કોરોનાકાળમાં ધૂમ ખરીદી:બોલિવૂડની ખો નીકળી ગઈ છતાં સેલેબ્સે ખરીદી કરોડોની પ્રોપર્ટી; અમિતાભ-પ્રભાસ-સની લિયોની સહિતના 30 કલાકારોએ ચણા-મમરાની જેમ પ્રોપર્ટી લીધી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કોરોનાકાળમાં રણવીર સિંહ, કરન જોહર, કાર્તિક આર્યન, સોનાક્ષી સિંહા, અર્જુન કપૂર, કરિના કપૂર સહિતના સ્ટાર્સે નવી પ્રોપર્ટી ખરીદી.

કોરોનાની બે-બે લહેરથી દેશના મોટાભાગના વેપાર-ધંધાને માઠી અસર પહોંચી છે, તેમાં પણ ખાસ કરીને એન્ટરટેઇનન્ટ ઈન્ડસ્ટ્રીની ખો નીકળી ગઈ છે. લાંબા સમય સુધી સિનેમા બંધ રહેતા અનેક ફિલ્મ અટકી પડી છે, જેથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારોથી લઈને ક્રૂ મેમ્બર્સને નવરા બેસી રહેવાનો વારો આવ્યો છે. જોકે, મંદી હોવા છતાં બોલિવૂડ બિગ સેલેબ્સને બહુ અસર થઈ નથી એ પણ એટલી જ હકીકત છે. આ સેલેબ્સે છેલ્લાં એક વર્ષમાં જે રીતે પ્રોપર્ટી ખરીદી છે, એ આ વાતનો પુરાવો છે. અમિતાભથી લઈને પ્રભાસ સુધી, કરીના કપૂરથી લઈને સની લિયોની સુધી અનેક કલાકારોએ કરોડો રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. અંદાજે 31 સેલેબ્સે ગયા વર્ષે કાં તો લક્ઝુરિયસ ઘર કાં તો મોંઘીદાટ કાર ખરીદી છે. તો આવો નજર કરીએ કોરોનાકાળમાં પણ કરોડો રૂપિયાની પ્રોપર્ટી ખરીદનાર સેલેબ વિશે..

એપ્રિલ, 2020થી ઓગસ્ટ, 2021 સુધીમાં કરોડોની ખરીદી કરનારા સેલેબ્સ

અમિતાભ બચ્ચને સપ્ટેમ્બર, 2020માં વ્હાઇટ રંગની મર્સિડિઝ બેન્ઝ S ક્લાસ ખરીદી હતી. આ કારની કિંમત અંદાજે 1.35 કરોડ હોવાનું ચર્ચાય છે. અમિતાભ બચ્ચને ડિસેમ્બર, 2020માં મુંબઈમાં અંધેરીમાં અટલાન્ટિસમાં 27-28 માળે ડુપ્લેક્સ ખરીદ્યું છે. આ ડુપ્લેક્સની કિંમત અંદાજે 31 કરોડ રૂપિયા છે. આ ઘરનું રજિસ્ટ્રેશન એપ્રિલ, 2021માં કરવામાં આવ્યું હતું. આ ડુપ્લેક્સ 5184 સ્કેવર ફુટનું છે અને સાથે છ કાર પાર્કિંગ પણ છે.

અજયે મુંબઈના જુહૂ વિસ્તારમાં નવો બંગલો ખરીદ્યો છે. ચર્ચા છે કે આ નવો બંગલો 60 કરોડ રૂપિયાનો છે. આ બંગલો 6500 સ્કેવર ફુટમાં ફેલાયેલો છે અને 5106 સ્કેવર ફુટમાં કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અજય દેવગને ડીલ ફાઇનલ કરી હતી. કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સ્થિત આ બંગલો સાત મે, 2021ના રોજ વિશાલ ઉર્ફે અજય તથા તેની માતા વીણા વીરેન્દ્ર દેવગનના નામે ટ્રાન્સફર થયો હતો. આ બંગલો પહેલાં ભાવેશ બાલક્રિષ્ના વાલિયાના નામે હતો. ઓક્ટોબર, 2020માં અજયે BMW X7 કાર ખરીદી હતી. આ કારની કિંમત 1.07 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

અર્જુન કપૂરે એપ્રિલ, 2021માં લેન્ડ રોવર કાર ખરીદી હતી. આ કારની કિંમત અંદાજે 1.13 કરોડ રૂપિયા છે. મે, 2021માં અર્જુન કપૂરે બ્રાંદ્રામાં ચાર બેડરૂમનો ફ્લેટ 26મા માળે ખરીદ્યો હતો. આ ફ્લેટની કિંમત 20-23 કરોડની વચ્ચે હોવાનું ચર્ચાય છે.

સની લિયોનીએ માર્ચ, 2021માં મુંબઈમાં અંધેરીમાં અટલાન્ટિસમાં 12મા માળે 16 કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ 4,365 સ્કેવર ફુટનો છે. સની લિયોનીએ સપ્ટેમ્બર, 2020માં બ્રાન્ડ ન્યૂ લક્ઝૂરિયસ કાર મસેરાટી ખરીદી હતી. આ કારની કિંમત અંદાજે 1.31 કરોડ રૂપિયા છે.

સંજય દત્તે ફેબ્રુઆરી, 2021માં પત્ની માન્યતાને ચાર અપાર્ટમેન્ટ ગિફ્ટમાં આપ્યા હતા. સંજય દત્તે બાંદ્રાના પાલી હિલ સ્થિત આવેલી બિલ્ડિંગ ઈમ્પિરિયલ હાઈટ્સમાં ચાર લક્ઝૂરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. સંજય દત્ત આ જ બિલ્ડિંગમાં રહે છે. એક ફ્લેટની કિંમત 26.5 કરોડ હોવાનું કહેવાય છે. એટલે કે ચાર ફ્લેટની કિંમત 100 કરોડથી પણ વધુ થાય છે. સંજય દત્તે ત્રીજા ફ્લોર તથા ચોથા માળે બે ફ્લેટ ખરીદ્યા છે. જ્યારે 11 તથા 12મા માળે પેન્ટ હાઉસ લીધું છે.

આયુષ્માન ખુરાનાએ ભાઈ અપારશક્તિ સાથે મળીને જુલાઈ, 2020માં આ વર્ષે સેક્ટર 6, પંચકુલા, ચંદીગઢમાં પરિવાર માટે બંગલો ખરીદ્યો હતો. આ ઘરની કિંમત અંદાજે 9 કરોડ રૂપિયા છે. આ ઘરમાં આયુષ્માન પત્ની, બે બાળકો, માતા-પિતા, ભાઈ અપાર શક્તિ અને તેના પરિવાર સાથે રહેશે.

આલિયા ભટ્ટે નવેમ્બર, 2020માં મુંબઈના બાંદ્રામાં આવેલા વાસ્તુ પાલી હિલ કોમ્પ્લેક્સમાં 2460 સ્કેવરફુટનું અપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. આ ઘરની કિંમત અંદાજે 32 કરોડ રૂપિયા છે. બાંદ્રાની આ જ બિલ્ડિંગમાં રણબીર કપૂર રહે છે. આલિયાના નવા ઘરનું ઈન્ટિરિયર ગૌરી ખાન કર્યું છે. આલિયા પાસે જુહૂ તથા લંડનમાં એક-એક ઘર છે.

રીતિકે ઓક્ટોબર, 2020માં બે નવા અપાર્ટમેન્ટ ખરીદ્યા છે. બંને ઘર જુહૂ-વર્સોવા લિંક રોડની મન્નત બિલ્ડિંગના 14, 15 તથા 16મા માળે છે. આ ઘર 38 હજાર સ્કેવરફુટના છે. આ અપાર્ટમેન્ટની કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા હોવાનું ચર્ચાય છે. બે ઘરમાંથી એક ઘર ડુપ્લેક્સ તથા એક ઘર પેન્ટહાઉસ છે. રીતિક આ બંને ઘરને ભેગા કરીને એક મેન્શન બનાવશે.

જાહન્વીએ ડિસેમ્બર, 2020માં જુહૂ વિલે પાર્લે સ્કીમની અરાયા બિલ્ડિંગમાં 39 કરોડમાં 3 અપાર્ટમેન્ટ ખરીદ્યા છે. આ સ્કીમ મુંબઈની સૌથી લક્ઝરી અને હાઇફાઇ લોકાલિટીઝમાંની એક છે. 4,144 વર્ગફીટમાં પથરાયેલું જાહન્વી કપૂરનું આ અપાર્ટમેન્ટ બિલ્ડિંગના 14, 15 અને 16મા માળે આવેલું છે.

બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીએ હાલમાં જ મુંબઈના ખાર વિસ્તારમાં 7.12 કરોડનું અપાર્ટમેન્ટ ખરીદ્યું છે. રાની મુખર્જીનો આ ફ્લેટ 4+3 BHK (બેડરૂમ, હોલ, કિચન)નો છે. રાની મુખર્જીએ બાંદ્રા-ખારના રુસ્તમજી પેરેમાઉન્ટમાં આ ફ્લેટ ખરીદ્યો છે. 22 માળની આ બિલ્ડિંગમાં રાનીનો ફ્લેટ 22મા માળે 3545 સ્કેવરફુટનો છે.

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીએ હાલમાં જ મુંબઈના ખાર વિસ્તારમાં 5.95 કરોડ કરોડનું અપાર્ટમેન્ટ ખરીદ્યું છે. બાંદ્રા-ખારના રુસ્તમજી પેરેમાઉન્ટમાં આ ફ્લેટ ખરીદ્યો છે. 22 માળની બિલ્ડિંગમાં દિશાનું અપાર્ટમેન્ટ 16મા માળે છે.

'ખતરો કે ખિલાડી' ફૅમ અર્જુન બિજલાનીએ જુલાઈ, 2021માં જ અંધેરી વેસ્ટમાં 10 કરોડમાં અપાર્ટમેન્ટ ખરીદ્યું છે.

સોમવાર, 16 ઓગસ્ટના રોજ લમ્બોર્ગિનીએ પોતાનું નવું મોડલ ઉરુસ ગ્રેફાઇટ કેપ્સ્યુલ ભારતમાં લૉન્ચ કર્યું હતું. આ કારને ભારતમાં સૌ પહેલાં સાઉથ સુપરસ્ટાર જુનિયર NTRએ ખરીદી છે. આ કારની પહેલી ડિલિવરી હૈદરાબાદમાં કરવામાં આવશે. આ કારની કિંમત 3.15 કરોડ રૂપિયા છે.

માર્ચ, 2021માં પ્રભાસે લમ્બોર્ગિની અવેન્ટાડોર ખરીદી હતી. માનવામાં આવે છે કે આ કાર છ કરોડ રૂપિયાની છે. પ્રભાસની લમ્બોર્ગિની ઓરેન્જ રંગની છે.

જુલાઈ, 2021માં રણવીર સિંહે મર્સિડિઝ મેબેક GLS 600 ખરીદી હતી. આ કારની કિંમત 2.43 કરોડ રૂપિયા છે.

તેલુગુ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ જાન્યુઆરી, 2021માં 1 કરોડ રૂપિયાની રેન્જ રોવર કાર ખરીદી હતી.

ઓગસ્ટ, 2021માં ફિલ્મ ડિરેક્ટર-પ્રોડ્યૂસર-હોસ્ટ કરન જોહરે બ્રાન્ડ ન્યૂ ઓડી A8 L કાર 1.58 કરોડમાં ખરીદી હતી.

માર્ચ, 2021માં શાહિદ કપૂરે BMWનું X7 મોડલ ખરીદ્યું હતું. આ મોડલની કિંમત 92.50 લાખ રૂપિયા છે.

અનિલ કપૂર પત્ની સુનીતા કપૂરને બર્થડે પર મર્સિડિઝ બેન્ઝ GLS ગિફ્ટમાં આપી હતી. આ કારની કિંમત 1 કરોડ રૂપિયા છે.

એપ્રિલ, 2021માં કાર્તિક આર્યને લમ્બોર્ગિની ઉરુસ 4 કરોડમાં ખરીદી હતી. કાર્તિકે સ્પેશિયલ ઈટાલીથી એરલિફ્ટ કરીને કાર ભારત મગાવી છે. સામાન્ય રીતે લમ્બોર્ગિની માટે ત્રણ મહિનાનો વેઈટિંગ પિરિયડ હોય છે, જોકે કાર્તિક રાહ જોવા તૈયાર નહોતો. કાર્તિકે સ્પેશિયલી 50 લાખ રૂપિયા વધારે આપીને કાર ભારત મગાવી છે.

કરીનાએ આ વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. માર્ચ, 2021માં કરીના-સૈફે વ્હાઇટ રંગની મર્સિડિઝ AMG g 63 ખરીદી હતી. આ કારની કિંમત 2 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે.

સૈફ અલી ખાનની દીકરી તથા બોલિવૂડ એક્ટ્રેસ સારાએ માર્ચ, 2021માં મર્સિડિઝ G વેગન કાર ખરીદી હતી. વ્હાઇટ રંગની આ કારની કિંમત 1.3 કરોડ રૂપિયા હોવાની શક્યતા છે.

મલયાલમ ઇન્ડસ્ટ્રીનો જાણીતો એક્ટર તથા પ્રોડ્યૂસર ફરહાદ ફસીલે ઓક્ટોબર, 2020માં પોર્શે 911 કાર 1.90 કરોડમાં ખરીદી હતી. કારને પાયથન ગ્રીન રંગની કરવા માટે વધારાના 5.4 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

બોલિવૂડ એક્ટર તાહિર રાજ ભસીને સપ્ટેમ્બર, 2020માં મર્સિડિઝ બેન્ઝ ખરીદી હતી. આ કારની કિંમત અંદાજે 65 લાખ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે.

કોમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહે માર્ચ, 2021માં પહેલી જ વાર પોતાના પૈસાથી મહિન્દ્રા થાર કાર ખરીદી હતી. આ કારની કિંમત 14 લાખ રૂપિયા છે.

જાન્યુઆરી, 2021માં ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ બ્લેક રંગની વોલ્વો XC90 ખરીદી હતી. આ કારની કિંમત અંદાજે 90 લાખ રૂપિયા છે.

ઓગસ્ટ, 2021માં મનોજ બાજપેયીએ મર્સિડિઝ બેન્ઝ GLS 400d ખરીદી હતી. આ કારની કિંમત 69 લાખ રૂપિયાની છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવતી પલક સિધવાણીએ જાન્યુઆરી, 2021માં હ્યુન્ડાઈ I20 કાર ખરીદી હતી. આ કારની કિંમત અંદાજે 11-12 લાખ હોવાનું માનવામાં આવે છે. પલકે સપ્ટેમ્બર, 2020માં નવું ઘર ખરીદ્યું હતું. જોકે, પલકે મુંબઈમાં ખરીદેલા ઘર કિંમત કેટલી છે, તે માહિતી મળી શકી નથી.

ટીવી એક્ટ્રેસ માહી વીજે તાજેતરમાં જ પોતાના પેરેન્ટ્સને મુંબઈમાં ઘર ગિફ્ટ કર્યું છે. માહી શરૂઆતમાં પોતાના માટે કાર લેવા માગતી હતી, પરંતુ પછી તેણે કંઈક અલગ કરવાનું વિચાર્યું અને તેણે પેરેન્ટ્સ માટે ઘર ખરીદ્યું છે.

સોનાક્ષી સિંહાએ જાન્યુઆરી, 2021માં બાંદ્રામાં પોતાનો નવો ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. સોનાક્ષીએ માત્ર ઇન્વેસ્ટ માટે આ ઘર ખરીદ્યું છે. તે પેરેન્ટ્સ તથા ભાઈ સાથે 'રામાયણ' બંગલોમાં જ રહે છે.

'મિર્ઝાપુર'માં બબલુનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર વિક્રાંતે ગયા વર્ષે લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શીતલ સાથે અચાનક સગાઈ કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ગયા વર્ષે દિવાળીના સમયે વિક્રાંતે મુંબઈમાં પોતાનું નવું ઘર ખરીદ્યું હતું.

* નોંધઃ તમામ માહિતી વિવિધ મીડિયા રિપોર્ટ્સને આધારે લેવામાં આવી છે.