કપૂર પરિવારમાં કોરોના:બોની કપૂરની દીકરી અંશુલા, અનિલ કપૂરની દીકરી-જમાઈનો રિપોર્ટ પોઝિટિવ, અર્જુન કપૂરને બીજીવાર ચેપ લાગ્યો

મુંબઈ5 મહિનો પહેલા
ડાબે, અર્જુન-અંશુલા કપૂર, અનિલ કપૂરની દીકરી રિયા પતિ કરન સાથે (ફાઇલ તસવીર).
  • અર્જુન કપૂરની પ્રેમિકા મલાઈકાનો પણ ટેસ્ટ થશે
  • આ પહેલાં અનિલ કપૂરના નાના ભાઈ સંજય કપૂરની પત્ની ને દીકરીને કોરોનો થયો હતો

કરીના કપૂર ખાન, અમૃતા અરોરા, સીમા ખાન, મહિપ કપૂર, શનાયાને હાલમાં જ કોરોના થયો હતો. હવે સોનમ કપૂરની બહેન રિયા કપૂર, જીજાજી કરન બુલાની, કઝિન સિસ્ટર અંશુલા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આટલું જ નહીં, અર્જુન કપૂરને બીજીવાર કોરોના થયો છે. આ ચારેય હાલમાં હોમ આઇસોલેશનમાં છે. અર્જુન કપૂર હાલમાં જ પ્રેમિકા મલાઇકા અરોરા સાથે કરિશ્મા કપૂરના ઘરે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. અર્જુન કપૂરને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોરોના થયો હતો. એ સમયે મલાઈકાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને સાથે ઘરમાં જ આઇસોલેશનમાં રહ્યાં હતાં.

પહેલાં નાના ભાઈની પત્ની અને દીકરીને કોરોના થયો હતો
ઉલ્લેખનીય છે કે 11 ડિસેમ્બરના રોજ સીમા ખાન (સલમાનના ભાઈ સોહેલ ખાનની પત્ની)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ અનિલ કપૂરના નાના ભાઈ સંજય કપૂરની પત્ની મહિપને કોરોના થયો હતો. સીમા ખાન તથા મહિપ કપૂર બંને સાથે કરન જોહરની પાર્ટીમાં સામેલ થયાં હતાં. મહિપ બાદ તેની દીકરી શનાયા કપૂરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને હોમ આઇસોલેશનમાં રહ્યાં હતાં. હવે અનિલ કપૂરની બીજી દીકરી રિયા કપૂર તથા જમાઈ કરન બુલાનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રિયાએ ઓગસ્ટમાં કરન બુલાની સાથે લગ્ન કર્યા હતા. કોવિડ પ્રોટોકોલને કારણે આ લગ્નમાં પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો જ હાજર રહ્યા હતા. રિયા કપૂર ફિલ્મ-પ્રોડ્યુસર છે અને કરન બુલાની ડિરેક્ટર-પ્રોડ્યુસર છે.

રિયાએ કહ્યું, અમારા સ્વાસ્થ્ય અંગેની બીમારી ગોસિપ સાઇટ્સ પર કેમ?

અનિલ કપૂરની દીકરીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'સુપર કેરફુલ રહેવા છતાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. ખબર નહીં કેમ મારી તથા અન્યની સ્વાસ્થ્યની માહિતી સમાચાર કે ગોસિપ કેમ છે. આ માત્ર સરકાર તથા સરકારી સંસ્થાઓ સારી રીતે કામ કરી શકે એટલે તેમના માટે હોવી જોઈએ. આ માહિતી ગોસિપ સાઇટ્સ પર હોવા જોઈએ નહીં. હું અને મારા પતિ આઇસોલેશનમાં છીએ. તમામ પ્રકારની સાવચેતી રાખીએ છીએ. ગઈ કાલ રાત્રે 'ફ્રોઝન' જોઈ. તે સારી હતી. બહેનને ઘણી જ મિસ કરી. ચોકલેટ સિવાય અન્ય તમામનો સ્વાદ બકવાસ છે. માથામાં દુખાવો છે, તેમ છતાંય આભારી છું કે મેં મારી રીતે આમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધ્યો અને અમે ટૂંક સમયમાં જ સાજા થઈ જઈશું. અમારી ચિંતા કરતાં તમામ લોકોને કહી દઉં કે અમારી તબિયત એટલી પણ ખરાબ નથી. ચેક કરવા માટે આભાર અને લવ યૂ.'

અંશુલાનો આજે જન્મદિવસ
બોની કપૂરની દીકરી અંશુલાનો આજે (29 ડિસેમ્બર) 31મો જન્મદિવસ છે. જાન્હવી કપૂર, બોની કપૂર, અર્જુન કપૂરે અંશુલાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

અર્જુન કપૂરને ગયા વર્ષે કોરોના થયો હતો
અર્જુન કપૂરને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોરોના થયો હતો. અર્જુન કપૂરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. અર્જુનને 13 મહિના બાદ ફરીથી બીજીવાર કોરોના થયો છે. હાલમાં અર્જુન કપૂર હોમ આઇસોલેશનમાં છે. ઉલ્લેખનીય છે કે 25 ડિસેમ્બરના રોજ અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે પાર્ટી કરી હતી. મલાઈકા પોતાની બહેન અમૃતા અરોરા સાથે પેરન્ટ્સના ઘરે ગઈ હતી. અહીં અર્જુન કપૂર પણ આવ્યો હતો. બીજા જ દિવસે એટલે કે 26 ડિસેમ્બરે અર્જુન તથા મલાઈકાએ કરિશ્મા કપૂરના ઘરે પાર્ટી કરી હતી. અર્જુન કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે મલાઈકાનો પણ કોરોના ટેસ્ટ થશે. અર્જુન કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો મોહિત સૂરીની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ', આસમાન ભારદ્વાજની ફિલ્મ 'કુત્તે' તથા અજય બહલની ફિલ્મ 'ધ લેડી કિલર'માં જોવા મળશે.

રણવીર શૌરી દીકરા હારુન સાથે.
રણવીર શૌરી દીકરા હારુન સાથે.

હાલમાં જ આ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા
હજી ગઈકાલે (28 ડિસેમ્બર) એક્ટર રણવીર શૌરીના 10 વર્ષીય દીકરા હારુનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હારુન તથા રણવીર ગોવામાં વેકેશન મનાવવા ગયા હતા. મુંબઈ પરત ફરતાં પહેલાં બંનેએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેમાં હારુનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં બંને હોમ આઇસોલેશનમાં છે. ઉર્મિલા માતોંડકર, કમલ હાસન, તનિષા મુખર્જી, કરીના કપૂર, મહિપ કપૂર, સીમા ખાન, સીમા ખાનનો 10 વર્ષીય દીકરો યોહાન, શનાયા કપૂર તથા અમૃતા અરોરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટીવી સેલેબ્સની વાત કરીએ તો નકુલ મહેતા, અર્જુન બિજલાણીને પણ કોરોના થયો છે.