વર્ષની બિગ ઓપનર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બનશે?:પહેલા દિવસે જ સવા લાખ ટિકિટનું બુકિંગ, બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ છે 'બ્રહ્માસ્ત્ર'

3 મહિનો પહેલા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેઇટેડ અને બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' 9મી સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' મોસ્ટ અવેટેડ ફિલ્મ પૈકી એક છે. આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં હતી. #BoycottBollywood ટ્રેન્ડ વચ્ચે આ વર્ષે બોલિવૂડ માટે આ ફિલ્મ સૌથી મોટો દાવ માનવામાં આવી રહ્યો છે. જો ફિલ્મના બજેટ વિશે વાત કરવામાં આવે તો લગભગ 410 કરોડના બજેટ પર બનેલી આ ફિલ્મમાં150 કરોડ રૂપિયા માત્ર VFX પર જ ખર્ચ કરવામાં આવે છે. 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મનો સોશિયલ મીડિયા પર પણ બોયકોટનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે, પરંતુ આમ છતાં પહેલા દિવસે 1.25 લાખથી વધુ ટિકિટ એડવાન્સમાં બુક થઈ ચૂકી છે અને વીકએન્ડ માટે લગભગ અઢી લાખ ટિકિટ બુક થઇ ચૂકી છે. જો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન નહીં કરી શકે તો #Boycottનું સંકટ વધી જશે.

ફિલ્મની રિલીઝ પહેલાં ફિલ્મમાં રોકાયેલી જંગી રકમ, એની કમાણીની, બહિષ્કારનું કારણ અને એની સાથે જોડાયેલી સંપૂર્ણ જાણકારી પર એક નજર કરીએ.

'બ્રહ્માસ્ત્ર'નું બજેટ સમગ્ર રૂપિયા 410 કરોડ રૂપિયાનું છે. આ બજેટમાં સ્ટારકાસ્ટની ફી, માર્કેટિંગ ખર્ચ, પ્રમોશન ખર્ચ, મેકિંગ અને VFXખર્ચનો પણ સમાવેશ થાય છે. સાઉથની ફિલ્મ આરઆરઆર, 2.0 પછી આ બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે અને ભારતમાં બનેલી ત્રીજી સૌથી મોંઘી ફિલ્મ છે.

બોલિવૂડની વાત કરવામાં આવે તો અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મનો રેકોર્ડ આમિર ખાનની 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' નો હતો, જેને ફિલ્મ 'બ્રહ્માસ્ત્રે' તોડી નાખ્યો છે.

પ્રમોશન પર બોયકોટ ટ્રેન્ડની અસર જોવા મળી
અગિયાર વર્ષ પહેલાં એક્ટર રણબીર કપૂરે પોતાને 'બિગ બીફ બૉય' ગણાવ્યો હતો, એટલે કે બીફ ખાનાર. આલિયા ભટ્ટ નેપો કિડ હોવાને કારણે પહેલાંથી જ ચર્ચામાં રહે છે. આલિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો લોકો તેને પસંદ નથી કરતા તો ફિલ્મ ન જુએ. આ પરથી ફિલ્મના બંને મુખ્ય સ્ટાર્સનું નિવેદન ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે. 6 સપ્ટેમ્બરે આલિયા, રણબીર અને દિગ્દર્શક અયાન મુખર્જી ઉજ્જૈન મહાકાલ દર્શન કરવા માટે ગયાં હતાં, પરંતુ મંદિરમાં રણબીરે 11 વર્ષ પહેલાં આપેલા નિવેદનને કારણે તેને પ્રવેશ મળ્યો નહોતો.

VFX પાછળ 150 કરોડનો ખર્ચ
આ ફેન્ટસી એડવેન્ચર ફિલ્મને અસલી દેખાડવા માટે મેકર્સે હાઈ લેવલ VFXનો ઉપયોગ કર્યો છે, જેના પર મેકર્સે અધધ.. 150 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા છે. આ ફિલ્મનું નિર્માણ VFX, DNEG(ડબલ નેગેટિવ સ્ટુડિયોઝ) દ્વારા કરવામાં આવ્યું છે. આ એક બ્રિટિશ ભારતીય સ્ટુડિયો છે, જેનું વડુંમથક લંડનમાં છે, જોકે તેના સ્ટુડિયો મુંબઈ, લોસ એન્જલસ, ચેન્નઇ, મોન્ટ્રિયલ, ચંદીગઢ, બેંગલુરુ, ટોરોન્ટો, વાનકુવરમાં પણ છે.

આ સ્ટુડિયોને અત્યારસુધીમાં ઇન્સેપ્શન, ઇન્ટરસ્ટેલર, એક્સ મશીન, બ્લેડ રનર 2049, ફર્સ્ટ મેન, ટેનેટ અને ડ્યુન જેવી ફિલ્મો માટે 7 ઓસ્કાર અવોર્ડ મળ્યા છે. આ સ્ટુડિયોએ હેરી પોટર એન્ડ ધ ડેથી હોલો, એવેન્જરઃ ઇન્ફિનિટી વોર, એવેન્જર એન્ડગેમ, ગોડઝિલા વર્સિસ કોંગ, મુલાન, અલાદીન, મિશન ઇમ્પોસિબલઃ ફોલ આઉટ જેવી 100થી વધુ ફિલ્મોનું VFXનું કામ કર્યું છે.

ફિલ્મના ટાઇટલ લોગો માટે 150 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો
આ ફિલ્મનો ટાઇટલ લોગો 4 માર્ચ, 2019ના રોજ મહાશિવરાત્રિના દિવસે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ જ દિવસે અલાહાબાદ અર્ધકુંભ મેળામાં ટીમે 150 ડ્રોનની મદદથી લાઇટ શોમાં લોગો જાહેર કર્યો હતો. તમે એ લોગો નીચે ફોટોમાં જોઈ શકો છો.

પહેલા દિવસે 30 કરોડ કમાણીની આશા
ટ્રેડ એક્સપર્ટ્સ અને એડવાન્સ બુકિંગ અનુસાર, આ ફિલ્મ પહેલા જ દિવસે 30-35 કરોડ રૂપિયાનું ઓપનિંગ કલેક્શન કરી શકે છે. આ પહેલાં અગાઉ નોન-હોલિડે રિલીઝમાં 20 કરોડની કમાણી કરનારી સલમાન ખાનની 'દબંગ 3' હતી.

એડવાન્સ બુકિંગમાં પ્રથમ દિવસે 1.25 લાખ ટિકિટનું વેચાણ
'બ્રહ્માસ્ત્ર' ફિલ્મનું એડવાન્સ બુકિંગ 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે. અત્યારસુધી દેશભરમાં ઓપનિંગ ડે માટે 1.25 લાખ ટિકિટ બુક થઈ ચૂકી છે, જેમાં પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસનો સમાવેશ થાય છે. આ સાથે વીકેન્ડ માટે લગભગ અઢી લાખ ટિકિટ એડવાન્સમાં બુક થઇ ગઈ છે. કોરોનાકાળ બાદ 'બ્રહ્માસ્ત્ર'ને સૌથી મોટું ઓપનિંગ મળવા જઈ રહ્યું છે. બ્રહ્માસ્ત્રે એડવાન્સ બુકિંગ મામલે એસએસ રાજામૌલીની આરઆરઆરને પણ પાછળ છોડી દીધી છે.

શું 'બ્રહ્માસ્ત્ર' બોલિવૂડને થયેલા નુકસાનની રિકવરી થઈ શકે છે?
જવાબ: બોલિવૂડની રિકવરી ત્યારે જ થશે, જ્યારે દર્શકોને એનું કન્ટેન્ટ પસંદ પડશે. જો સ્ટોરી સારી હશે તો રિકવરીની શક્યતા નકારી શકાતી નથી. આપણે સૌ જાણીએ છીએ કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે છેલ્લાં કેટલાંક અઠવાડિયાં ખરાબ છે. લાલ સિંહ ચઢ્ઢા હોય, રક્ષાબંધન હોય, સમ્રાટ પૃથ્વીરાજ હોય, જર્સી હોય કે શમશેરા કલેક્શન મામલે અમને આશા છે 'બ્રહ્માસ્ત્ર' અને એ પછી રિલીઝ થઈ રહેલી 'વિક્રમ વેધ' ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરીથી પાટા પર લાવશે.

RRR'નો ઓપનિંગ ડે રેકોર્ડ તોડી શકે છે ?
એડવાન્સ બુકિંગ જોતાં ચર્ચા છે કે 'બ્રહ્માસ્ત્ર' એસએસ રાજમૌલિની ફિલ્મ 'RRR'નો ઓપનિંગ ડે રેકોર્ડ તોડી શકે છે. આ ફિલ્મે 20 કરોડનો બિઝનેસ કર્યો હતો.

જો બ્રહ્માસ્ત્ર ફ્લોપ થાય તો શું થશે? બોલિવૂડનું શું થશે?
અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્થિતિ બહુ જ ખરાબ છે. જો બ્રહ્માસ્ત્ર પણ ફ્લોપ થાય તો કશું રહેશે નહીં. આપણે આશા રાખીએ છીએ કે આશાનું કિરણ 'બ્રહ્માસ્ત્ર' છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે 2022નું વર્ષ સારું રહ્યું નથી. ભૂતકાળમાં પણ ફિલ્મો ફ્લોપ રહી હતી, પરંતુ આ વર્ષે અનેક ફિલ્મોનું શૂટિંગ કેન્સલ થઈ ગયું છે. ફિલ્મના શો રદ કરવામાં આવ્યા હતા. મોટા સ્ટાર્સને જોવા માટે કોઈ આવ્યું નહોતું, જે ચિંતાજનક બાબત છે.

જો 'બ્રહ્માસ્ત્ર' ફ્લોપ જાય છે તો પછી આશાનું કિરણ શું રહેશે?
જવાબ : જો આ ફિલ્મ ફ્લોપ જાય છે તો આશાનું કિરણ 'વિક્રમ વેધા' રહેશે.

વૈશ્વિક સ્તરે આ ફિલ્મ 8000 સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવશે.
'બ્રહ્માસ્ત્ર' ફિલ્મ ભારતમાં 4500 સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ સ્ટાર સ્ટુડિયો પાસે છે. 21 ફોક્સ સ્ટાર સ્ટુડિયોના ટાઇટલમાંથી ફોક્સને હટાવી દેવામાં આવ્યું છે. આ સ્થિતિમાં આ સ્ટુડિયોના નવા નામ સાથે રિલીઝ થનારી 'બ્રહ્માસ્ત્ર' પહેલી ફિલ્મ છે. આ ફિલ્મનું વિશ્વભરમાં ડિસ્ટ્રિબ્યુટ વોલ્ટ ડિઝની સ્ટુડિયો મોશન પિક્ચર ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે. ભારતમાં 4500 સ્ક્રીન સહિત વૈશ્વિક સ્તરે 8000 સ્ક્રીન પર રિલીઝ થશે.

ફિલ્મ વિશે જાણી-અજાણી વાતો

  • આ ફિલ્મનું શીર્ષક પહેલાં ડ્રેગન હતું, પરંતુ મેકર્સે પાછળથી એને બદલીને 'બ્રહ્માસ્ત્ર' કર્યું છે.
  • અયાન મુખર્જીને આ ફિલ્મની વાર્તાને તૈયાર કરવામાં 6 વર્ષ લાગ્યા છે.
  • બ્રહ્માસ્ત્ર ત્રણ ભાગમાં રિલીઝ થશે, જેને 10 વર્ષ લાગશે. પહેલો ભાગ 'બ્રહ્માસ્ત્રઃ શિવ' 2022માં રિલીઝ થઈ રહ્યો છે અને બાકીના બે ભાગ આવતાં 10 વર્ષમાં રિલીઝ થશે.
  • ફિલ્મમાં રણબીર કપૂરનો લુક 13મી સદીના ઉર્દૂ લેખક રૂમીથી પ્રેરિત હોવાનું માનવામાં આવતું હતું, જેના માટે તેણે પોતાના વાળ પણ વધાર્યા હતા, જોકે તેણે શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ આ વિચાર છોડી દીધો હતો. એનું એક કારણ એ હતું કે શમશેરામાં રણબીર લાંબા વાળમાં જોવા મળ્યો છે.
  • આ ફિલ્મ હિન્દી, તમિળ તેલુગુ, મલયાલમ, કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.
  • એસએસ રાજામૌલી આ ફિલ્મને દક્ષિણની 4 ભાષામાં રજૂ કરી રહ્યા છે.
  • આ ફિલ્મ 2016માં રિલીઝ થવાની હતી, જોકે હવે એને 6 વર્ષ મુલતવી રાખ્યા બાદ રિલીઝ કરવામાં આવી રહી છે.
  • બ્રહ્માસ્ત્રના આગામી ભાગોમાં નવાં પાત્રો પણ હોઈ શકે છે.
  • ફિલ્મના આગામી ભાગોમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ પણ જોવા મળવાના છે. એક રિપોર્ટ અનુસાર, આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ સુપરપાવર સાથે જોવા મળશે, જ્યારે કાજોલ અને માધુરી પણ આગામી ફિલ્મનો ભાગ બની શકે છે.