આર્યન ખાન ડ્રગ્સ કેસ:દીકરો જેલમાં હોવાથી ચિંતાતુર શાહરુખ-ગૌરી આર્થર રોડ જેલમાં સતત ફોન કરીને તબિયત અંગે પૂછી રહ્યા છે

મુંબઈ3 મહિનો પહેલા
  • આર્યન ખાન 8 ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં બંધ છે

શાહરુખ ખાનનો દીકરો આર્યનની NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ ત્રીજી ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. આર્યનની ધરપકડ બાદથી જ શાહરુખ તથા ગોરી એકદમ ભાંગી પડ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે, શાહરુખ-ગૌરીને રાત્રે સરખી ઊંઘ પણ આવતી નથી. તેઓ દિવસમાં અનેક ફોન કરીને આર્યનની તબિયતની અપડેટ લઈ રહ્યા છે.

શાહરુખ-ગૌરી સતત ટેન્શનમાં રહે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુશ્કેલ સમયમાં શાહરુખ તથા ગૌરી તૂટી ગયા છે. આર્યનની ધરપકડ બાદ તરત જ શાહરુખ ખાને કાયદાકીય સલાહ માગી હતી અને દેશના અનેક જાણીતા વકીલોનો સંપર્ક કર્યો હતો. વકીલ સતીશ માનશિંદેએ 'કિંગ ખાન'ને આશ્વાસન આપ્યું હતું કે આર્યન ટૂંક સમયમાં જ બહાર આવી જશે. જોકે, આર્યનની જામીન અરજી એ આધારે ફગાવવામાં આવી કે આ 'અનમેન્ટેનેબલ' હતી. કોર્ટના આ આદેશથી શાહરુખ તથા ગૌરી એકદમ ભાંગી પડ્યા હતા.

કોર્ટે 13 ઓક્ટોબરે સુનાવણી કરવાનો આદેશ આપ્યો
એકવાર જામીન અરજી ફગાવ્યા બાદ સતીશ માનશિંદેએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. અહીંયા 11 ઓક્ટોબરના રોજ સુનાવણી થઈ હતી. આ સમયે આર્યન તરફથી સીનિયર એડવોકેટ અમિત દેસાઈ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 2002માં હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને અમિત દેસાઈએ છોડાવ્યો હતો. સેશન્સ કોર્ટે 13 ઓક્ટોબરના રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.

જેલમાં અનેકવાર ફોન કરે છે
આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં છે. આર્યનની તબિયત અંગે શાહરુખ તથા ગૌરી સતત આર્થર રોડ જેલમાં ફોન કરે છે. તેમને દીકરાની તબિયતની ઘણી જ ચિંતા છે. આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલની બેરક નંબર 1માં ક્વૉરન્ટિ છે. બેરકમાં માત્ર એક પંખો છે. આટલું જ નહીં અહીંયા આર્યન ખાને બ્લેન્કેટ પણ શૅર કરવો પડે છે. તેની સાથે અરબાઝ મર્ચન્ટ છે.

જેલમાં જરૂરી સામાન મોકલાવ્યો હતો
આર્યન જ્યારે 8 ઓક્ટોબરે જેલમાં ગયો ત્યારે શાહરુખનો સ્ટાફ જરૂરિયાતનો સામાન તથા ટિફિન લઈને જેલમાં ગયો હતો. જોકે જેલ ઑથોરિટીએ તેમને અંદર આવવાની પરવાનગી આપી નહોતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં NCB કસ્ટડીમાં ગૌરી ખાન દીકરા માટે બર્ગર લઈને ગઈ હતી અને ત્યારે પણ NCBએ ના પાડી દીધી હતી.

શૂટિંગ પણ અચોક્કસ સમય માટે બંધ કર્યું
દીકરાની ધરપકડની અસર શાહરુખની પ્રોફેશનલ લાઇફ પર પણ પડી છે. શાહરુખ 'પઠાન'ના શૂટિંગ માટે સ્પેન જવાનો હતો. જોકે, તે પોસ્ટપોન કરી દેવામાં આવ્યું છે. એટલીનું શૂટિંગમાં પણ શાહરુખ ખાન જતો નથી. શાહરુખ ખાને છેલ્લી ઘડીએ અજય દેવગન સાથેની જાહેરાતનું શૂટિંગ કેન્સલ કરી નાખ્યું હતું.