કંગનાના નિશાના પર કોમેડિયન:આઝાદીને 'ભીખ' ગણાવનારી કંગનાએ કોમેડિયન વીર દાસને 'ક્રિએટિવ આતંકવાદી' ગણાવ્યો અને કાર્યવાહીની માગ કરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટ્રેસ કંગના રનૌતે એક્ટર અને કોમેડિયન વીર દાસના વાયરલ વીડિયો 'ટુ ઈન્ડિયાઝ' પર પ્રતિક્રિયા આપી
  • હજુ બેએક દિવસ પહેલાં જ કંગનાએ મહાત્મા ગાંધીનું અપમાન કરતી ટિપ્પણી કરીને પણ વિવાદ વહોર્યો હતો

થોડા દિવસ પહેલા જ કંગનાએ એક કન્ક્લેવમાં વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું હતું કે, ‘1947માં મળેલી આઝાદી એ આઝાદી નહોતી, પરંતુ ભીખ હતી. સાચી આઝાદી તો ભારતને 2014માં મળી છે.’ આ નિવેદન બાદ સમગ્ર દેશમાં તેનો ઉગ્ર વિરોધ થયો હતો. દેશભરમાં અનેક પોલીસ ફરિયાદ થઈ છે. હજી તેનો આ વિવાદ શાંત નહોતો થયો ત્યાં તેણે મહાત્મા ગાંધીનું અપમાન કરતું નિવેદન કરીને પણ વિવાદ ઊભો કર્યો. હવે તેણે કોમેડિયન વીર દાસના વિવાદમાં પણ ઝંપલાવી દીધું છે. એક્ટ્રેસ કંગના રનૌતે એક્ટર અને કોમેડિયન વીર દાસના વાઇરલ વીડિયો 'આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયાઝ' પર પ્રતિક્રિયા આપી છે. વીર દાસની આ કવિતા કમ મોનોલોગ ભારતની વિરોધાભાસી માનસિકતા પર કટાક્ષ કરે છે. તેની એક લાઇનમાં વીરે કહ્યું કે, ‘હું એવા ભારતમાંથી આવું છું જ્યાં દિવસે સ્ત્રીઓની પૂજા થાય છે, ને રાત્રે તેના પર ગેંગરેપ થાય છે.’ આ લાઇને ભારે વિવાદ જગાવ્યો છે. વીરનો આ મોનોલોગ વાઇરલ થતાં જ તે વિવાદોમાં ફસાઇ ગયો છે અને તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ઇવન તેની સામે મુંબઈમાં એક પોલીસ ફરિયાદ પણ થઈ છે. હવે આ સળગતા વિવાદમાં કંગનાએ પણ પોતાના તરફથી ઘી હોમીને વિવાદ વધાર્યો છે. ટ્વિટર પરથી સસ્પેન્ડ થનારી કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પરવીરની તુલના ‘ક્રિએટિવ આતંકવાદી’ સાથે કરી અને તેના પર કાર્યવાહીની માગ કરી છે.

આવું ક્રિએટિવ કામ એક સોફ્ટ ટેરરિઝમ છે
વીરના વીડિયોની ટીકા કરતાં કંગનાએ લખ્યું, ‘જ્યારે તમે બધા ભારતીય પુરુષોને સામુહિક બળાત્કારી તરીકે ગણાવો છો, તો એ દુનિયાભરમાં ભારતીયોનો વિરોધ જાતિવાદને પ્રોત્સાહન આપશે... બંગાળમાં દુષ્કાળ પછી ચર્ચિલે કહ્યું હતું, આ ભારતીયો સસલા જેવા છે, અને આ રીતે મૃત્યુ પામવા માટે બંધાયેલા છે... ચર્ચિલે ભૂખના કારણે લાખો લોકોનાં મોત માટે ભારતીયોની પ્રજનન ક્ષમતા (સેક્સ ડ્રાઈવ)ને દોષી ઠેરવી હતી... સમગ્ર જાતિને ટાર્ગેટ કરવાનું આવું ક્રિએટિવ કામ એક સોફ્ટ ટેરરિઝમ છે... વીર દાસ જેવા ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.’

વીર દાસ અત્યારે અમેરિકામાં છે. તાજેતરમાં, તેણે તેની યુટ્યુબ ચેનલ પર 'આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયાઝ' નામનો વિડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં વીર દાસ ભારત પર એક કવિતા કમ મોનોલોગ કહેતો સંભળાય છે.

કોમેડિયનની વિરુદ્ધ ફરિયાદ દાખલ
બોમ્બે હાઈ કોર્ટના એડવોકેટ આશુતોષ જે. દુબેએ કોમેડિયનની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેની એક કોપી તેમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું, ‘મેં કોમેડિયન વીર દાસ વિરુદ્ધ અમેરિકામાં ભારતની છબિ ખરાબ કરવાને લઈને ફરિયાદ નોંધાવી છે, જે ઉશ્કેરણીજનક છે. તેને જાણી જોઈને ભારત, ભારતીય મહિલાઓ અને ભારતના PM સામે લોકોને ઉશ્કેરવા માટે અપમાનજનક નિવેદન આપ્યું છે.’

કોમેડિયને ખુલાસો આપ્યો
વીર દાસે પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા આપી અને લખ્યું કે, ‘તેનો ઈરાદો દેશનું અપમાન કરવાનો નહોતો, પરંતુ તેનો ઈરાદો એ યાદ અપાવવાનો હતો કે દેશ તેના તમામ મુદ્દાઓ પછી પણ 'મહાન' છે. તેને કહ્યું કે, એક જ વિષય વિશે બે અલગ અલગ વિચારો ધરાવતા લોકો વિશે વીડિયોમાં વાત કરવામાં આવી છે અને તે કોઈ પ્રકારનું રહસ્ય નથી, જે લોકો જાણતા નથી. વીર દાસે આગળ જણાવ્યું કે, લોકો ભારતને એક આશાની નજરે જુએ છે. લોકો ભારત માટે તાળીઓ પાડે છે, સન્માન આપે છે અને મને મારા દેશ પર ગર્વ છે. હું આ ગૌરવ સાથે જીવું છું.’ વીર દાસે એવું પણ કહ્યું કે લોકો તે વીડિયોમાંથી ટુકડા કાપીને ફોરવર્ડ કરી રહ્યા છે, તેનાથી મૂર્ખ ન બનશો. છ મિનિટનો આખો વીડિયો જોજો. એણે લખ્યું કે, ‘ઓડિયન્સ તરીકે હું તમને પણ એ જ અપીલ કરું છું કે ઉજળી બાજુ પર ફોકસ કરો, આપણી મહાનતાને યાદ રાખો, અને પ્રેમ ફેલાવો.’