હાઇસ્કૂલ પાસ રાજ 10 કંપનીનો માલિક:બસ કંડક્ટરનો દીકરો રાજ કુંદ્રા એક સમયે વેચતો હતો શાલ, આજે છે 2800 કરોડની સંપત્તિનો આસામી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 વર્ષની ઉંમરથી રાજે બિઝનેસ કરવાની શરૂઆત કરી હતી.

શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા પોર્ન ફિલ્મને કારણે ચર્ચામાં છે. રાજ બિઝનેસની દુનિયામાં સૌથી મોટું નામ છે. જોકે, ભારતમાં રાજ કુંદ્રા બિઝનેસમેન કરતાં બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ તરીકે વધુ ઓળખાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા રાજે પોતાના દમ પર કરોડોની સંપત્તિ બનાવી છે. એક જૂના ઇન્ટરવ્યૂમાં રાજ કુંદ્રાએ કહ્યું હતું, 'આજે હું જે પણ એશો-આરામથી જીવન જીવું છું, નાનપણમાં મારી લાઇફ આનાથી તદ્દન અલગ હતી. આજે મારી પાસે એકથી એક લક્ઝૂરિયસ કાર્સ છે, પરંતુ પહેલાં આ બધું એક સપના જેવું હતું.'

18 વર્ષની ઉંમરમાં બિઝનેસ શરૂ કર્યો
9 સપ્ટેમ્બર, 1975માં લંડનમાં જન્મેલા રાજ કુંદ્રાના પિતા બાલકૃષ્ણ કુંદ્રા પંજાબના લુધિયાણાના હતા. તેઓ લંડન ગયા હતા અને અહીંયા બસ કન્ડક્ટર તરીકે કામ કરતા હતા. રાજની માતા ઉષા રાની કુંદ્રા સોપ આસિસ્ટન્ટનું કામ કરતી હતી. થોડાં વર્ષ બાદ રાજના પિતાએ લંડનમાં રેસ્ટોરાં શરૂ કરી હતી. જ્યારે રાજ 18 વર્ષનો થયો ત્યારે પિતાએ કહ્યું હતું, 'રેસ્ટોરાંમાં સાથ આપ અથવા પોતાનો બિઝનેસ શરૂ કર.' પિતાની આ વાતને ગંભીરતાથી લઈને રાજે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.

પહેલાં હીરાનો વેપાર કર્યો
હાઇસ્કૂલ પાસ રાજ પિતાની વાત સાંભળ્યા બાદ પોતાનું નસીબ અજમાવવા નીકળી પડ્યો હતો. તે ઘરેથી થોડાં પૈસા લઈને દુબઈ ગયો હતો. અહીંયા તે હીરાનો વેપાર કરતાં વેપારીઓને મળ્યો અને તેમની સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, અહીંયા કંઈ થયું નહીં અને રાજ દુબઈથી નેપાળ જતો રહ્યો હતો.

નેપાળમાં પશમીના શાલ ખરીદી
1994માં રાજ નેપાળ ગયો અને અહીંયા તેણે પશમીના શાલ ખરીદી હતી. આ શાલ રાજે બ્રિટનના જાણીતા બ્રાન્ડેડ સ્ટોરીને વેચી હતી. આ રીતે રાજનો શાલનો બિઝનેસ ચાલવા લાગ્યો હતો. ત્યારબાદ રાજ ફરી એકવાર દુબઈ ગયો હતો. અહીંયા તેણે અનેક બિઝનેસ કર્યા હતા.

રાજ 10 કંપનીઓનો માલિક હોવાની ચર્ચા
રાજ કુંદ્રા 10 કંપનીઓમાં માલિક છે અથવા તો પાર્ટનર છે. લંડન સ્થિત ટ્રેડકોર્પ લિમિટેડનો CEO છે. રાજ કુંદ્રા 2004માં બ્રિટિશ મેગેઝિન સક્સેસમાં સૌથી અમીર એશિયન બ્રિટિશ લિસ્ટમાં 198માં સ્થાને હતા. રાજ કુંદ્રા લંડન સ્થિત ભારતીય મૂળનો મુખ્ય વેપારી છે. રાજ રિયલ એસ્ટેટ, માઇનિંગ, એન્ટરટેઇનમેન્ટ, સ્પોર્ટ્સ, સ્ટોક માર્કેટ, ગેમિંગ તથા હોસ્પિટાલિટી સહિતના અનેક બિઝનેસ સાથે જોડાયેલો છે. રાજ બોલિવૂડ ફિલ્મ તથા સ્પોર્ટ્સ ઇવેન્ટમાં રોકાણ કરે છે. રાજ કુંદ્રા તથા અક્ષય કુમારે બેસ્ટ ડીલ ટીવી નામથી એક ચેનલ લૉન્ચ કરી હતી. આ એક હોમ શોપિંગ ચેનલ છે.

કેટલી સંપત્તિ?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાજ પાસે 2800 કરોડથી વધુની સંપત્તિ છે. રાજ પાસે એકથી ચઢિયાતી એક લક્ઝૂરિયસ કાર્સ છે.

રાજ પૂર્વ પત્ની કવિતા (ડાબી બાજુ) , શિલ્પા (જમણી બાજુ) સાથે
રાજ પૂર્વ પત્ની કવિતા (ડાબી બાજુ) , શિલ્પા (જમણી બાજુ) સાથે

બે લગ્ન કર્યાં
રાજે સૌ પહેલાં કવિતા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, આ લગ્ન લાંબા ટક્યા નહીં અને 2007માં તેઓ અલગ થઈ ગયા હતા. આ લગ્નથી રાજ એક દીકરીનો પિતા બન્યો હતો. શિલ્પા 'બિગ બ્રધર' રિયાલિટી શો માટે લંડન ગઈ હતી અને તે આ શો જીતી હતી. શો જીત્યા બાદ રાજે શિલ્પાના હાથે એક પર્ફ્યુમ લૉન્ચ કરાવ્યું હતું. ત્યારબાદ રાજ તથા શિલ્પાની મુલાકાત વધવા લાગી હતી અને બંને પ્રેમમાં પડ્યા હતા નવેમ્બર, 2009માં રાજ તથા શિલ્પાએ લગ્ન કર્યાં હતાં. બંનેને એક દીકરો વિવાન તથા દીકરી સમીશા છે.