ચિલ્ડ્રન્સ ડે સ્પેશિયલ:આ ભાઈ-બહેને 8-10 વર્ષની ઉંમરમાં બિગ બી, SRK જેવા સ્ટાર્સ સાથે 90 એડમાં કામ કર્યું, ફેસબુકથી પહેલી જાહેરાત મળી હતી

મુંબઈ2 મહિનો પહેલાલેખક: રાજેશ ગાબા
  • સેટ પર સ્ટાર ટ્રીટમેન્ટઃ અમિતાભે આઇસક્રીમ ઓર્ડર કર્યો પછી શૂટિંગ શરૂ થયું
  • એટલા લોકપ્રિય છે કે ટીચર્સ પણ ફોટો ક્લિક કરાવે છે, ઓટોગ્રાફ પણ માગે છે

8 વર્ષની નિત્યા તથા 10 વર્ષનો દેવ મોયલ આજે ઘેરઘેર જાણીતા છે. બંનેએ સાથે મળીને એડ ફિલ્મમાં ધમાલ મચાવી દીધી છે. બંનેની એડ ફિલ્મનો સરવાળો કરીએ તો 90થી વધુ થાય છે. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અજય દેવગન, કાજોલ સહિત બિગ સ્ટાર્સ સાથે આ ભાઈ-બહેને કામ કર્યું છે.

આ બંને ભાઈ-બહેન સાથે ભણે છે, ધમાલ કરે છે, એક પિયાનો વગાડે છે, બીજો ગીત ગાય છે. લાઇટ, કેમેરા, એક્શનના અવાજની સાથે ગ્લેમરની ચમક-દમક સાથે બિગ સ્ટાર્સ સાથે કામ કરવું તેમના માટે સામાન્ય છે. આજે (14 નવેમ્બર) ચિલ્ડ્રન્સ ડે પર અમે તમને આ બંને નાના કલાકારોની વાત કરીએ છીએ.

બંનેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઘણી વાતો કરી હતી.

સવાલઃ પહેલી એડ કઈ હતી, શૂટિંગનો અનુભવ કેવો રહ્યો?
નિત્યાઃ શૂટિંગમાં બહુ મજા આવે છે. ભગવાનને યાદ કરું છું તો મારું શૂટ સારું જાય છે અને જલ્દીથી થઈ જાય છે.
દેવઃ હું સેટ પર ઘણી જ મસ્તી કરું છું. સ્ક્રિપ્ટ યાદ કરતાં સમયે ફોકસ રાખું છું અને મમ્મી મદદ કરે છે તો સ્પીડમાં થઈ જાય છે.

સવાલઃ સેલેબ્સ સાથેનો શૂટિંગ અનુભવ કેવો રહ્યો?
નિત્યાઃ સંતૂરની જાહેરાતમાં મજા આવી હતી, તેમાં મહેશબાબુ અને મારો ફેવરિટ વરુણ ધવન હતો. તે વધુ બોલતો નથી. મેં તેમની સાથે ફોટો ક્લિક કરાવી હતી અને તે ઘણો જ સ્વીટ હતો. અજય દેવગન અંકલ સાથે પણ જાહેરાત કરી હતી ત્યારે મેં તેમને કહ્યું હતું કે મારા ભાઈ દેવે કાજોલ આંટી સાથે જાહેરાતમાં કામ કર્યું છે. શાહરુખ અંકલની સાથે બાયજૂસની એડ કરી ત્યારે સેટ પર મસ્તી કરી હતી.
દેવઃ અમિતાભ બચ્ચન અંકલ ઘણાં જ સ્વીટ છે. જ્યારે હું તેમની સાથે જ્યૂપિટરની જાહેરાત કરતોહ તો ત્યારે તેમણે મારા તથા નિત્યા માટે આઇસક્રીમ ઓર્ડર કર્યો હતો. તેમણે સેટ પર એમ કહ્યું હતું કે જ્યાં સુધી બાળકો માટે આઇસક્રીમ નહીં આવે ત્યાં સુધી શૂટિંગ કરશે નહીં. તો દિયા આંટી તથા કાજોલ આંટી સાથે સેટ પર બહુ ગેમ્સ રમતો હતો.

સવાલઃ સ્કૂલમાં બધાનું વર્તન કેવું હોય છે?
નિત્યાઃ મારી સૌથી પોપ્યુલર એડ કોલગેટની હતી, તેમાં મારું ઓડિશન વખતે આન્યા હતું. તેમણે મારું અસલી નામ નિત્યા એડમાં રાખ્યું હતું. આ જાહેરાત આવ્યા બાદ મારા ફ્રેન્ડ્સ મને છોટા પેકેટ કહીને બોલાવવા લાગ્યા હતા. શરૂઆતમાં ગુસ્સો આવતો, પરંતુ પછી સારું લાગ્યું.
દેવઃ શરૂઆતમાં જાહેરાતમાં કામ કરવું ગમતું નહોતું, પરંતુ અમારા શોટ બાદ બધા વખાણ કરતાં ત્યારે ગમતું. સ્કૂલમાં પણ ટીચર્સ અમારી સાથે ફોટો ક્લિક કરાવે છે. લોકો ઓટોગ્રાફ માગે છે.

સવાલઃ લૉકડાઉનમાં કેવી રીતે સમય પસાર કર્યો?
નિત્યાઃ લૉકડાઉનમાં મેં અને દાદા બહુ રમ્યા. ઓનલાઇન ક્લાસ એટેન્ડ કર્યાં. સાથે જ રીલ્સ પણ બનાવી. દાદા પિયાનો વગાડે અને હું સિંગિંગ કરતી હતી.
દેવઃ હું ગુરુ સેમી રુબેન પાસેથી પિયાનો શીખી રહ્યો છું.

ફેસબુકના માધ્યમથી પહેલી એડ મળી
દેવ તથા નિત્યાની મમ્મી મીનુ મોયલે કહ્યું હતું કે તેઓ બાળકોના ફોટો ફેસબુક પર પોસ્ટ કરતા હતા. એક પ્રોડક્શન હાઉસે તસવીર જોઈ અને ફોન કર્યો હતો. સૌથી પહેલાં વીડિયોકોન DTHની જાહેરાત મળી હતી. આ રીતે ત્રણ એડ દેવને અને એક નિત્યાને મળી હતી.

રવિવારે શૂટિંગ હોય, હવે તો બાળકો સ્પીડમાં કરી નાખે છે
વધુમાં મીનુએ કહ્યું હતું કે મોટાભાગે શૂટિંગ વીકેન્ડ પર હોય છે. પ્રોડક્શન ટીમ, ડિરેક્ટર તથા સ્કૂલના ટીચર્સ કો-ઓપરેટ કરે છે. આઠથી 10 કલાકની શિફ્ટ હસતા રમતા થઈ જાય છે. હવે તો આ બંનેએ એટલી જાહેરાતો કરી છે કે તેમને માટે આ બધું સરળ થઈ ગયું છે. તેઓ ફટાફટ શૂટિંગ કરી નાખે છે.

નિત્યા-દેવના પપ્પા હરીશે કહ્યું હતું કે તે મ્યૂઝિક સાથે જોડાયેલા છે અને સિંગર છે. લાઇવ શો માટે ટ્રાવેલ કરે છે. મોટાભાગે મીનુ જ શૂટિંગ પર સાથે હોય છે.

ચાઇલ્ડ આર્ટિસ્ટને રોજના 10-50 હજાર મળે છે
સેલેબ્સને દરેક એડ માટે લાખો રૂપિયા મળે છે તો ચાઇલ્ડ આર્ટિસ્ટની પણ કમાણી ઓછી નથી. તેમને દિવસના હિસાબે 10-50 હજાર રૂપિયા મળે છે. આ ફી બ્રાન્ડ, સેલેબ્સ, કામ સહિતની બાબતો પર આધાર રાખે છે.