ધનશ્રી વર્માએ શેર કર્યો નવો વીડિયો:કોરિયોગ્રાફર ઘૂંટણની સર્જરી બાદ કામ પર પરત ફરવા તૈયાર, કહ્યું- આઇ એમ ચેમ્પિયન

3 મહિનો પહેલા

સો.મીડિયા સેન્સેશન કોરિયોગ્રાફર ધનશ્રી તથા ઇન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ થોડા સમય પહેલાં ચર્ચામાં આવ્યાં હતાં. ધનશ્રીએ પોતાના સો.મીડિયા હેન્ડલ પરથી 'ચહલ' સરનેમ હટાવી દીધી હતી. આ બાદ યુઝવેન્દ્ર ચહલે સ્પષ્ટતા કરી હતી. ધનશ્રીએ 7 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધનશ્રીએ ઇજાથી લઈને સર્જરી સુધીની સફર દેખાડી છે. થોડા સમય પહેલાં એક ડાન્સ સેશન દરમિયાન ધનશ્રીનું એક લિગામેન્ટ ફાટ્યું હતું, જેને કારણે સર્જરી કરાવવાની નોબત આવી હતી. આ વીડિયોને શેર કરતાં તેણે લખ્યું છે કે 'તે એક ચેમ્પિયન છે અને સ્વસ્થ થયા બાદ તરત જ પરત ફરશે.'

રિહર્સલ દરમિયાન થઈ હતી ઇજા
આ વીડિયોમાં ધનશ્રીને ડાન્સ રિહર્સલ દરમિયાન કેવી રીતે તેને ઇજા થઈ એ અંગે પણ જણાવ્યું હતું. આ ઇજાને કારણે તેને ઘૂંટણની ફિઝિયોથેરપી અને સર્જરી કરાવી પડી હતી, જેની નાની-નાની ક્લિપ્સ આ વીડિયોમાં જોવા મળે છે. આ સિવાય વીડિયોમાં ધનશ્રી વોકરનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયોની સાથે ધનાશ્રીએ કેપ્શનમાં લખ્યું છે કે "હું એક ચેમ્પિયન છું અને તમે મને સિંહ કરતાં પણ વધારે ગર્જના કરતાં સાંભળશો. એકલા લડવા માટે મજબૂત બનો અને તમારા વારાની રાહ જોવા માટે સમજદાર બનો. મુશ્કેલ સમય આવશે અને જશે, પરંતુ તમારા આસપાસના લોકોને સમજો અને દરેક અનુભવમાંથી કંઈક ને કંઈક શીખો. મને થોડો સમય લાગ્યો, પણ હવે હું તૈયાર છું.

ઓનલાઇન ક્લાસથી મિત્રતા શરૂ થઈ હતી
યુઝવેન્દ્ર ચહલ તથા ધનશ્રી વર્મા પહેલીવાર ઓનલાઇન ક્લાસ દરમિયાન એકબીજાને મળ્યાં હતાં. ચહલે ડાન્સ શીખવા માટે ધનશ્રીના ક્લાસમાં એડમિશન લીધું હતું અને અહીંથી બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી.

2020માં સંબંધો ઓફિશિયલ કર્યા
9 ઓગસ્ટ, 2020ના રોજ યુઝવેન્દ્રે રોકા સેરેમનીની જાહેરાત કરીને ચાહકોને સરપ્રાઇઝ આપી હતી. તેણે ધનશ્રી સાથેની તસવીર શૅર કરીને રિલેશન ઑફિશિયલ કર્યા હતા. 22 ડિસેમ્બર, 2020માં બંનેએ લગ્ન કર્યાં હતાં. ધનશ્રી અવારનવાર ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે.

યુઝવેન્દ્રના કરિયરની વાત કરીએ તો તેણે ટીમ ઇન્ડિયા માટે 67 વન-ડેમાં 118 વિકેટ લીધી છે. IPLમાં યુઝવેન્દ્રે અત્યારસુધી 131 મેચ રમીને 166 વિકેટ લીધી છે. હાલમાં યુઝવેન્દ્ર રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો છે.