બોલિવૂડ vs સાઉથ:અંતે, અક્ષય કુમાર પણ બોલ્યો, કહ્યું- 'દેશના ભાગલા પાડવાનું બંધ કરો, આ કામ અંગ્રેજોનું હતું'

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અક્ષય કુમાર અપકમિંગ ફિલ્મ 'પૃથ્વીરાજ'ના પ્રમોશનમાં વ્યસ્ત હતો. જોકે, આ દરમિયાન તેને કોરોના થતાં તે હોમ આઇસોલેશનમાં છે. હોમ આઇસોલેશનમાં એક્ટરે મીડિયા સાથે વાત કરી હતી. તેણે બોલિવૂડ તથા સાઉથ સિનેમા વચ્ચે ચાલતા વિવાદ અંગે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો.

શું કહ્યું અક્ષયે?
'આજ તક'ના અહેવાલ પ્રમાણે, અક્ષયે કહ્યું હતું, 'ચાલો, આજે હું આ અંગે વાત કરી દઉં છું. દેશના ભાગલા ના પાડો. તમે અહીંયા સાઉથ ઇન્ડિયા, નોર્થ ઇન્ડિયા કે બોલિવૂડ ના કહેશો. તે લોકો બોલી રહ્યા છે તો તમે કેમ બોલો છો. તે લોકો શું કહે છે, તેનાથી મને કોઈ ફેર પડતો નથી. હું અંગત રીતે માનું છું કે આ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. હું એ જ વિચારું છું કે તેમની ફિલ્મ પણ ચાલે અને અમારી પણ ચાલે. આજે જે થઈ રહ્યું છે તે આઝાદીના સમયે થતું હતું. બ્રિટિશર્સે આમ જ કર્યુ હતું. તેમણે ભારતને ઇસ્ટ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયા, નોર્થ ઇન્ડિયામાં વહેંચ્યું હતું. મને ફેર નથી પડતો કે લોકો શું કહે છે. હું એ જોઉં છું કે મારા શું વિચારો છે અને મારી શું પ્રતિક્રિયા છે. હું ઇન્ડસ્ટ્રી માટે શું કરી શકું છું. આ દૃષ્ટિકોણની વાત છે. તમે એ વિચારો કે તમે દેશ માટે શું કરી શકો છો અને દેશને શું આપી શકો છો. તે લોકો કંઈક બોલી રહ્યા છે અને અમે કંઈક કહી રહ્યા છીએ. આ બધી વાતોમાં શું રાખ્યું છે. કોઈ કંઈ પણ બોલે, અમે એક જ ઇન્ડસ્ટ્રીના છીએ. હું ઈચ્છું છું કે તેમની ફિલ્મ પણ ચાલે, અમારી પણ ચાલે, ત્યારે જ અમે ફાયદામાં રહીશું ને.'

વધુમાં એક્ટરે કહ્યું હતું, 'મને યાદ છે કે હું ત્યારથી ફિલ્મમાં કામ કરી રહ્યો છું, જ્યારે ફિલ્મનું બજેટ 15 લાખ રૂપિયા હતું. આજે 250-400 કરોડ રૂપિયામાં ફિલ્મ બને છે, આમાં તેમનો હાથ પણ છે અને અમે પણ સામેલ છીએ. લોકોએ એ સમજવું જરૂરી છે કે જે આજકાલ ડિવાઇડની વાત કરે છે, તે ઘણું જ દુર્ભાગ્યપૂર્ણ અને નિરાશાજનક છે. આપણે ભાગલા બંધ કરવા જોઈએ. આની પાછળ જરૂર કોઈનો હાથ છે અને તે આ બધા ભાગલા પડાવે છે. આપણે તેમનાથી સાવચેત રહેવાની જરૂર છે.

અક્ષયે છેલ્લે કહ્યું હતું કે 'ઓહ માય ગૉડ'ને તેલુગુમાં બનાવવામાં આવી. 'રાઉડી રાઠોડ' સાઉથમાંથી હિંદી રીમેક બનાવી. તેણે અહીંયા ફિલ્મ બનાવી અને ચાલી, એમાં વાંધો શું છે.

નોંધનીય છે કે અજય દેવગન તથા કિચ્ચા સુદીપ વચ્ચેની સો.મીડિયા વાતને કારણે બોલિવૂડ તથા સાઉથ સિનેમા વચ્ચેનો વિવાદ ઉભો થયો હતો. થોડાં સમય પહેલાં જ તેલુગુ સ્ટાર મહેશ બાબુએ કહ્યું હતું કે બોલિવૂડ તેને અફોર્ડ કરી શકે તેમ નથી. તેના આ નિવેદનનો ઘણો જ વિરોધ થયો હતો. પછી તેણે ચોખવટ કરી હતી કે તે જ્યાં છે, ત્યાં ખુશ છે.