ભાસ્કર એક્સક્લૂઝીવ:સોનુ સૂદના નિકટના સાથીનો દાવોઃ ભાજપે પદ્મશ્રીની ઑફર કરી હતી, સોનુએ જવાબ ના આપ્યો, આજે ત્રીજા દિવસે પણ દરોડા ચાલુ

મુંબઈએક મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • સોનુ સૂદના ઘરે 15 સપ્ટેમ્બરના રોજ ITના દરોડા પડ્યા હતા.

સોનુ સૂદના ઘર-ઓફિસ સહિત છ જગ્યાએ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા છે. સતત ત્રીજા દિવસે પણ કાર્યવાહી ચાલુ છે. સૂત્રોએ દાવો કર્યો છે કે IT ડિપાર્ટમેન્ટને દરોડા દરમિયાન અંગત ફાઇનાન્સ સાથે જોડાયેલી એક બાબતમાં ટેક્સની ગેરરીતિ જોવા મળી છે. શૂટિંગ માટે સોનુએ જે પણ ફી લીધી હતી, તેમાં પણ અનિયમિતતા જોવા મળી છે. ઇનકમ ટેક્સ વિભાગ સોનુના ચેરિટી ફાઉન્ડેશનના અકાઉન્ટની પણ તપાસ કરે છે. સોનુ સૂદના નિકટના સાથીઓએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે સોનુ સૂદને ભાજપ તરફથી પદ્મશ્રીની ઑફર કરવામાં આવી હતી, પરંતુ સોનુએ કોઈ જવાબ આપ્યા વગર વિનમ્રતાથી ના પાડી દીધી હતી. નિકટના સાથી સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશો

શું IT અધિકારીઓએ શુક્રવારે પણ કાર્યવાહી કરી હતી?
હા, શુક્રવારે કાર્યવાહી પૂરી થવાની હતી. ત્રણ દિવસ સુધી સતત મહેનત કરી, પરંતુ કંઈ જ મળ્યું નહીં.

આરોપ છે કે NGO અથવા ફાઉન્ડેશનમાં અનઆઇડેન્ટિફાઇડ રકમ પણ છે?
આ ખોટો આરોપ છે. અમારા ત્યાં એક રૂપિયાનું દાન કરવાની ઈચ્છા હોય તો પણ પાન કાર્ડ નંબર માગવામાં આવે છે. જો પાન નંબર ના આપે તો અમારું પોર્ટલ રિજેક્ટ કરે છે. આ રીતે આઇડેન્ટિફાઇડ રૂપિયા જ દેશ તથા દુનિયાના લોકો સ્વેચ્છાએ ડોનેટ કરે છે. હૈદરાબાદમાં એક બાળકી દસ વર્ષની હતી. તેને જન્મદિવસ પર 10 હજારની ગિફ્ટ મળી હતી. તેણે અમારા ફાઉન્ડેશનમાં આ ગિફ્ટ આપી. બેંગલુરુની એક વ્યક્તિ પોતાના પગારના 10% ફાઉન્ડેશનને આપે છે. અનેક ઉદાહરણો છે. હવે આ બધું અનઆઇડેન્ટિફાઇડ કેવી રીતે થઈ ગયું.

આરોપ છે કે સિંગાપોરમાં પણ એક ઓફિસ છે?
કોઈ ઓફિસ નથી. હજી છ મહિના પહેલાં સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરવામાં આવી છે તો બીજી ઓફિસ કેવી રીતે શરૂ કરીશું. દુબઈમાં એક મેનેજર રહે છે. ઓફિસ તો મુંબઈમાં જ છે. સંસ્થાએ કેટલા લોકોને અત્યાર સુધી મદદ કરી, તેની ગણતરી કરવા બેસીએ તો 25 દિવસ થશે.

બધું જ વ્યવસ્થિત છે તો દરોડા કે સર્વે કેમ? વિદેશમાંથી લોકોને દેશમાં લાવ્યા તેના પૈસા ક્યાંથી આવ્યા હતા?
મારા મતે, તે લોકો કંટાળી ગયા હતા. તો તેમણે વિચાર્યું કે ચલો જરા ધમાકેદાર રીતે સોનુ સૂદને મળીએ. દરેક જગ્યાએ ફંડિંગ નથી. ઘણી જગ્યાએ અમને વિમાન કંપનીઓએ મદદ કરી છે. સામાન્ય રીતે જે ટિકિટ 45 હજાર રૂપિયાની હતી, તેના અમારી પાસેથી 30 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. વિદેશથી જેટલા પણ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા, તેમાં અમે ક્યાંય કહ્યું નથી કે અમે રકમ ચૂકવી છે. અમે માત્ર એટલું જ કહ્યું કે વ્યવસ્થા કરી આપી છે. તમામ દસ્તાવેજો અમારી પાસે છે. રહી વાત રેમડિસિવર ઇન્જેક્શનની તો તેમાં વિવિધ રાજ્યોએ મદદ કરી હતી. હોસ્પિટલ સાથે ટાઇ-અપ હતું. માર્કેટ રેટ પર દસ લાખની સર્જરી ફાઉન્ડેશને દોઢ લાખમાં કરી આપી હતી.

સોનુ સૂદ પદ્મશ્રી અવોર્ડ લેવા માગતો?
ના, ના, ના, બિલકુલ નહીં. અમારો કોઈ પોલિટિકલ એજન્ડા નથી. સોનુએ ક્યારેય પોતાને આવા અવોર્ડ માટે નોમિનેટ કર્યો નથી. સાચું કહું તો પદ્મશ્રી અવોર્ડની ઑફર આવી હતી, પરંતુ સોનુએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. સોનુને ક્યારેય ભાજપ તરફથી અવોર્ડની ઈચ્છા નહોતી. કોરોનાકાળમાં સોનુએ કોઈ પ્રકારના અવોર્ડની ઈચ્છાને કારણે મદદ કરી નહોતી. તેણે બદલામાં કંઈ જ જોઈતું નથી.

પ્રેસ કોન્ફરન્સ થાય તેવી શક્યતા
કહેવાય છે કે આજે (17 સપ્ટેમ્બર) કાર્યવાહી પૂરી થઈ શકે છે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની માહિતી જાહેર કરી શકે છે. ટીમે સોનુની અકાઉન્ટ બુક, આવક, ખર્ચ તથા ફાઇનાન્શિયલ રેકોર્ડ્સની તપાસ કરી છે. ગુરુવાર, 16 સપ્ટેમ્બરના રોજ નાનકડા બ્રેક બાદથી ટીમ સતત મુંબઈ તથા લખનઉની જગ્યા પર તપાસમાં વ્યસ્ત છે.

સ્ટાફ-પરિવારની પૂછપરછ
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સોનુના ઘરમાં હાજર પરિવાર તથા સ્ટાફની પૂછપરછ કરી છે. અધિકારીઓ કેટલીક ફાઇલ તેમની સાથે લઈ ગયા છે. કોરોનાકાળમાં સોનુએ હજારો લોકની મદદ કરી હતી. સોનુએ સ્વૈચ્છિક સંસ્થા 'સૂદ ચેરિટી ફાઉન્ડેશન'ની શરૂઆત કરી છે. આ સંસ્થા હેલ્થકેર, એજ્યુકેશન, નોકરી તથા ટેક્નિકલ એડવાન્સમેન્ટ પર કામ કરે છે. અધિકારીઓએ અહીંયા પણ તપાસ કરી હતી. સૂત્રોના મતે, ઇનકમ ટેક્સ વિભાગ એક રિયલ એસ્ટેટની ડીલની તપાસ કરી રહ્યું છે.

એક ફિલ્મની ફી 2 કરોડ રૂપિયા
caknowledge.comના અહેવાલ પ્રમાણે, સપ્ટેમ્બર, 2021માં સોનુની કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા છે. સોનુ પત્ની તથા બાળકો સાથે મુંબઈમાં રહે છે. હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા પંજાબી ફિલ્મમાં કામ કર્યું છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયાની ફી લે છે. સોનુનું પોતાનું પ્રોડક્શન હાઉસ શક્તિ સાગર છે, જે તેના પિતાના નામ પર છે. સોનુએ અત્યાર સુધી 70 ફિલ્મમાં કામ કર્યું છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તથા ફિલ્મથી સોનુ દર મહિને એક કરોડની કમાણી કરે છે. વર્ષે 12 કરોડ કમાય છે.

ઘર તથા કાર કલેક્શન
સોનુ પરિવાર સાથે મુંબઈના અંધેરીના લોખંડવાલામાં 2600 સ્કેવર ફૂટના 4 BHK (બેડરૂમ, હોલ, કિચન) અપાર્ટમેન્ટમાં રહે છે. મુંબઈમાં બીજા બે ફ્લેટ છે. તેના વતન મોગામાં એક બંગલો છે. જુહૂમાં એક હોટલ છે. લૉકડાઉનમાં સોનુએ પોતાની હોટલને આઇસોલેશન સેન્ટર બનાવી દીધું હતું. સોનુ પાસે 66 લાખની મર્સિડિઝ બેન્ઝ, 80 લાખની ઓડી તથા 2 કરોડની પોર્શે કાર છે.

થોડાં દિવસ પહેલાં કેજરીવાલ સરકારે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો
27 ઓગસ્ટના રોજ દિલ્હી સરકારે સોનુ સૂદને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંબંધિત પ્રોગ્રામનો બ્રાન્ડ-એમ્બેસેડર બનાવ્યો છે. આ દરમિયાન તે આમ આદમી પાર્ટીમાં સામેલ થશે એવી અટકળો પણ ચાલી રહી હતી. જોકે, સોનુએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે આ અંગે કોઈ વાત થઈ નથી. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે AAP પાર્ટીની સાથે જોડાવવાને કારણે સૂદને ટાર્ગેટ કરવામાં આવ્યો છે.