બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. સલમાને તાજેતરમાં સાઉદી અરેબિયાના જનરલ એન્ટરટેઇનમેન્ટ અથૉરિટીના એક પ્રોગ્રામમાં હાજરી આપી હતી. ત્યાં સલમાને અમેરિકન એક્ટર જ્હૉન ટ્રાવોલ્ટા સાથે મુલાકાત કરી હતી. આ બંનેની મુલાકાતનો વીડિયો હાલમાં ઘણો જ વાઈરલ થયો છે. આ વીડિયોમાં સલમાન ખાને પોતાનો પરિચય હોલિવૂડ સ્ટારને આપ્યો હતો. આ જ કારણે વીડિયો વાઇરલ થયો છે.
રિયાધમાં સલમાને પોતાનો પરિચય આપ્યો
દેશ-વિદેશમાં સલમાન ખાનને ભાગ્યે જ એવું કોઈ હશે જે ઓળખતું નહીં હોય. જોકે, સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાયેલી જે ઇવેન્ટમાં સલમાન ખાને હાજરી આપેલી, ત્યાં હોલિવૂડના સુપરસ્ટાર જ્હોન ટ્રાવોલ્ટા પણ હાજર હતા. એમની સાથે પરિચય કરતી વખતે સલમાન ખાને પોતાનો પરિચય આપવો પડ્યો હતો. તેના વાઇરલ થયેલા વીડિયોમાં સલમાન હોલિવૂડ સ્ટાર પાસે જાય છે અને કહે છે, 'હું ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું, મારું નામ સલમાન ખાન છે.' સલમાન ખાનના આ નેચરના સો.મીડિયામાં ઘણાં જ વખાણ કરવામાં આવ્યા છે.
તસવીરો વાઇરલ
આ ઇવેન્ટની કેટલીક તસવીરો પણ વાઇરલ થઈ છે. આ તસવીરોમાં સલમાન ખાન હોલિવૂડ સ્ટાર સાથે બેઠેલો જોવા મળે છે. સલમાનને આ ઇવેન્ટમાં પર્સાનિલિટી ઑફ ધ યર અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
ગયા વર્ષે રિયાધમાં આવ્યો હતો
ગયા વર્ષે ડિસેમ્બરમાં સલમાન ખાને 'દબંગ' ટૂર કરી હતી. આ દરમિયાન એક્ટરની સાથે શિલ્પા શેટ્ટી, સઈ માંજરેકર, પ્રભુદેવા, સુનીલ ગ્રોવર, કમાલ ખાન, ગુરુ રંધાવા તથા આયુષ શર્મા સહિતના સ્ટાર્સ જોવા મળ્યા હતા.
સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'ટાઇગર 3'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ છે. આ ઉપરાંત સલમાન ખાન 'બજરંગી ભાઈજાન'ની સિક્વલ 'પવનપુત્ર ભાઈજાન'માં જોવા મળશે.
કોણ છે જ્હૉન ટ્રાવોલ્ટા?
67 વર્ષીય જ્હૉન ટ્રાવોલ્ટા હોલિવૂડનો જાણીતો એક્ટર, સિંગર, રાઇટર, પ્રોડ્યૂસર, ડાન્સર તથા મ્યુઝિશિયન છે. તેણે 'ગ્રીસ', 'પલ્પ ફિક્શન', 'સેટરડે નાઇટ ફીવર', 'હેર સ્પ્રે' જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.