ગુલશન કુમારની વાત:કેસેટ કિંગની મંદિરની બહાર નિર્મમ હત્યા કરવામાં આવી હતી, મા અંબાના ચરણોમાં અંતિમ શ્વાસ લીધા હતા

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 12 ઓગસ્ટ, 1997ના રોજ ગુલશન કુમારની હત્યા કરવામાં આવી હતી
  • મંદિરમાંથી પૂજા કરીને બહાર આવ્યા ત્યારે શાર્પશૂટરે 16 ગોળીઓ મારી હતી

ટી સિરીઝના ફાઉન્ડર ગુલશન કુમારની હત્યા કેસમાં બોમ્બે હાઇકોર્ટે દોષિત અબ્દુલ રઉફની અરજી નકારી કાઢી છે. સેશન્સ કોર્ટે રઉફને આજીવન કેદની સજા ફટકારી હતી. રઉફે આ સજા સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જોકે, હાઇકોર્ટે અરજીને ફગાવી દીધી હતી અને સેશન્સ કોર્ટની સજાને યથાવત રાખી હતી. 1997માં ગુલશન કુમારની મંદિરની બહાર હત્યા કરવામાં આવી હતી. જે મંદિરની આસપાસના વિસ્તારોમાં ગુલશન કુમારે મદદ કરી હતી, તે જ વિસ્તારે ગુલશન કુમારને અંતિમ સમયે મદદ કરી નહોતી. ગુલશન કુમારનું મા અંબાની તસવીરની નીચે નિધન થયું હતું. જાણીએ 42 વર્ષીય ગુલશન કુમારનું મર્ડર કેવી રીતે થયું હતું અને કેવી રીતે સૌથી મોટા કેસેટ કિંગ બન્યા હતા?

જ્યૂસ વેચતા હતા
ગુલશન કુમારનો જન્મ 5 મે 1956ના રોજ દિલ્હીના એક પંજાબી અરોરા પરિવારમાં થયો હતો. તેમના પિતા ચંદ્રભાન દુઆ દરિયાગંજમાં જ્યૂસ વેચતા હતા.બાળપણમાં ગુલશન કુમાર પિતાની જ્યૂસની દુકાન પર બેસતા હતા અને અહીંથી જ તેમને બિઝનેસમાં રસ પડવા લાગ્યો. તેમણે 23 વર્ષની ઉંમરમાં પરિવારની મદદથી નોઈડામાં એક દુકાન ટેકઓવર કરી અને સુપર કેસેટ્સ કંપની શરૂ કરીને ઓડિયો કેસેટ વેચવાનું શરૂ કર્યું. ગુલશન કુમારે પોતાના ઓડિયો કેસેટ બિઝનેસને 'સુપર કેસેટ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ' નામ આપ્યું, જેને આજે ટી-સિરીઝ નામે ઓળખવામાં આવે છે.

ગુલશન કુમાર ઓરિજિનલ સોંગને બીજાના અવાજમાં રેકોર્ડ કરી ઓછા ભાવમાં વેચવા લાગ્યા હતા. અન્ય કંપનીની કેસેટ 28 રૂપિયામાં મળતી હતી, જ્યારે ગુલશન કુમાર તેને 15થી 18 રૂપિયામાં વેચતા હતા. આ દરમિયાન તેમણે ભક્તિ સોંગ્સ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું અને પોતે પણ આ સોંગ ગાતા હતા. ગુલશન કુમારની કેસેટની માગ વધતી ગઈ અને તે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના સફળ બિઝનેસમેનમાં સામેલ થઈ ગયા. ઓડિયો કેસેટમાં સફળતા મળ્યા બાદ ગુલશન કુમારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને મુંબઈ આવી ગયા હતા.

ગુલશન કુમારને ભગવાનમાં ઘણી જ આસ્થા હતી
ગુલશન કુમારને ભગવાનમાં ઘણી જ આસ્થા હતી

મુંબઈમાં નસીબ બદલાયું
મુંબઈ આવ્યા બાદ ગુલશન કુમારે પાછળ ફરીને જોયું નથી. તેમણે 15થી વધુ ફિલ્મ પ્રોડ્યૂસ કરી અને તેમાંથી એક ફિલ્મ 'બેવફા સનમ' હતી. આ ફિલ્મ ગુલશન કુમારે ડિરેક્ટ કરી હતી. 1989માં આવેલી ફિલ્મ 'લાલ દુપટ્ટા મલમલ કા' તેમની પહેલી પ્રોડ્યૂસ કરેલી ફિલ્મ હતી. જોકે, 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'થી તેમને સફળતા મળી હતી.

અંતિમ પૂજા બનીને રહી ગઈ
ગુલશન કુમાર જ્યારે પણ મુંબઈમાં હોય ત્યારે સવાર-સાંજ સાઉથ અંધેરીમાં આવેલા જિતેશ્વર મહાદેવમાં દર્શન કરવા જતા હતાં. સામાન્ય રીતે ઉત્તર પ્રદેશનો એક પોલીસ ગનમેન સતત ગુલશન કુમારની સાથે રહેતો હતો પરંતુ ગુલશન કુમારની હત્યા થઈ તેના થોડાં દિવસ પહેલેથી તે ગનમેન બીમાર હોવાથી રજા પર હતો. તેમના ઘરથી આ મંદિર માત્ર એક કિમીના અંતરે આવેલું હતું. તે દિવસે પણ (12 ઓગસ્ટ, 1997, મંગળવાર) ગુલશન કુમાર પોતાના ઘરેથી સવારે 10.10 વાગે સિલ્કનો વ્હાઈટ કુર્તો પહેરીને મંદિરે ગયા હતાં. મંદિરની આસપાસ આવેલા ઘરોમાં ગુલશન કુમાર લોકપ્રિય હતાં.

આ સમયે મંદિરની આસપાસના વિસ્તારમાં એક લાંબાવાળવાળો વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યો હતો. તેણે બ્લૂ રંગનું જીન્સ પહેર્યું હતું. સવારના 10.40 વાગે ગુલશન કુમાર મંદિરમાંથી પૂજા-અર્ચના કરીને બહાર આવ્યા અને પોતાની કારમાં બેસવા જતા હતાં. આ જ સમયે અચાનક પેલી લાંબાવાળવાળી વ્યક્તિ બંદૂક લઈને તેમની સામે ઉભી રહી ગઈ હતી. પોતાની સામે આ રીતે બંદૂક લઈને ઉભેલી વ્યક્તિને જોઈ ગુલશન કુમાર એકદમ થીજી ગયા હતાં અને તેમણે તે શખ્સને સવાલ કર્યો હતો, 'આ શું કરી રહ્યો છે?'

તે શખ્સે સહેજ પણ ડર્યા વગર એકદમ બિંદાસ અંદાજમાં જવાબ આપ્યો હતો, 'બહુ પૂજા કરી લીધી, હવે ઉપર જવાનો સમય આવી ગયો છે.' આટલું બોલ્યા બાદ પેલા વ્યક્તિએ ગુલશન કુમારના માથામાં 9 એમએમ પિસ્તોલ ચલાવી દીધી હતી. ગુલશન કુમારના હાથમાં રહેલાં પૂજાના વાસણો પડી ગયા હતાં.

ગુલશન કુમાર ધાર્મિક સોંગ્સમાં જોવા મળતા હતા
ગુલશન કુમાર ધાર્મિક સોંગ્સમાં જોવા મળતા હતા

જીવ બચાવવા ભાગ્યા
ગુલશન કુમાર જીવ બચાવવા માટે થોડુંક ચાલ્યા હતાં, પરંતુ ત્યાં તેમની સામે બીજી બે વ્યક્તિ ઊભી રહી ગઈ હતી અને તેણે ગુલશન કુમારની પીઠ તથા ગરદન સાઈડ કુલ 16 ગોળીઓ મારી દીધી હતી. આટલી ગોળીઓ વાગવા છતાંય ગુલશન કુમાર મંદિરની બાજુમાં આવેલા ઘર તરફ જવા લાગ્યા હતાં. આ સમયે ગુલશન કુમારનો ડ્રાઈવર રૂપલાલ સૂરજ પોતાના માલિક ગુલશન કુમાર અને ગોળીઓ મારનાર શખ્સ વચ્ચે દોડતો-ભાગતો જોવા મળ્યો હતો. તેણે પૂજાનો કળશ પણ ગોળી મારનાર તરફ ફેંક્યો હતો.

આ સમય દરમિયાન ગુલશન કુમારે મંદિરની બાજુમાં આવેલા ઘરનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તે મહિલાએ ગુલશન કુમારના મોં પર જ દરવાજો બંધ કરી દીધો હતો. તેઓ બીજા ઘરે મદદ માંગવા ગયા, પરંતુ ત્યાં પણ તેમના મોં પર દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. તેઓ કોમન બાથરૂમ આગળ પહોંચી ગયા હતાં અને જે રીતે ફિલ્મમાં બતાવવામાં આવે છે, તે જ રીતે બાથરૂમની દીવાલ પર સિરામિક ટાઇલ્સ પર માતા અંબાની તસવીર હતી. જે માણસ પોતાની ભક્તિ માટે જાણીતા હતા, તે જ માણસ એટલે કે ગુલશન કુમાર માતાના ચરણોમાં નિષ્પ્રાણ પડ્યા હતા.

ગુલશન કુમારના ડ્રાઈવરને પણ બંને પગમાં ગોળી વાગી હતી. તેણે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું, 'બહુ જ ભયાવહ દૃશ્ય હતું. બધું જ 2 મિનિટની અંદર બની ગયું હતું. ભાગતા પહેલાં તે ત્રણ શખ્સોએ એ વાત જરૂરથી સુનિશ્ચિત કરી હતી કે ગુલશન કુમાર મરી ગયા છે. તે ત્રણ શખ્સે રોડ પર આવીને એક ટેક્સી ઊભી રાખીને તેના ડ્રાઈવરને હાંકી કાઢ્યો હતો અને તેઓ ભાગી છૂટ્યા હતા.'

હત્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર આવી હતી
હત્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર આવી હતી

મંદિરથી હોસ્પિટલ 2 કિમીના અંતરે
આ દરમિયાન મંદિરની બહાર કોઈએ પોલીસને ફોન કર્યો હતો અને અન્ય કેટલાક લોકો ગુલશન કુમારને કારમાં બેસાડીને મંદિરથી બે કિમી દૂર આવેલી કૂપર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડૉક્ટર્સે ગુલશન કુમારને જોઈને મેડિકલ રિપોર્ટમાં કહ્યું હતું, 'જ્યારે લાવવામાં આવ્યા ત્યારે જીવિત નહોતા.'

ગુલશન કુમારની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા
ગુલશન કુમારની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા

બોલિવૂડ ખળભળી ઊઠ્યું
ગુલશન કુમારની હત્યાથી બોલિવૂડ થથરી ઉઠ્યું હતું. જોકે, ગુલશન કુમારના નિકટના મિત્રોને નવાઈ લાગી નહોતી. તેમને ખ્યાલ હતો કે ગુલશન કુમારનો અંજામ કંઈક આવો જ થશે. ગુલશન કુમાર અંડરવર્લ્ડ ડોનના હિટ લિસ્ટમાં હતા. અંડરવર્લ્ડને ખ્યાલ હતો કે મુંબઈ તથા દિલ્હીમાં ગુલશન કુમારની 45 કંપની તથા સ્ટુડિયો છે. તેમની અંદાજિત નેટ વર્થ 350 કરોડ રૂપિયા હતા અને તેથી જ તેમણે 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મની માગ્યા હતા.

ગુલશન કુમારે એમ કહીને ના પાડી હતી કે તે પૈસા આપવાને બદલે વૈષ્ણોદેવી મંદિરમાં ભંડારો કરશે. આ વાતથી નારાજ અબુ સલેમે ગુલશન કુમારની હત્યા કરાવી નાખી હતી. અબુ સલેમે દાઉદ મર્ચન્ટ ઉર્ફે અબ્દુલ રઉફ અને વિનોદ જગતાપ નામના બે શૂટરને ગુલશન કુમારની હત્યાની સોપારી આપી હતી.

ગુલશન કુમારની ઘણી ફિલ્મમાં નદીમ-શ્રવણની જોડીએ સંગીત આપ્યું હતું
ગુલશન કુમારની ઘણી ફિલ્મમાં નદીમ-શ્રવણની જોડીએ સંગીત આપ્યું હતું

ગુલશન કુમારની હત્યાના પ્લાનિંગમાં સંગીતકાર નદીમનો હાથ હોવાની ચર્ચા છે. આ કેસમાં નામ આવતા જ નદીમ ઇંગ્લેન્ડ ભાગી ગયો હતો. 2002માં ભારતની કોર્ટે પુરાવા ના હોવાને કારણે નદીમ વિરુદ્ધ હત્યામાં સામેલ હોવાનો કેસ રદ કર્યો હતો, પરંતુ તેની વિરુદ્ધ ધરપકડનું વોરંટ પરત લીધું નથી.

ગુલશન કુમારનો પુત્ર ભૂષણ કુમાર ટી સિરીઝ સંભાળે છે
ગુલશન કુમારની હત્યા થાય તે પહેલાં જ તેઓ મ્યૂઝિકની દુનિયામાં ઈન્ટરનેશનલ બ્રાન્ડ બની ચૂક્યા હતા. ટી સિરીઝની ગણતરી ટોપ મ્યૂઝિક કંપનીઓમાં થાય છે. ટી સિરીઝનો બિઝનેસ 24 દેશોની સાથે-સાથે 6 મહાદ્વીપ સુધી ફેલાયેલો છે. હાલ ટી સિરીઝ કંપનીને ગુલશન કુમારનો પુત્ર ભૂષણ કુમાર સંભાળે છે. કંપનીએ ઘણી સુપરહિટ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. કંપનીએ 'રેડી' (2011), 'આશિકી 2' (2013), 'હેટ સ્ટોરી 4' (2014), 'બેબી' (2015), 'ભાગ જ્હોની' (2015), 'એરલિફ્ટ' (2016), 'બાદશાહો' (2017) સહિત અન્ય ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.