આપી હતી. ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. સુકેશે જેકલીન ફર્નાન્ડિઝના ભાઈ-બહેનને પણ પૈસા આપ્યા હતા. EDએ જેકલીનના નિકટના સાથીઓ તથા સ્ટાફની પૂછપરછ કરી હતી.

એક્ટ્રેસે કહ્યું હતું કે અમેરિકામાં રહેતી તેની બહેનને સુકેશે 1.5 લાખ ડોલરની લોન આપી હતી. પૂછપરછમાં જેકલીને કહ્યું હતું કે તે સુકેશને ફેબ્રુઆરી, 2017થી ઓળખે છે. જોકે, ઓગસ્ટ, 2021માં સુકેશની ધરપકડ થઈ ત્યારબાદથી તે સુકેશને ક્યારેય મળી નથી. તેણે એવું કહ્યું હતું કે તે સન ટીવીનો માલિક છે અને જયલલિથાના પરિવારમાંથી આવે છે.

200 કરોડની ખંડણીનો કેસ
17 વર્ષની ઉંમરથી અપરાધની દુનિયાનો ભાગ રહ્યો છે. થોડાં મહિના પહેલાં સુકેશે તિહાર જેલની અંદરથી એક મોટા બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી લીધી હતી, જેમાં RBL (ધ રત્નાકર બેંક) બેંકના અધિકારીઓ સહિત તિહાર જેલના કેટલાંક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના ચેન્નઇ સ્થિત બંગલામાં EDએ દરોડા પાડ્યા હતા. ED ઇસ્ટે કોસ્ટ રોડ પર આવેલા સુકેશના બંગલામાં દરોડા પાડ્યા ત્યારે મોટી માત્રામાં રોકડ રકમ તથા 15 લક્ઝૂરિયસ કાર જપ્ત કરી છે. આટલું જ નહીં આ બંગલાની કિંમત કરોડોમાં હોવાનું અનુમાન છે. સુકેશની પત્ની લીનાની પણ EDએ પૂછપરછ કરી હતી. સુકેશની સ્પેશિયલ સેલે ખંડણી કેસમાં ધરપકડ કરી હતી.